News of Monday, 12th January 2026
બિસ્માર રસ્તાઓ બાબતે લખતર ગ્રામ પંચાયતમાં હલ્લાબોલ
મહિલાઓએ કર્યો હલ્લાબોલઃઆ ગંદકીના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના લખતર શહેરમાં આજે જનતાનો રોષ ફાટી નીકળ્યો હતો. લખતર શહેરની લખતરીયા શેરી અને કુંભાર શેરીમાં લાંબા સમયથી ઉભરાતી ગટર અને બિસ્માર રોડ-રસ્તાની સમસ્યાથી કંટાળીને સ્થાનિક મહિલાઓએ લખતર ગ્રામ પંચાયત કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. જે કારણે પંચાયતમાં કામ કરતા અધિકારીઓ ડઘાઈ ગયા હતા.
છેલ્લા ઘણા સમયથી લખતરીયા અને કુંભાર શેરીમાં ગટરના પાણી ઉભરાવાની સમસ્યા વિકરાળ બની છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, રસ્તાઓ પર ગટરના ગંદા પાણી ફરી વળતા ગારો અને કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે.
આ ગંદકીના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. વધુમાં, આ વિસ્તારમાં લાંબા સમયથી નવા રસ્તાઓ બનાવવામાં આવ્યા નથી, જેના કારણે વાહન ચાલકો અને પગપાળા ચાલતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
તંત્રની નિષ્ક્રિયતા સામે આક્રોશ વ્યક્ત કરતા મોટી સંખ્યામાં મહિલાઓ પંચાયત કચેરીએ એકઠી થઈ હતી અને સૂત્રોચ્ચાર કર્યા હતા. મહિલાઓએ ઇન્ચાર્જ સરપંચ હીરાબેન વડોદરિયાને રૃબરૃ મળીને પોતાની વેદના ઠાલવી હતી. મહિલાઓની ઉગ્ર રજૂઆત હતી કે, જો તાત્કાલિક ધોરણે ગટરનું પાણી ઉભરાતું બંધ નહીં થાય અને રસ્તાઓનું સમારકામ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.
મહિલાઓના હલ્લાબોલને પગલે ઇન્ચાર્જ સરપંચ હીરાબેન વડોદરિયાએ તાત્કાલિક પગલાં લેવાની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પંચાયત દ્વારા જલ્દીથી સફાઈ કામગીરી હાથ ધરવામાં આવશે અને ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટેના પ્રયાસો તેજ કરવામાં આવશે.
(9:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
