<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

પોરબંદરના ભાવેશ્‍વર બિલનાથ અને ગોકરણેશ્‍વર મહાદેવ મંદિરોમાં ૩ દિવસ ૭ર કલાકના અખંડ ઓમકાર જાપ

ભાજપ પરિવાર દ્વારા સોમનાથ સ્‍વાભિમાન પર્વની ઉજવણી હેઠળ આયોજનઃ જાહેર જનતાને જોડાવવા આમંત્રણ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૮: જિલ્લા ભાજપ પરિવાર દ્વારા સોમનાથ સ્‍વાભિમાન પર્વની ઉજવણી હેઠળ શહેરનાં ભાવેશ્‍વર રાણાવાવના બિલેશ્‍વર અને કુતિયાણાના ગોકરણેશ્‍વર સુપ્રસિધ્‍ધ મહાદેવના મંદિરોમાં આજથી ૩ દિવસ ૭ર કલાકના અખંડ ઓમકાર જાપનો પ્રારંભ થયો છે.

 ભાજપ દ્વારા ભાવેશ્વર મંદિરે ૭૨ કલાક ની ‘‘ધૂન''નું આયોજન સોમનાથ મંદિર પર થયેલા પ્રથમ હુમલાને ૧ હજાર વર્ષ પૂર્ણ થયા હોય તે અનુલક્ષી ને કરેલ છે. આયોજન જાહેર જનતા ને જોડાવવા આ અખંડ ઓમકાર જાપમાં ભાજપ પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે.

વર્ષ ૨૦૨૬ સોમનાથ મંદિર માટે મહત્ત્વપૂર્ણ છે. આ મહાન મંદિર પર થયેલા પ્રથમ હુમલાને ૧,૦૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જાન્‍યુઆરી ૧૦૨૬ માં જ ગઝનીના મહમુદે આ મંદિર પર હુમલો કર્યો હતો, જેણે હિંસક અને બર્બર આક્રમણ દ્વારા શ્રદ્ધા અને સભ્‍યતાના મહાન પ્રતીકને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં, એક હજાર વર્ષ પછી પણ, સોમનાથને તેની ભવ્‍યતામાં પુનઃસ્‍થાપિત કરવાના અસંખ્‍ય પ્રયાસોને કારણે મંદિર આજે પણ એટલું જ ભવ્‍ય છે.

સોમનાથ મંદિર ઉપર હુમલાના આ ૧,૦૦૦ વર્ષ પૂર્ણ થયા હોય તે અનુલક્ષી ને પ્રદેશ ભાજપ ની સૂચના અનુસાર પોરબંદર ભાજપ દ્વારા એમ.જી. રોડ, સત્‍યનારાયણ મંદિર પાસે આવેલ ભાવેશ્વર મંદિરે ૭૨ કલાક ની ‘‘ધૂન'' નું આયોજન ગુરુવાર ના રોજ સાંજે ૫ વાગ્‍યા થી કરવામાં આવ્‍યું છે. જેમાં જિલ્લા ભાજપના સર્વે હોદેદારો, કાર્યકરો સહીત જાહેર જનતાને જોડાવવા પોરબંદર ભાજપ પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે.

સોમનાથ મંદિર પર ૧૦૦૦ વર્ષથી વારંવાર હુમલાઓ બાદ તેના રક્ષણ માટે આપણા પૂર્વજોએ બલિદાન આપેલ છે અને પેઢી દર પેઢી આપણી મહાન સંસ્‍કળતિના લોકોએ મક્કમતાથી વારંવાર મંદિરનું પુનઃનિર્માણ કરી પુનઃજીવિત કર્યું છે. સ્‍વતંત્રતા પછી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા વર્ષ ૧૯૪૭માં દિવાળીના સમયે મંદિરના પુનઃનિર્માણની જાહેરાત કરી અને વર્ષ ૧૯૫૧માં તત્‍કાલિન રાષ્‍ટ્રપતિ ડો. રાજેન્‍દ્ર પ્રસાદના હસ્‍તે સોમનાથ મંદિર ભક્‍તો માટે ખુલ્લું મુકાયું. જેના આ વર્ષે ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્‍યારે સોમનાથ સ્‍વાભિમાન પર્વ ૨૦૨૬ અંતર્ગત આ ધૂન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે

(1:43 PM IST)