<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

ઝાલાવાડના માર્ગો રક્તરંજિત: સુરેન્દ્રનગરમાં બે ભયાનક અકસ્માતે મચાવી ચીસાચીસ, દર્શન કરી પરત ફરતા પરિવારનો કાળ સાથે ભેટો

ચોટીલા અને લખતર હાઈવે પર સર્જાયેલા અકસ્માતના બે અલગ-અલગ બનાવોમાં બે મહિલા સહિત ચાર વ્યક્તિઓ ઘાયલ: મંદિરે શીશ નમાવી પરત ફરતા નરેશભાઈના પરિવારની બાઈકને કાળમુખા ચાલકે અડફેટે લીધી, જ્યારે લખતર પાસે પશુને બચાવવા જતાં લોખંડ ભરેલો તોતિંગ ટ્રક ગટરમાં ખાબક્યો

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં શનિવારનો દિવસ અકસ્માતનો દિવસ સાબિત થયો છે, જ્યાં બે જુદા-જુદા કરૂણ બનાવોમાં બે મહિલાઓ સહિત ચાર લોકો લોહીલુહાણ થયા છે. પ્રથમ કમકમાટીભરી ઘટના ચોટીલાના આણંદપુર રોડ પર બની હતી. શિવધારા સોસાયટીમાં રહેતા નરેશભાઈ રોલેશીયા પોતાના પરિવાર સાથે કોરડા ગામે મેલડી માતાજીના મંદિરે દર્શન કરીને હરખભેર ઘરે પરત ફરી રહ્યા હતા. જેવી તેમની બાઈક સોસાયટીના ગેટ પાસે વળાંક લઈ રહી હતી, ત્યારે જ આણંદપુર તરફથી કાળ બનીને આવેલા એક પૂરઝડપે દોડતા બાઈક ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે નરેશભાઈ, તેમની દીકરી જીજ્ઞાબેન અને દક્ષાબેન હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયા હતા.

અકસ્માત થતા જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક ચોટીલા સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, ગંભીર ઇજાઓને પગલે ત્રણેયને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા છે. ભક્તિ ભાવ સાથે ગયેલા પરિવારની સફર હોસ્પિટલના બિછાને પૂરી થતા સોસાયટીમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ મામલે મહેન્દ્રભાઈ રોલેશીયાએ ચોટીલા પોલીસ મથકે અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. એએસઆઈ આર.ડી. રાજૈયાએ આ કેસમાં કાયદેસરની તપાસ હાથ ધરીને ભાગી છૂટેલા ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

બીજી તરફ, લખતર-વિરમગામ હાઈવે પર એક ભયાનક ટ્રક પલટી જવાની ઘટના સામે આવી છે. જેતપુરથી લોખંડનો ભારે સામાન ભરીને કડી તરફ જઈ રહેલા ૨૮ વર્ષીય સુરેશભાઈ વણઝારા જ્યારે ગેથળા હનુમાનજી મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક રસ્તા પર એક અબોલ પશુ આડું ઉતર્યું હતું. પશુને બચાવવા માટે સુરેશભાઈએ સ્ટીયરીંગ પર જોરથી કાપો માર્યો હતો, પરંતુ ટ્રક પરનો કાબુ ગુમાવતા લોખંડથી લદાયેલો તોતિંગ ટ્રક રસ્તાની સાઈડમાં આવેલી ગટરમાં પલટી ખાઈ ગયો હતો. સદનસીબે, સુરેશભાઈનો ચમત્કારિક બચાવ થયો છે અને તેમને સામાન્ય ઇજાઓ સાથે લખતર હોસ્પિટલ ખસેડાયા છે.

આ અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ગટરમાં ખાબકેલા ટ્રકમાંથી લોખંડનો માલસામાન ખાલી કર્યા બાદ ક્રેનની મદદથી તોતિંગ ટ્રકને બહાર કાઢવામાં આવ્યો હતો. ઝાલાવાડના આ માર્ગો પર રખડતા પશુઓ અને બેફામ વાહન ચાલકોને કારણે અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. પોલીસ પ્રશાસન અને હાઈવે ઓથોરિટી દ્વારા આ જોખમી વળાંકો અને પશુઓના ત્રાસ અંગે કડક પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકોની પ્રબળ માંગ છે. હાલમાં બંને બનાવોમાં ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે અને પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(2:58 PM IST)