News of Saturday, 10th January 2026
ગોંડલમાં માનસિક અસ્વસ્થ યુવાનને નશાખોર જેવા શખ્સોએ ૨૦ ફુટ ઉંચા પૂલ પરથી નીચે ફેંકી દીધો!
ભગવતપરામાં રહેતો ૧૮ વર્ષનો હર્ષ નાનાણી ઘરેથી કોલેજ ચોકમાં પિતાની ડુંગળી-બટાટાની લારીએ જતો હતો ત્યારે બનાવઃ રાજકોટ સારવાર હેઠળઃ અજાણ્યા શખ્સોની શોધખોળઃ ઘટના સ્થળે થતી ચર્ચા મુજબ મજૂર જેવા શખ્સો હતાં

રાજકોટ તા. ૧૦: ગોંડલમાં ભગવતપરા નજીક બેઠા પુલ પાસે સાંજે એક ચોંકાવનારી ઘટના બની છે. જેમાં ૧૮ વર્ષના માનસિક અસ્વસ્થ યુવાનને અજાણ્યા બે નશાખોર જેવા શખ્સે કોઇ કારણસોર ટીંગાટોળી કરી ઉપાડીને વીસ ફુટ ઉંચા પૂલ પરથી નીચે ફેંકી દેતાં ગંભીર ઇજા પહોંચી છે. પોલીસ આ શખ્સોને શોધી રહી છે.
જાણવા મળ્યા મુજબ ભગવતપરા શેરી ન. ૩માં રહેતો હર્ષ વિજયભાઇ નાનાણી-કડીયા (ઉ.વ.૧૮) નામનો યુવાન સાંજે ઘરેથી ચાલીને કોલેજ ચોકમાં તેના પિતા વિજયભાઇ ડુંગળી-બટાટાની લારી રાખી ધંધો કરે છે ત્યાં જઇ રહ્યો હતો. તે વખતે બેઠા પૂલ પર પહોંચતા બે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી તેને ઉંચકીને પૂલ પરથી નીચે ઘા કરી દીધો હતો. વીસેક ફુટ ઉંચાઇથી પટકાતાં તેને ગંભીર ઇજા થઇ હતી. લોકો ભેગા થઇ જતાં કોઇએ ૧૦૮ બોલાવી હર્ષને સારવાર માટે ખસેડયો હતો.
હોસ્પિટલે કોઇ પરિચીત હાજર હોઇ તેણે હર્ષના પિતા વિજયભાઇને જાણ કરતાં તેઓ હોસ્પિટલે દોડી ગયા હતાં. હર્ષને વધુ ઇજા પહોંચી હોઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. તે એક બહેનથી નાનો છે. પિતા વિજયભાઇના કહેવા મુજબ હર્ષ માનસિક અસ્વસ્થ છે. અજાણ્યા શખ્સોએ શા માટે તેને ફેંકી દીધો તે જાણવા મળ્યું નથી. અમે સ્થળ પર જતાં ગોધરીયા મજૂર જેવા શખ્સો હોવાની ચર્ચા થતી હતી. આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ગોંડલછ એ-ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવે ગોંડલમાં ભારે ચર્ચા જગાવી છે. (૧૪.૫)
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
