News of Thursday, 8th January 2026
સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે સોમનાથમાં બેઠક કરી
વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીઓ બાબતે સમિક્ષા કરતાં કેન્દ્રીય મંત્રી:પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ:શૌર્ય યાત્રાના રૂટ શંખ સર્કલથી હમીરજી ગોહિલ પ્રતિમા સહિત સોમનાથ પરિસરની પ્રત્યક્ષ મુલાકાત લેતા કેન્દ્રીય મંત્રી:અવિનાશી સનાતન સંસ્કૃતિ અને અતૂટ આસ્થાનું પ્રતિક એટલે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ - કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતજી

દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગની ભૂમિ પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા.૧૦ અને તા.૧૧ મી જાન્યુઆરીના રોજ 'સોમનાથ સ્વાભિમાન પર્વ' માં સહભાગી થવા માટે પધારવાના છે, ત્યારે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતજીએ વડાપ્રધાનના સોમનાથ પ્રવાસ અને શૌર્ય યાત્રાના રૂટ સહિત વિવિધ કાર્યક્રમો અંગે સ્થળ સમિક્ષા કરી અન્ય તૈયારીઓની વિગતો મેળવી હતી.
કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતજીએ સોમનાથ મહાદેવને શીશ ઝૂકાવ્યા બાદ સાગર દર્શન ખાતે એક બેઠક યોજી અને 'સોમનાથ સ્વાભિમાન પર્વ' અંતર્ગત તા.૮, ૯ અને ૧૦ના રોજ યોજાનાર વિવિધ કાર્યક્રમો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત અન્ય તૈયારીઓ વિશે ઝીણવટપૂર્વકની માહિતી મેળવી હતી
સાગર દર્શન ખાતેની બેઠક પૂર્ણ થયા પછી કેન્દ્રીય મંત્રીએ શૌર્ય યાત્રાના રૂટ શંખ સર્કલ થી હમીરજી ગોહિલ પ્રતિમાથી મંદિર પરિસર સહિતના સ્થળોએ મંત્રીઓ તેમજ વરિષ્ઠ અધિકારીઓ સાથે રૂટ નિરીક્ષણ કર્યું હતું.
કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતજી એ જણાવ્યું હતું કે, બાર જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ એ દેશના કરોડો લોકો માટે આસ્થાનું પ્રતીક છે. સોમનાથ એ અવિનાશી-શાશ્વત સનાતન સંસ્કૃતિ અને અતૂટ આસ્થાનું પ્રતિક છે. તલવારની તાકાત પર સનાતનને મિટાવવાની કોશિશ કરવામાં આવી હતી પરંતુ એમાં નિષ્ફળતા મળી અને સનાતનની શક્તિમાં ઉત્તરોતર વધારો થતો રહ્યો છે.
ગઝનવીએ સોમનાથ પર આક્રમણ કર્યું પરંતુ વિદ્વંશ સામે નિર્માણની તાકાત જીતી ગઈ, સોમનાથ પર આટઆટલા આક્રમણ પછી પણ એ સનાતન, અખંડ અને અવિનાશી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી ભવિષ્યની પેઢીને પણ સનાતન સંસ્કૃતિની-ભારતની પ્રાચીન ધરોહર ની ઓળખ મળે, વીરોના બલિદાન યોગદાનની ગાથા ની જાણકારી મળે એ દિશામાં કાર્ય થઈ રહ્યું છે. એમ મંત્રીએ ઉમેર્યું હતું.
સોમનાથ પર ગઝનવીના આક્રમણના ૧૦૦૦ વર્ષ અને મંદિર જીર્ણોદ્ધારના ૭૫ વર્ષનો સુભગ સમન્વય સધાયો છે. જે તાકાતો એ ભારતમાં અવિનાશી ચેતનાને મિટાવવાની કોશિશ કરી હતી, એમના પ્રયાસો સદંતર નિષ્ફળ રહ્યાં. આમ સોમનાથ એ અતૂટ આસ્થાનું કેન્દ્ર અને સાંસ્કૃતિક ધરોહરોનું પુન: જાગરણનું કેન્દ્ર બન્યું છે.
ઉલ્લેખનીય છે કે 'સોમનાથ સ્વાભિમાન પર્વ' અંતર્ગત તા.૦૮, ૦૯ અને તા.૧૦ દરમિયાન ત્રિદિવસીય મહોત્સવમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત શોર્ય યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
(7:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
