News of Friday, 9th January 2026
મકરસંક્રાતિના પર્વને લઈ અને સુરેન્દ્રનગરમાં ચાઈનીઝ દોરી વપરાશ ઉપર પ્રતિબંધ

વઢવાણ, તા.૯: ઉત્તરાયણ પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાની જાહેર જનતાને પશુ-પક્ષીઓના સંરક્ષણ અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. પતંગોત્સવ દરમિયાન ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિક/ચાઈનીઝ દોરી કે વધુ કાચ પાયેલી દોરી માનવજીવન તેમજ અબોલ પંખીઓ માટે જીવલેણ સાબિત થાય છે, જેના વેચાણ અને વપરાશ પર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને પક્ષીઓની અવર-જવરના મુખ્ય સમયગાળા એટલે કે સવારે ૦૮:૦૦ વાગ્યા પહેલા અને સાંજે ૦૫:૦૦ વાગ્યા પછી પતંગ ન ચગાવવા વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત, પક્ષીઓ ભયભીત ન થાય તે માટે ફટાકડા ન ફોડવા અને ડીજે ન વગાડવા માટે પણ નાયબ પશુપાલન નિયામકશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
ધાર્મિક શ્રદ્ધાના ભાગરૂપે ઉત્તરાયણના દિવસે પશુઓને લીલો ઘાસચારો, બાજરીની ઘુઘરી કે રાંધેલું અનાજ ખવડાવવાની પરંપરા છે. પરંતુ, એકસાથે વધુ પડતો ખોરાક લેવાથી પશુઓમાં એસીડોસીસ/અપચો અને આફરો ચડવાના કારણે મળત્યુ થવાની ભીતિ રહે છે. આથી, શ્રદ્ધાળુઓને વિનંતી છે કે, પશુઓને એક જ સ્થળે જથ્થાબંધ ખોરાક આપવાને બદલે અલગ-અલગ વિસ્તારોમાં ઓછી માત્રામાં ખોરાક આપવો. જો કોઈ પક્ષી કે પશુ ઘાયલ અવસ્થામાં મળી આવે, તો તાત્કાલિક સારવાર માટે હેલ્પલાઈન નંબર ૧૯૬૨ અથવા જિલ્લાના કરુણા અભિયાન કેન્દ્ર, રેન્જ ફોરેસ્ટ ઓફિસ, ખેરાળી રોડ અને તાલુકા પશુ દવાખાનાનો સંપર્ક કરવો. પશુ-પક્ષીઓનું રક્ષણ એ જ સર્વોત્તમ પુણ્ય છે તે ભાવના સાથે જવાબદારીપૂર્વક પર્વની ઉજવણી કરવા નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર દ્વારા અપીલ કરવામાં આવી છે.
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
