તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th January 2026
રાપરમાં માનસિક વિકલાંગ સગીર દીકરી સાથે કાળજું કંપાવતી ઘટનામાં હેવાનિયતભર્યું દુષ્કર્મ આચરનાર બુટલેગર અંતે ઝડપાયો
હૃદયને હચમચાવતા દુષ્કર્મના આ બનાવમાં પોલીસ દ્વારા મોડી ફરિયાદ લેવાયાનો મુદ્દો ચર્ચામાં, શહેરભરમાં આ નિંદનીય કૃત્યની ચર્ચા અને ચકચાર પણ મહિલા કોંગ્રેસની જાગૃતિ અને દબાણ બાદ પોલીસ હરકતમાં આવી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૮ : મહિલા સલામતી અને રાજ્યની કાયદો વ્યવસ્થાની સલામત પરિસ્થિતિ અંગે સરકારની જાહેરાતો વચ્ચે કચ્છના રાપરમાં બનેલા બનાવે માનવતાને શર્મસાર કરી છે. આપણું કાળજું કંપાવી મૂકે એવા આ બનાવમાં માનસિક વિકલાંગ એવી સગીર દીકરી ઉપર બુટલેગરે પાશવી દુષ્કર્મ આચર્યું હતું. જોકે, આ કૃત્ય કરનાર નરાધમ શિવા મોહન કોળીની રાપર પોલીસે અંતે ધરપકડ કરી લીધી છે. પરંતુ આ સમગ્ર બનાવમાં પોલીસની કામગીરી સામે શંકાની સોઈ ચિંધાઈ રહી છે. ૧ લી જાન્યુઆરીના બનેલ આ બનાવમાં શ્રમિક પરિવારની માનસિક વિકલાંગ એવી સગીર દીકરી ઘેર એકલી હતી અને તેના માતા પિતા મજૂરી કામે ગયા હતા. ત્યારે નરાધમ શિવાએ માનસિક વિકલાંગ સગીરાને તેની માતા પાસે લઈ જવાના બહાને બહાર લઈ જઈ ઝાડીઓમાં તેના ઉપર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. પોતાના માતા પિતા આવતા માનસિક વિકલાંગ એવી સગીર દીકરીએ પોતાને પેટમાં દુખતું હોવાનું કહી તેની સાથે કંઇક અઘટિત કૃત્ય થયું હોવાનું સમજાવ્યું હતું. આ બનાવ બાદ સમગ્ર રાપરમાં ચર્ચા અને ચકચાર મચી જવા પામી હતી. જોકે, આ અંગે શ્રમિક એવા પરિવાર ઉપર દબાણ લાવી ફરિયાદ ન થાય એવા પ્રયાસો કરાયા હતા. જોકે, મીડિયામાં આ અંગે આવેલ સમાચાર બાદ મહિલા કોંગ્રેસ મેદાનમાં આવી અને ભોગ બનનાર પરિવારને હિંમત આપી એટલે પોલીસ હરકતમાં આવી. અંતે ૫ દિવસ પછી બળાત્કારની ફરિયાદ થઈ અને પોલીસે આવું ઘૃણાસ્પદ હીન કૃત્ય આચરનાર નરાધમ શિવા મોહન કોળીને ઝડપ્યો. ભોગ બનનાર માનસિક વિકલાંગ સગીર દીકરી કરતા ડબલ ઉમરનો આ આરોપી બુટલેગર છે તેની સામે દારૂના ગુના નોધાઈ ચૂક્યા છે.
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
