<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

પોરબંદર મેર સમાજ દ્વારા અમદાવાદમાં કાનાભાઇ એભાભાઇ મોઢવાડિયા આરોગ્‍ય ભવનનું રવિવારે લોકાપર્ણ

પોરબંદર જિલ્લામાંથી અમદાવાદ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર જતા દર્દીઓ તથા તેમની સાથેના સ્‍વજનોને રહેવા અને ભોજન સુવિધા મળી રહે તે માટે દાતાઓના સહયોગ આરોગ્‍ય ભવનનું નિર્માણ કાનાભાઇ એભાભાઇ મોઢવાડિયા આરોગ્‍ય ભવન માત્ર મેર સમાજ નહિં પરંતુ તમામ સમાજના જરૂરિયાતમંદ દર્દીઓ અને તેના સ્‍વજનો માટે માનવતાનું સેવા કેન્‍દ્ર : રામદેવભાઇ મોઢવાડિયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃ તા.૮, પોરબંદર થી અમદાવાદ ખાતે સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે મોટી સંખ્‍યામાં લોકો જાય છે ત્‍યારે તેમના સ્‍વજનોને રહેવા સહિત ભોજનની સંપુર્ણ સુવિધા મળી રહે તે માટે શ્રી કાનાભાઈ એભાભાઈ મોઢવાડિયા આરોગ્‍ય ભવનનું નિર્માણ પૂર્ણ થયુ

છે જેનું લોકાર્પણ રવિવારે કરવામાં આવશે.

અમદાવાદ ખાતે સિવિલ હોસ્‍પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓના પરિવારજનોને રહેઠાણ, ભોજન અને અન્‍ય મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવા માટે નિર્મિત આ આરોગ્‍ય ભવનનું ભવ્‍ય લોકાર્પણ આગામી રવિવાર, તા.૧૧ના રોજ સાંજે પાંચ વાગ્‍યે યોજાશે. આ લોકાર્પણ સમારોહ યોજાશે.

આ સેવાકાર્યની શરૂઆત આજથી ચાર દશકા પુર્વે થઈ હતી. વર્ષ ૧૯૮૭માં મહેર સમાજના સેવાભાવી આગેવાનો સર્વ કાનાભાઈ મોઢવાડીયા, ડો.બાલુભાઈ ઓડેદરા,અરજનભાઈ ઓડેદરા, રામભાઈ કેશવાલા, હરદાસભાઈ મોઢવાડીયા, ધીરૂભાઈ મોઢવાડીયા, જે.એલ.દાસા અને અરજનભાઈ કડેગિયાએ સિવિલ હોસ્‍પિટલ નજીક ત્રણ રૂમનું નાનું મકાન ખરીદી દર્દીઓના સ્‍વજનો માટે રહેવાની વ્‍યવસ્‍થા શરૂ કરી હતી.આ નાનકડા પ્રયાસે સમય જતાં વિશાળ સેવાયજ્ઞનું સ્‍વરૂપ ધારણ કર્યું,જેના લાભ આજે સુધી હજારો પરિવારોને મળ્‍યો છે.

સમય જતાં દર્દીઓની સંખ્‍યા વધતી ગઈ અને સાથે રહેવાની સુવિધાની જરૂરિયાત પણ વધી. આ પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને મહેર સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટે આધુનિક સુવિધાઓથી સજ્જ, વિશાળ અને સુવ્‍યવસ્‍થિત આરોગ્‍ય ભવન બનાવવાનો નિર્ણય લીધો. સેવા અને કરુણાના ભાવ સાથે, સાધન સંપન્ન દાતાઓથી લઈને શ્રમજીવી વર્ગના લોકો સુધી સૌએ પોતાની ક્ષમતા મુજબ ફાળો આપી આ સ્‍વપ્નને સાકાર કર્યું.

આ આરોગ્‍ય ભવનના નિર્માણ માટે મોટા દાતાઓ જ નહીં, પરંતુ ગ્રામ્‍ય વિસ્‍તારોના સામાન્‍ય લોકોએ પણ દિલથી ફાળો આપ્‍યો છે. સીમર, ગોરાણા, આંતરોલી, ધંધુસર, કલ્‍યાણપુર તાલુકાના રાજપરા સહિત અનેક ગામોમાંથી ઘરેઘરેથી મળેલા નાનાં-મોટાં ફાળાઓએ આ ભવનના પાયાને મજબૂત બનાવ્‍યો છે. આ સહયોગ મહેર સમાજની એકતા અને સેવાભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે.

આરોગ્‍ય ભવનના મુખ્‍ય દાતા તરીકે કિંદરખેડાના વતની અને હાલ અમેરિકા નિવાસી શ્રી કાનાભાઈ એભાભાઈ મોઢવાડીયાનો ફાળો ઐતિહાસિક રહ્યો છે.ગુજરાત સરકારના સિંચાઈ વિભાગમાં અધિક્ષક ઈજનેર તરીકે સેવા આપી નિવળત્ત થયેલા શ્રી કાનાભાઈ મોઢવાડીયાએ (હસ્‍તાક્ષર દ્વારા પ્રતિનિધિત્‍વઃ અજયભાઈ કાનાભાઈ મોઢવાડીયા-આર્કિટેક્‍ટ, લંડન) રૂ. ૧,૧૧,૧૧,૧૧૧ (એક કરોડ અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર)નું માતબર દાન આપ્‍યું છે. તેમના આ નિઃસ્‍વાર્થ સેવાભાવને માન આપતાં આ ભવનને ‘શ્રી કાનાભાઈ એભાભાઈ મોઢવાડીયા આરોગ્‍ય ભવન' નામ આપવામાં આવ્‍યું છે.

આ આરોગ્‍ય  ભવનનું લોકાર્પણ સમારોહ અમદાવાદના શાહીબાગ એરપોર્ટ રોડ પર ગાંધી સરદાર સ્‍મળતિ ચોક ખાતે આવેલ સરદાર પટેલ નેશનલ મેમોરિયલ ખાતે યોજાશે. સમારોહના અધ્‍યક્ષ તરીકે ગુજરાત સરકારના વન, પર્યાવરણ, ક્‍લાયમેટ ચેન્‍જ અને સાયન્‍સ-ટેકનોલોજીના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા ઉપસ્‍થિત રહેશે.

લોકાર્પણ સમારોહમાં મુખ્‍ય મહેમાન તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી  બાબુભાઈ બોખીરીયા, અતિથિ વિશેષ તરીકે રાણાવાવ-કુતિયાણાના ધારાસભ્‍ય  કાંધલભાઈ જાડેજા, શ્રી ઇન્‍ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્‍સિલના પ્રમુખ  વિમલજીભાઈ ઓડેદરા, માલદેવજી ઓડેદરા સ્‍મારક ટ્રસ્‍ટના પ્રમુખ ડો.વિરમભાઈ ગોઢાણિયા,પુર્વ સાંસદ  ભરતભાઈ ઓડેદરા, લેટર યુકે મહેર સમાજના પ્રમુખ  સંજયભાઈ કારાવદરા સહિત અનેક મહાનુભાવોની ઉપસ્‍થિતિ રહેશે.

મહેર સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ અજયભાઈ કાનાભાઈ મોઢવાડીયા અને ઉપપ્રમુખ રામદેવભાઈ મોઢવાડીયાએ જણાવ્‍યું હતું કે આ આરોગ્‍ય ભવન માત્ર મહેર સમાજ માટે નહીં પરંતુ તમામ જરૂરીયાતમંદ દર્દીઓના સ્‍વજનો માટે માનવતાની સેવા કેન્‍દ્ર બનશે.

(1:40 PM IST)