News of Friday, 9th January 2026
શાપરમાં ઇરફાનભાઇ અને તેની માતાને વ્યાજખોરોનો ત્રાસ
વેપારી યુવાનની શાપર પોલીસમાં ધર્મેન્દ્ર ઉર્ફે મુન્નો અને તેનો ભાઇ દિનેશ દવેરા સામે ફરિયાદ

રાજકોટ, તા. ૯: લોધીકામાં પાવર હાઉસની પાછળ બહુચરાજી માતાના મંદિર પાસે રહેતા વેપારી યુવાને વ્યાજે લીધેલા રૂા. ૩.૫૦ લાખ બાબતે બે વ્યાજખોરોએ બુલેટ અને બે બાઇક તથા બે જોડી સોનાની બુટ્ટી તથા બે ચેક બળજરીથી પડાવી લઇ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી યુવાન અને તેની માતાને ધમકી આપતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ લોધીકાના પાવર હાઉસની પાછળ બહુચરાજી માતાના મંદિર પાસે રહેતા અને શાકભાજીનો વેપાર કરતા ઇરફાનભાઇ નાથાભાઇ વિશાળ (ઉ.વ. ર૮) એ ઢોલરા ગામના ધર્મેન્દ્ર ઉર્ફે મુન્નો મધુભાઇ દવેરા અને વેરાવળ ગામના દિનેશ મધુભાઇ દવેરા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. ઇરફાનભાઇએ ફરિયાદમાં જણાવ્યુ છે કે તેણે ર૦ર૦ માં તેના નાનાભાઇ શાહરૂખનું પારડી નજીક અકસ્માત થતા તેને ગંભીર ઇજા થઇ હતી. જેથી દવાખાનાનો ખર્ચ વધી જતા સને ર૦ર૪ માં નાનાભાઇનું ઓપરેશન કરાવવાનું હોવાથી રૂપિયાની જરૂરીયાત હોવાથી તેણે ઢોલરાના ધર્મેન્દ્ર ઉર્ફે મુન્નો દવેરા પાસેથી કટકે કટકે રૂા. ૩.પ૦ લાખ વ્યાજે લીધા હતા. અને બુલેટ તથા બે સ્પ્લેન્ડર મોટર સાઇકલ અને બે જોડી સોનાની બુટ્ટી સીકયુરીટી પેટે આ ધર્મેન્દ્ર અને તેના ભાઇ દિનેશને આપ્યા હતા ફરિયાદી આ લોકોને દરરોજના રૂા. ૧પ૦૦ બન્નેના એકાઉન્ટમાં જમા કરાવતા હતા. તેમજ દર ગુરૂવારે રૂા. પ હજાર રોકડા પણ આપતા હતા. આ રીતે તેણે રૂા. ર.૮૦ લાખ ચુકવી દીધા બાદ આરોપી ધમેન્દ્રએ કહયુ કે તને બે મોટર સાયકલ પાછા આપી દઇશ તુ મને બે કોરા ચેક સીકયુરીટી પેટે આપી દે તેમ કહેતા તેણે આરોપીને બે કોરા ચેક આપ્યા હતા. પરંતુ આરોપીએ મોટર સાયકલ પાછા આપેલ નહી અને બહાના બતાવવા લાગ્યો હતો. અને તેના ભાઇએ સોનાની બે બુટ્ટી નહી આપી કહયું કે તારે હજુ રૂપીયા આપવાના બાકી છે. આતો ફકત વ્યાજ આપ્યુ છે. કહી ફરિયાદીને ગાળો આપી લાકડીથી માર માર્યો હતો. આ બન્ને શખ્સો અવારનવાર ફરિયાદી અને તેની માતાને વ્યાજના રૂપિયા બાબતે ધમકી આપતા યુવાને શાપર વેરાવળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
