<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

મોરબી મનપાની તિજોરી છલકાઈ: ૨૫.૨૨ કરોડની ટેક્સ વસુલાત.

ડિજિટલ યુગમાં અનેક મિલકતધારકો ઓનલાઈન એપ્લિકેશનના માધ્યમથી ઘરે બેઠા ટેક્સ ભરી રહ્યા છે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકાના ટેક્સ વિભાગ દ્વારા વર્ષ 2025-26 માટે વેરા વસૂલાતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેના પરિણામે પાલિકાની તિજોરીમાં કરોડો રૂપિયાની આવક થઈ છે.

     મોરબી મહાનગરપાલિકાની ટેક્સ શાખા પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ  શહેરી વિસ્તારમાંથી રૂ. ૨૦,૮૩,૦૮,૭૬૯ અને ગ્રામ્ય વિસ્તારમાંથી રૂ. ૧,૯૯,૬૧,૩૯૯ ની વેરા આવક થઈ છે. આ ઉપરાંત પ્રોફેશનલ ટેક્સ પેટે EC દ્વારા રૂ. ૫૬,૦૦,૬૯૦ અને RC દ્વારા રૂ. ૧,૮૪,૦૬,૪૬૧ મળી કુલ ૨૫,૨૨,૭૭,૩૧૯ નુ કલેક્શન કરવામાં આવ્યું છે. નગરજનોની સુવિધા માટે મુખ્ય કચેરી ખાતે સવારે 10:30 થી 5:00 અને તમામ 11 ક્લસ્ટર ઓફિસોમાં સવારે 10:30 થી 1:30 સુધી વેરો સ્વીકારવામાં આવી રહ્યો છે. સાથે જ ડિજિટલ યુગમાં અનેક મિલકતધારકો ઓનલાઈન એપ્લિકેશનના માધ્યમથી ઘરે બેઠા ટેક્સ ભરી રહ્યા છે.
આ ઉપરાંત જે મિલકતધારકોનો ટેક્સ બાકી છે, તેમની સામે મનપા દ્વારા વોરંટ બજવણીની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 49 આસામીઓને મિલકત વેરા શાખા દ્વારા વોરંટ પાઠવવામાં આવ્યા છે. આગામી દિવસોમાં જે બાકીદારો વેરો ભરપાઈ નહીં કરે, તેમની મિલકતો સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આથી, કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે તમામ રહીશોને વહેલી તકે પોતાનો બાકી ટેક્સ ભરી દેવા અપીલ કરવામાં આવી છે.

(10:55 PM IST)