News of Monday, 12th January 2026
બાળકી પર દુષ્કર્મ ગુજારવાની કોશિશ અને અત્યાચારના ગુનાની સુનાવણી પૂર્ણ, ગમે ત્યારે ચુકાદો
આટકોટ પોલીસે ઝડપી તપાસ કરતા અદાલતે માત્ર બનાવના ૩૩માં દિવસે જ કેસની સુનાવણી પૂર્ણ કરી

રાજકોટ, તા. ૧રઃ જસદણ તાલુકાના કાનપર ગામની સીમમાં દાહોદ પંથકના શ્રમિક પરિવારની ૭ વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મ ગુજારવાની કોશિશ કરી ગુપ્તાંગમાં સળીયો ઘુસાવી લોહીલુહાણ કરી દેવાની ચકચારી ઘટનામાં આટકોટ પોલીસે માત્ર ૧૧ દિવસમાં જ ચાર્જસીટ રજૂ કરતા અદાલતે માત્ર બનાવના ૩૩ માં દિવસે જ કેસની સુનાવણી પૂર્ણ કરી છે અને ગમે ત્યારે આરોપી ને ચુકાદો સંભળાવવામાં આવશે વધુ વિગત મુજબ જસદણ તાલુકાના કાનપર ગામે વાડીમાં દાહોદ પંથકનો શ્રમિક પરિવાર ખેતર ભાગીયે રાખી ખેત મજૂરી કરે છે. ગત તા.૦૪-૧૨-૨૦૨૫ ના રોજ શ્રમિક પરિવાર વાડીમાં કામ કરી રહ્યો હતો. ત્યારે પરિવારની છ વર્ષ આઠ માસની બાળકી વાડીમાં જ રમી રહી હતી. દરમિયાન અજાણ્યા શખ્સ ધસી આવી બાળકીનું મોઢું દબાવી હેવાને અમાનુષી અને ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ ગુજાર્યો હતો. હેવાનને હવસનો શિકાર બનાવ્યા બાદ ગુપ્તાંગમાં સળિયા જેવું ધારદાર હથિયાર ઘુસાવી દેતા બાળકી લોહીલુહાણ થઇ ગઈ હતી. બાદમાં નરાધમ બાળકીને ત્યાં જ મૂકી નાસી ગયો હતો.
પરિવારે બાળકીની શોધખોળ શરૂ કરતા તેણી ત્યાં નજીકમાંથી જ લોહીલુહાણ હાલતમાં મળી આવત બાળકીને સારવાર અર્થે તાત્કાલિક રાજકોટની જનાના હોસ્પિટલ ખાતે ખસેડી હતી.
આટકોટ પોલીસે બાળકીના પિતાની ફરિયાદ પરથી પોક્સો અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. બાળકીએ અમાનુષી અત્યાચાર ગુજારનાર શખ્સને પોલીસે મૂળ મધ્યપ્રદેશનો અને હાલ જસદણના કાનપર ગામની સીમમાં રામસિંગ તેરસીંગ ડડવેજરની ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં નરાધમે કબૂલાત આપી હતી કે, પોતે પીડિત બાળકીનો પરિવાર જે વાડીમાં મજૂરી કરે છે તેની બાજુની વાડીમાં જ પોતે પણ મજૂરી કરે છે. અહીંથી નીકળતા માસુમ બાળકી ખેતરમાં જ રમી હતી. જેથી નરાધમની દાનત બગડી હતી. બાળકીને ઉઠાવી નજીકમાં જ પાણીની ટાંકી પાસે લઇ ગયો હતો અને દુષ્કર્મ ગુજારવાની કોશિશ કરી હતી. તેમાં નિષ્ફળ જતાં ઉશ્કેરાયેલા શખ્સે બાજુમાં જ પડેલ લોખંડનો એક ફૂટનો સળીયો બાળકીના ગુપ્તાંગમાં ઘુસાવી લોહીલુહાણ કરી ત્યાં જ બાળકીને મૂકી નાશી ગયો હતો. બાદ તપાસનીશ દ્વારા અદાલતમાં ચાર્જસીટ રજૂ કરવામાં આવી હતી. બાળકીના પિતાએ અદાલતમાં વિસ્તળત પત્ર લખી બાળકીની આ હાલત કરનાર આરોપી સામે તાત્કાલીક કેસ ચલાવી સખ્ત સજાની માંગ કરી હતી. બનાવની ગંભીરતા ધ્યાનમાં લઈને કોર્ટે કેસ રોજબરોજ ચલાવવાનો હુકમ કરી ૬-દિવસમાં પુરાવો નોંધવાનુ કાર્ય પૂર્ણ કર્યો હતો. બાદ કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં આરોપીના બનાવ સ્થળેથી જે વાળ મળી આવેલા હતા તે વાળ મુળ સહીત ન હતા અને કપાયેલા હતા. જવાબમાં સરકાર તરફે જણાવવામાં આવેલ કે મુળ સહીતના વાળ એક ચોકકસ પ્રક્રિયાથી જ કાઢી શકાય. બનાવ સમયે બાળકીને પીડા વખતે આરોપીના વાળ ખેંચવામાં આવેલા હોય ત્યારે કપાયેલી પરિસ્થિતીમાં જ મળી શકે. કાનપર ગામે સરકારી ડોકટરે ગુપ્ત ભાગેથી નીકળતુ લોહી બંધ થઈ ગયેલ હોવાનુ જણાવેલ છે.તેના જવાબમાં સરકાર તરફે જણાવવાનું કે ગંભીર ઈજાના કારણે કાનપર થી જસદણ હોસ્પિટલ અને જસદણ હોસ્પિટલ થી રાજકોટ જનાના હોસ્પિટલ માટે લાવવામાં આવતી વખતે ફરીથી ભોગ બનનારને ફરીથી રકતષાાવ ચાલુ થઈ શકે. કાનપરના ડોકટરની મામુલી નોંધ ના કારણે પ્રોસીકયુશનનો કેસ નબળો થતો નથી. આરોપીને શંકાના આધારે પકડેલ હતો. જેના જવાબમાં સરકાર તરફે ફોજદારી ગુનામાં આરોપીને શંકાના આધારે જ પકડવામાં આવતો હોય છે. પ્રોસીકયુશન માટે જરૂરી એ છે કે, પોલીસ તપાસ પુર્ણ થાય ત્યારે તપાસનીશ અમલદાર પુરતા પુરાવા મેળવી શકે છે કે કેમ. આ કેસમાં તપાસનીશ અમલદારની આરોપી ઉપરની શંકા સંપુર્ણ વ્યાજબી ઠેરવવા માટે મેડીકલ, મૌખિક અને ઈલેકટ્રોનીક ત્રણેય પ્રકારના પુરાવા મળી આવેલ છે. ભોગ બનનાર બાળકી અને બાળ સાહેદની નાની ઉંમર હોવા છતા પણ આરોપી અને લોખંડનો સળીયો સાંકેતિક રીતે ઓળખી આપેલ છે. ઓળખ પરેડ કોર્ટ સંકુલમાં વનરેબલ સેન્ટરમાં થયેલ છે. આરોપી વિરૂધ્ધ પક્ષપાતી રીતે તપાસ કરી ખોટુ ચાર્જશીટ કરવામાં આવેલ છે. જવાબમાં સરકાર તરફે જણાવવામાં આવેલ હતુ કે, આ ગુન્હામાં આરોપી તરફે કાનપર ગામમાં હાજર નહી હોવાનો એકમાત્ર બચાવ હોય શકે. રીલાયન્સ જીયોના સી.ડી.આર. રીપોર્ટમાં મોબાઈલ ફોનનુ લોકેશન બનાવવાળા વિસ્તારનું જ જણાઈ છે. બનાવ સમયે આરોપી આ વિસ્તારમાં શું કરતા હતા અને કયાં હતા તે અંગે ઉલટ તપાસમાં કે ફર્ધર સ્ટેટમેન્ટમાં કોઈ ચોખવટ નથી. બળાત્કાર જેવા કિસ્સામાં આરોપી તરફે ફકત ‘એલીબી'નો જ બચાવ માન્ય છે. સરકાર પક્ષે આરોપીને કડક માં કડક સજા કરવાની માંગ કરી પીડિતા અને પીડિત પરિવારને ન્યાય આપવાની દલીલ કરી છે જ્યારે અદાલતે માત્ર બનાવના ૩૩ માં દિવસે જ કેસની સુનાવણી પૂર્ણ કરી છે અને ગમે ત્યારે આરોપી ને ચુકાદો સંભળાવવામાં આવશે આ કેસમાં જિલ્લા સરકારી વકિલ સંજયભાઈ કે. વોરા અને મદદગારીમાં એ.પી.પી. પ્રશાંતભાઈ પટેલ રોકાયેલા હતા.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
