News of Thursday, 8th January 2026
જૂનાગઢમાં મારામારીની ફરિયાદ પરત ખેંચી લેવાનું કહી આધેડ પર હુમલો, ગંભીર ઇજા
૩ શખ્સો બાઈક રોકાવી પાઇપ વડે તૂટી પડ્યા, ફરિયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૦૮: જૂનાગઢમાં મારામારીની ફરિયાદ પરત ખેંચી લેવાનું કહી આધેડ પર ૩ શખ્સે પાઇપ વડે હુમલો કરતા ગંભીર ઇજા પહોંચાડી હુમલાખોરો નાસી ગયા હતા અને ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયા હતા.
શહેરમાં સરદાર બાગ પાછળ ઘાંચીપટમાં આવેલ વેલકમ પાર્કમાં રહેતા ૫૧ વર્ષીય મોહમદ હનીફ અબ્દુલમજીદભાઈ કુરેશીની ફરિયાદ અનુસાર તેમણે સાજીદ હુસેન હાલા, અયાન સાજીદ હાલા અને શરીફ હુસેન કચરા વિરુદ્ધ મારામારીની ફરિયાદ કરી હતી તેમજ ઘોરી પીર દરગાહના વહીવટ મુદ્દે સિવિલ દાવો જીતી ગયા હતા. જેનો ખાર રાખી આધેડ મંગળવારે સાંજે બાઈક પર પોતાના ઘરે જતા હતા ત્યારે સરદારબાગ પાસે ત્રણેય શખ્સે બાઈક રોકાવી અને મારામારીની ફરિયાદ કોર્ટમાંથી પાછી ખેંચી લેવાનું કહી લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો.
આધેડને ગંભીર પ્રકારની ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત મોહમદ હનીફને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હુમલાના બનાવને લઇ સી ડિવિઝન પોલીસે ફરિયાદ આધારે કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી
(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
