<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

પોરબંદરની વન ડિસ્‍ટ્રિકટ વન પ્રોડકટ વાઈબ્રન્‍ટ કોન્‍ફરન્‍સમાં પ્રદર્શિત કરાશે

 

પોરબંદર, તા.૯: રાજકોટ ખાતે યોજાનાર ‘વાઈબ્રન્‍ટ ગુજરાત રિજનલ કોન્‍ફરન્‍સ-૨૦૨૬' અંગે સંયુક્‍ત ઉદ્યોગ કમિશનર અને જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્રના જનરલ મેનેજર શ્રી ડી.આર. પરમારે જણાવ્‍યું હતું કે, આ કોન્‍ફરન્‍સ દ્વારા પ્રદેશના ઉદ્યોગકારોને નેટર્વકિંગ અને લિંકેજની ઉત્તમ તકો પ્રાપ્ત થશે. આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લાની ‘બ્‍લુ ઈકોનોમી' તેમજ કળષિ ક્ષેત્રે ફિશ અને મરીન પ્રોડક્‍ટ્‍સ જેવી ‘વન ડિસ્‍ટ્રિક્‍ટ વન પ્રોડક્‍ટ'ને વૈશ્વિક સ્‍તરે પ્રદર્શિત કરવામાં આવશે.

આ કોન્‍ફરન્‍સમાં એન્‍જિનિયરિંગ અને ટુરિઝમ જેવા ક્ષેત્રો પર વિશેષ ધ્‍યાન કેન્‍દ્રિત કરવામાં આવશે, જેના માટે વિવિધ વિષયના નિષ્‍ણાતો દ્વારા સેમિનાર્સનું આયોજન પણ કરવામાં આવ્‍યું છે. આ કાર્યક્રમ માત્ર મોટા ઉદ્યોગકારો જ નહીં, પરંતુ ખેડૂતો, નાના ઉદ્યોગ સાહસિકો અને ખાસ કરીને કોલેજના વિદ્યાર્થીઓ માટે પણ અત્‍યંત ઉપયોગી સાબિત થશે. જે યુવાનો નવા સ્‍ટાર્ટઅપ્‍સ શરૂ કરવા માંગે છે, તેમના માટે આ એક સુવર્ણ તક છે જ્‍યાં તેઓ ઉદ્યોગ જગતના પ્રવાહોને સમજી શકશે અને જરૂરી માર્ગદર્શન મેળવી શકશે. તેમ જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્રના જનરલ મેનેજર ડો.આર.પરમારે જણાવેલું છે.

(1:51 PM IST)