<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

કચ્‍છના આધોઇમાંથી ૧૦ લાખનો સોપારીનો શંકાસ્‍પદ જથ્‍થો જપ્‍ત

એક કન્‍ટેનર ટ્રેલર સાથે બે પાયલોટિંગ વાહન સાથે ૧.૫૧ કરોડનો મુદ્દામાલ જપ્ત : બોર્ડર રેન્‍જ અને સામખિયારી પોલીસની સંયુક્‍ત કાર્યવાહી, ૭ સામે ગુનો ૧ આરોપી ઝડપાયો, મોટું કૌભાંડ હોવાની શંકા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૩: ભચાઉ તાલુકાના સામખિયાળી પોલીસ સ્‍ટેશન હેઠળના આધોઈ ખાતે બોર્ડર રેન્‍જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્‍છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આધોઈના શાહુનગરમાંથી રૂ.૧.૫૧ કરોડનો મુદ્દામાલ કબજે કરી ૭ આરોપીઓ સામે ગુનો નોંધાયો છે.

(શાહુનગર) વિસ્‍તારમાં ગેરકાયદેસર સોપારીના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. આઘોઈ ઓ.પી વિસ્‍તારમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્‍ટેશન સરહદી રેન્‍જ તથા સામખિયારી પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એક બંધ બોડી કન્‍ટેનરવાળો ટ્રેલર તેમજ પાયલોટિંગ કરતી બે ફોર વ્‍હીલર કબજે કરી છે. સાથે સાથે સોપારી ભરેલી ગાડી નંબર જીજે-૧૨-બીવાય-૪૫૩૭ જપ્ત કરી ટ્રકના ડ્રાઈવરને અટકાયતમાં લેવામાં આવ્‍યો છે. સ્‍થળ પરથી સોપારીના જથ્‍થા સંબંધિત દસ્‍તાવેજો તેમજ અન્‍ય મહત્‍વપૂર્ણ પુરાવાઓ પણ કબજે કરવામાં આવ્‍યા છે.

મળતી માહિતી મુજબ તા. ૧૧/૦૧/૨૦૨૬ ના રોજ રાત્રે આશરે ૯ વાગ્‍યે, સામખિયારી પોલીસ સ્‍ટેશનથી અંદાજે ૧૦ કિ.મી. દૂર આવેલ હિરેન ઈશ્વરપુરી ગૌસ્‍વામીના મકાન નં. ૬૮, શાહુનગર, આઘોઈ ખાતે ગેરકાયદેસર રીતે સોપારીનો વિશાળ જથ્‍થો ઉતારવામાં આવી રહ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે બોર્ડર રેન્‍જની સાયબર સેલ તથા સામખિયારી પોલીસની સંયુક્‍ત ટીમે તાત્‍કાલિક ત્રાટકી કાર્યવાહી કરી હતી.

ફરિયાદ મુજબ આરોપીઓએ પોતાના અંગત ફાયદા માટે આયોજનપૂર્વક કાવતરું રચી છળકપટથી સોપારીનો જથ્‍થો મેળવી ઠગાઈ કરી હતી. કુલ ૨૬,૬૫૦ કિ.ગ્રા. સોપારી (કિંમત રૂ. ૧૦.૬૬ લાખ) માટે ખોટા ઈ-વે બિલનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો. ઉપરાંત ત્રણ વાહનો (કિંમત રૂ. ૪૨ લાખ), ૧૦ મોબાઈલ (રૂ. ૨.૧૫ લાખ), એક લેપટોપ (રૂ. ૨૫ હજાર) સહિત અન્‍ય સાધન સામગ્રી મળી કુલ રૂ. ૧.૫૧ કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્‍યો છે.

આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્‍ટેશન સરહદી રેન્‍જ ભુજ-કચ્‍છના એ.એસ.આઈ  ભગીરથસિંહ જયેન્‍દ્રસિંહ જાડેજા (બકલ નં. ૧૧૭) દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપી તરીકે દિપારામ ભોજારામ જાટ (રહે. બાયતુ, બાડમેર, રાજસ્‍થાન), એજાઝ જમીલ સોરઠીયા (સરખેજ, અમદાવાદ), મહમદ ઇકબાલ આરબિયાણી (અમદાવાદ), પરેશ જયંતીલાલ શાહ (અંજાર, કચ્‍છ), હિરેન ઈશ્વરપુરી ગૌસ્‍વામી (આઘોઈ, ભચાઉ), મનીષ રઘુનાથ નાથબાવા (આઘોઈ, ભચાઉ), આનંદકુમાર સરસચંદ્રસિંગ સિંગ (હાલ આદીપુર, ગાંધીધામ) વિરુદ્ધ બી.એન.એસ. કલમ ૩૦૩(૨), ૬૧(૨), ૩૩૬(૩), ૩૪૦(૨) મુજબ ગુનો નોંધવામાં આવ્‍યો છે.

આગળની તપાસ સાયબર ક્રાઈમ પોલીસ સ્‍ટેશન  પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર કે.એમ. રાઠોડ તથા સામખીયારી પીઆઇ વી.કે ગઢવી એ હાથ ધરી છે. પોલીસ દ્વારા કૌભાંડમાં અન્‍ય સંડોવાયેલા લોકો અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. (તસ્‍વીરોઃ મુકેશ રાજગોર, રાપર)

(1:53 PM IST)