<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

દ્વારકાના બ્લૂ ફ્લેગ શિવરાજપુર બીચ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી

દેવભૂમિ દ્વારકા, તા.૧૨ઃ રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ તેમજ  જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકાના સંયુકત ઉપક્રમે શિવરાજપુર બીચ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. 

આ ઉપક્રમે કલેકટરશ્રી એ જણાવ્યું હતું કે, આ મહોત્સવ ગુજરાતની લોકસંસ્કૃતિ, પરંપરા અને પર્યટન વૈભવને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરનારું મહત્વપૂર્ણ આયોજન છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન  રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના પતંગ પ્રદર્શન, વિવિધ આકારના વિશાળ અને કલાત્મક પતંગોની પ્રદર્શની, લોક સાંસ્કૃતિક કાર્યક્રમો, પર્યટનને પ્રોત્સાહન આપે છે.

આઈ.એન.એસ. કમાન્ડિંગ ઓફિસર શ્રી કેપ્ટન શશાંક શર્માએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પતંગ રસિકોને આવકારીને કાર્યક્રમને બિરદાવ્યો હતો.

મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ઉપરાંત પરંપરાગત રાસ પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ રાજ્યોના ૧૧ રાષ્ટ્રીય તથા ૩૨ આંતરરાષ્ટ્રીય પતંગબાજો દ્વારા વિવિધ આકાર, રંગ અને કલાત્મક ડિઝાઇન ધરાવતા પતંગો આકાશમાં ઉડાવવામાં આવ્યા હતા, જે દર્શકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતા.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણીમાં નિવાસી અધિક કલેકટરશ્રી ભૂપેશ જોટાણીયા, પ્રાંત અધિકારી શ્રી કે.કે. કરમટા, કોસ્ટ ગાર્ડ સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

(10:58 AM IST)