<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

વાંકાનેરમાં ભક્તિનો મહાસાગર ઘુઘવ્યો: સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે ગંગેશ્વર મહાદેવ મંદિરે 1000 દીવડાની મહાઆરતી અને શિવધૂનની જમાવટ

પ્રથમ જ્યોતિર્લિંગના પુનઃનિર્માણના 75 વર્ષના હરખમાં વાંકાનેર શિવમય બન્યું: મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને પ્રદેશ અગ્રણીઓની હાજરીમાં 'ઓમકાર'ના નાદ સાથે ગુંજી ઉઠ્યું શિવાલય, પૂર્વજોના બલિદાનને નમન કરી સર્વ જીવ હિતાર્થે કરાઈ વિશેષ પ્રાર્થના

વાંકાનેર:સમગ્ર ગુજરાત જ્યારે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં ડૂબેલું છે, ત્યારે વાંકાનેર શહેર પણ આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પરના હુમલાઓ બાદ શ્રદ્ધાના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થતા વાંકાનેરના પ્રાચીન શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પર્વ માત્ર ઉત્સવ નહીં, પરંતુ 1000 વર્ષ સુધી મંદિરના રક્ષણ માટે બલિદાન આપનારા પૂર્વજોની શૌર્યગાથાને યાદ કરવાનો અવસર હતો. વાંકાનેરના શિવાલયમાં જ્યારે 'હર હર મહાદેવ'ના ગગનભેદી નાદ ગુંજ્યા, ત્યારે વાતાવરણમાં એક અદભૂત આધ્યાત્મિક ઉર્જા વ્યાપી ગઈ હતી.

કાર્યક્રમની શરૂઆત શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અને અભિષેકથી કરવામાં આવી હતી. ઇનચાર્જ પ્રવીણભાઈ પંડ્યા અને સહ ઇનચાર્જ હેતલબેન રાજગોરના નેતૃત્વમાં આયોજિત આ પર્વમાં ભાટિયા સોસાયટીના મહિલા ધૂન મંડળ દ્વારા મંત્રમુગ્ધ કરી દે તેવી શિવધૂન રજૂ કરવામાં આવી હતી. આ અવસરે મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટિયાના હસ્તે મહાઆરતી ઉતારવામાં આવી હતી. દીવડાઓના ઝળહળાટ અને શંખનાદ વચ્ચે સેંકડો શ્રદ્ધાળુઓએ એકસાથે આરતીમાં જોડાઈને ભગવાન સોમનાથ દાદા પાસે દેશ અને દેશવાસીઓની રક્ષા માટે અંતરપૂર્વક પ્રાર્થના કરી હતી.

ઐતિહાસિક સંદર્ભને વાગોળતા આ પ્રસંગે યાદ કરવામાં આવ્યું હતું કે, આઝાદી બાદ સરદાર વલ્લભભાઈ પટેલે 1947માં મંદિરના પુનઃનિર્માણનો જે સંકલ્પ લીધો હતો, તે 1951માં ડો. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે સાકાર થયો હતો. આજે એ ઘટનાના સાડા સાત દાયકા પૂર્ણ થતા વાંકાનેરના રાજકીય અને સામાજિક અગ્રણીઓ એકમંચ પર જોવા મળ્યા હતા. પ્રદેશ ભાજપ વ્યાપાર સેલના શૈલેષભાઈ ઠક્કર, તાલુકા ભાજપ પ્રમુખ ચતુરભાઈ મકવાણા અને તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ હરુભા ઝાલા સહિતના દિગ્ગજોએ આ પર્વમાં સહભાગી થઈને સનાતન સંસ્કૃતિના વિજયને વધાવ્યો હતો.

આ ધાર્મિક ઉત્સવમાં ભાજપના વરિષ્ઠ નેતા રતિલાલ અણિયારીયા, ગજેન્દ્રસિંહ રાઠોડ અને મહામંત્રી દીપકસિંહ ઝાલા સહિત મોટી સંખ્યામાં મહિલા અગ્રણીઓ અને કાર્યકરોએ હાજરી આપી હતી. શ્રદ્ધાળુઓની બહોળી જનમેદનીને કારણે ગંગેશ્વર મહાદેવ મંદિરનું પ્રાંગણ નાનું પડ્યું હતું. કાર્યક્રમના અંતે તમામ ભક્તો માટે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વાંકાનેરના આયોજકોએ જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમોથી નવી પેઢીને આપણા ભવ્ય વારસા અને પૂર્વજોએ કરેલા સંઘર્ષની માહિતી મળે છે, જે રાષ્ટ્રવાદની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.

(3:49 PM IST)