News of Sunday, 11th January 2026
બાપાના ગામમાં 'બેંક'ની બેદરકારી: વીરપુરના મુખ્ય બજારનું SBI ATM છેલ્લા 10 દિવસથી 'લોક', યાત્રિકો રોકડ માટે રઝળ્યા
જલારામ બાપાના દર્શને આવતા હજારો શ્રદ્ધાળુઓ અને NRI પ્રવાસીઓની હાલત કફોડી: યાત્રાધામના હૃદય સમાન બજારમાં ATM ને લાગ્યા તાળા, દોઢ કિલોમીટરનો ધક્કો ખાવા મજબૂર વૃદ્ધો અને અજાણ્યા મુસાફરો - તંત્રની ઘોર નિદ્રા સામે ઉઠતા સવાલો

વીરપુર (જલારામ):વિશ્વવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં હાલ શિયાળાની ગુલાબી ઠંડી અને પ્રવાસન સીઝનને પગલે માનવ મહેરામણ ઉમટી રહ્યો છે, પરંતુ પૂજ્ય જલારામ બાપાના દર્શનાર્થે આવતા ભાવિકો માટે 'રોકડ' રકમ મેળવવી લોઢાના ચણા ચાવવા જેવી સાબિત થઈ રહી છે. વીરપુરની મુખ્ય બજારમાં આવેલું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)નું ATM છેલ્લા ૧૦ દિવસથી શટર ડાઉન હાલતમાં છે. હજારોની મેદનીથી ધમધમતા આ યાત્રાધામમાં બેંકિંગ સુવિધાના નામે જોવા મળતી આ ઘોર બેદરકારીને કારણે શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં જ્યારે NRI અને અન્ય રાજ્યોના પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોય, ત્યારે જ મહત્વનું ATM બંધ હોવું તે વ્યવસ્થા સામે અનેક પ્રશ્નો ઉભા કરે છે.
ભાવનગરથી પરિવાર સાથે વીરપુર આવેલા યાત્રિક સુનિલભાઈ ચુડાસમાએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, "અમે શ્રદ્ધા સાથે બાપાના દર્શને આવ્યા છીએ, પરંતુ અહીં નાની-મોટી ખરીદી માટે રોકડની જરૂર પડી ત્યારે ATM ના પાટીયા જોવાનો વારો આવ્યો છે." સ્થાનિકોએ તેમને જણાવ્યું કે આ સમસ્યા છેલ્લા ૧૦ દિવસથી યથાવત છે. બહારગામથી આવતા મુસાફરોને ગામના રસ્તાઓ કે બેંકની અન્ય શાખાઓની જાણકારી હોતી નથી, જેના કારણે તેઓ કલાકો સુધી રઝળી પડે છે. યાત્રિકોની એક જ માંગ છે કે જો આટલું મોટું યાત્રાધામ હોય તો શું બેંકના સત્તાધીશોને યાત્રિકોની આ હાલાકી દેખાતી નથી? કેમ દસ-દસ દિવસ સુધી રીપેરીંગની તસ્દી લેવામાં આવતી નથી?
વીરપુરના વેપારી અને સ્થાનિક રહીશ રમેશભાઈ ગઢિયાએ પણ પરિસ્થિતિની ગંભીરતા સમજાવતા કહ્યું હતું કે, વીરપુર એક ધમધમતું વ્યાપારી કેન્દ્ર પણ છે. અહીં આવતા યાત્રિકો પ્રસાદી, કપડાં અને સ્થાનિક ચીજવસ્તુઓની મોટાપાયે ખરીદી કરતા હોય છે. રોકડના અભાવે વેપારીઓના ધંધા પર પણ માઠી અસર પડી રહી છે. આ ATM બંધ હોવાથી લોકોને દોઢ કિલોમીટર દૂર આવેલી મેઈન બેંક સુધી જવું પડે છે, જે વૃદ્ધો અને અશક્ત લોકો માટે અત્યંત કષ્ટદાયક છે. એક તરફ ડિજિટલ ઇન્ડિયાની વાતો થાય છે, ત્યારે બીજા તરફ આવા મહત્વના યાત્રાધામમાં પાયાની બેંકિંગ સુવિધા ખોરવાયેલી રહે તે શરમજનક બાબત છે.
બેંક અધિકારીઓની આ કથિત બેદરકારીને કારણે યાત્રિકોમાં એવી ચર્ચા છે કે જો ૧૦ દિવસમાં એક મશીન રીપેર ન થઈ શકતું હોય તો તંત્રની કાર્યક્ષમતા કેટલી હશે? વીરપુર આવતા પ્રવાસીઓ માટે આર્થિક વ્યવહાર સરળ રહે તે માટે ગામના અગ્રણીઓએ પણ બેંક મેનેજરને લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. જો આગામી ૨૪ કલાકમાં આ ATM પુનઃ કાર્યરત કરવામાં નહીં આવે, તો સ્થાનિકો અને પ્રવાસીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અત્યારે તો શ્રદ્ધાળુઓ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે, પણ ખિસ્સામાં રોકડ ન હોવાથી તેમની યાત્રામાં કડવાશ ભળી રહી છે.
(3:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
