<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

પોરબંદરના દરિયામાંથી શંકાસ્‍પદ ૪ બોટોને ઝડપીને હુમલો નિષ્‍ફળ બનાવ્‍યો

નેવી કોસ્‍ટગાર્ડ સાથે કોસ્‍ટલ સિકયુરીટીઝ દ્વારા સધન ચેકિંગમાં સફળતાઃ બે દિવસીય મોકડ્રીલ યોજાઇ : સુરક્ષા એજન્‍સીઓની સતર્કતા તપાસવા તેમજ વધુ સારી દરિયાઇ સુરક્ષા કો-ઓર્ડિનેશનથી થાય તેવો મોકડ્રિલનો ઉદેશ્‍યઃ એસ.પી. શ્રી ભગીરથસિંહ જાડેજા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૯: દરિયાકાંઠા વિસ્‍તારમાં નેવી અને કોસ્‍ટ ગાર્ડને સાથે રાખીને કોસ્‍ટલ સિકયુરીટીઝ  એજન્‍સી દ્વારા સધન ચેકિંગ દરમિયાન શંકાસ્‍પદ ૪ બોટને આંતરીને આ બોટમાં રહેલા આતંકીઓનો દેશમાં હુમલા કરીને અશાંતિ ફેલાવવાના  ષડયંત્રને નિષ્‍ફળ બનાવી દીધું હતું આ રીતે સુરક્ષા એજન્‍સીઓને ટાર્ગેટ આપીને સતર્કતા તપાસવા મોકડ્રીલ યોજાઇ હતી.

રાજ્‍ય દરિયાઈ અને જમીની એમ બંને માર્ગે પાકિસ્‍તાન સાથે જોડાયેલું છે ત્‍યારે ગુજરાત ૫૨ આતંકીઓ હુમલો ન કરે તેમજ ગુજરાત થકી પાકિસ્‍તાની આતંકીઓ દેશમાં ઘુસપેઠ ન કરે તે માટે સમયાંતરે સુરક્ષા એજન્‍સીઓ દ્વારા વિવિધ મોકડ્રિલનું આયોજન કરાતું હોય છે. તેમાં પણ પોરબંદરનો દરિયાઓ સંવેદનશીલ છે.

ભૂતકાળમાં ૧૯૯૨માં મુંબઈ સિરિયલ બ્‍લાસ્‍ટ વખતે આર.ડી.એક્‍સ પોરબંદરના ગોસાબારામાં લેન્‍ડ કરાયો હતો તેમજ ૨૦૦૮ માં મુંબઈ આતંકી હુમલા વખતે પણ પાકિસ્‍તાની ઘુસપેઠ દ્વારા પોરબંદરની કુબેર બોટનું અપહરણ કરી મુંબઈ પહોંચ્‍યા હતા ત્‍યારે આવી ઘટના ફરી ન બને તે માટે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે કોસ્‍ટલ સિકયોરિટી માટે એક એક્‍સરસાઈઝનું આયોજન કરવામાં આવે છે.

પોરબંદર દરિયામાં સુરક્ષા એજન્‍સીઓ દ્વારા પોરબંદર પોલીસ સાથે રહી બે દિવસીય એક્‍સરસાઇઝનું આયોજન કરવામાં આવ્‍યું છે જે અંતર્ગત બે ફોર્સ બનાવવામાં આવી છે જેમાં રેડ ફોર્સ એટલે કે આતંકીઓ અને બ્‍લુ ફોર્સ એટલે ભારતની સુરક્ષા એજન્‍સીઓ. પોરબંદર એસ.પી. ભગીરથસિંહ જાડેજાએ આ બને દિવસના સાગર સુરક્ષા ૧૩ કવચ વિષે જણાવ્‍યું હતું  કે દરિયાઈ સુરક્ષામાં વધારો થઇ શકે તે ર્ં માટે દર વર્ષે સરકાર દ્વારા સાગર સુરક્ષા કવચ યોજવામાં આવે છે જેમાં કોસ્‍ટલ સિકયોરિટીની તમામ એજન્‍સીઓ સાથે મળી એક્‍સરસાઇઝ કરે છે જેમાં રેડ ફોર્સ અને બ્‍લુ ફોર્સની ટિમ બનાવવામાં આવે છે જેમાં રેડ ફોર્સ એટલે આતંકીઓ અને બ્‍લુ ફોર્સ એટલે સુરક્ષા એજન્‍સીઓ હોય છે.

 આ એક્‍સરસાઇઝ દરમિયાન બ્‍લુ ફોર્સ દ્વારા રેડફોર્સનાં હુમલાને નાકામ કરવાનું કામ હોય છે જયારે રેડ ફોર્સને અલગ અલગ પોઈન્‍ટ પર હુમલો કરવાના ટાર્ગેટ આપેલા હોય છે. આ એક્‍સરસાઇઝ દરમિયાન તમામ સુરક્ષા એજન્‍સીઓ સાથે મળી કામ કરે છે અને રેડ ફોર્સના હુમલાને નાકામ બનાવે છે. આ બે દિવસની એક્‍સરસાઈઝ દરમિયાન દરિયાઈ વિસ્‍તારમાં ચેકીંગ, લેન્‍ડિંગ પોઈન્‍ટ અને અલગ અલગ ચેક-પોસ્‍ટ પર પોલીસ ફોર્સને ડિપ્‍લોય કરવામાં આવી હતી તેમજ કોસ્‍ટલ હાઇવે પર સધન ચેકીંગ હાથ ધરવામાં આવ્‍યું હતું. તેમ એસ.પી. શ્રી ભગીરથસિંહ જાડેજાએ જણાવ્‍યું હતું.

(11:24 AM IST)