<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

સુરેન્‍દ્રનગરના બળોલ ગામે માલધારીઓનો ૬ ખેડૂતો પર હૂમલો

ઉભા પાકના ખેતરમાં ઢોર ચારી દેવામાં આવતા બોલાચાલીઃ લૂંટ કર્યા હોવાનો પણ આક્ષેપ

વઢવાણ, તા.૧૨: લીંબડી તાલુકાના બળોલ ગામે ખેડૂતો અને માલધારીઓ વચ્‍ચે બોલાચાલી બાદ હુમલાની ઘટના બની છે છ જેટલા ખેડૂતોને ઇજાઓ પહોંચતા સુરેન્‍દ્રનગરની ખાનગી હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યા છે સુરેન્‍દ્રનગરના લીંબડી તાલુકા નું છેલ્લું ગામ એટલે બળોલ ગામ. ત્‍યારે માલધારીઓ દ્વારા ખેડૂતોના ઉભા ચણાના પાકમાં માલ ઢોર ખુલ્લા મૂકીને અને ખેડૂતોના ચણાનો પાક ચારી દેવામાં આવ્‍યો હતો.

અચાનક ખેડૂતો પોતાની વાડીએ ગયા અને ઉભો પાક માલ ઢોરને ચારી દેવામાં આવતા ખેડૂતો દ્વારા માલધારીઓને રજૂઆત કરવામાં આવી હતી ત્‍યારબાદ સમગ્ર મામલો ઉશ્‍કેરાઈ જઈ અને માલધારીઓ દ્વારા ખેડૂતો ઉપર ધોકા સહિતના શષાોથી હુમલો કરવામાં આવ્‍યો હતો. સમગ્ર ઘટના મામલે પાણસિણા પોલીસને ખેડૂતો દ્વારા વારંવાર માલધારીઓના ત્રાસ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી અને રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારવામાં આવે અને ખેડૂતોના ઉભા પાકોને જે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી છે તે રજૂઆતો ધ્‍યાને ન લેતા અંતે ખેડૂતો પર હુમલાની ઘટના બની છે.

ઘટનામાં જીતેન્‍દ્ર પરમાર કૌશિક ચાવડા મોહિત પરમાર યુવરાજ ચાવડા વિપુલ પરમાર જયેશ પરમાર નામના ખેડૂતોને ઇજાઓ પહોંચી છે રાજુ ભીમા ભરવાડ અને જોરુ ભરવાડ અને દિલા ભોપા ભરવાડ દ્વારા હુમલો કરવામાં આવ્‍યા હોવાનું પ્રાથમિક તબક્કામાં ઇજાગ્રસ્‍ત ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્‍યું છે. ખેડૂતો અને માલધારીઓ વચ્‍ચે બોલાચાલી બાદ ૧૦ થી વધુ માલધારીઓના ટોળા દ્વારા ખેડૂતો ઉપર હુમલો કરવામાં આવ્‍યો હતો જેવા વિડીયોગ્રાફી ઉતારનાર યુવક પાસેથી મોબાઇલ જુટવી લેવામાં આવ્‍યો હતો અને સોનાના ચેન ની પણ લૂંટ કરવામાં આવી હોવાનું ઇજાગ્રસ્‍ત ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્‍યું છે અને આ બાબતની પોલીસને પણ રજૂઆત કરવામાં આવી છે બળોલ ગામના ખેડૂતોએ હવે પોતાના પાક રક્ષણ માટેની પોલીસ સમક્ષ માંગ કરી છે.

(11:51 AM IST)