News of Tuesday, 13th January 2026
સાયક્લોફન-૨૦૨૬માં ૧,૭૦૦થી વધુ સાયકલિસ્ટોના ઉત્સાહ સાથે જામનગર ગુંજી ઉઠયું
શહેરની અત્યાર સુધીની સૌથી મોટી સામુદાયિક સાયકલિંગ ઇવેન્ટસમાંની એક બની

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૩: રોટરી ક્લબ ઓફ છોટી કાશી જામનગર દ્વારા આયોજિત સાયક્લોફન ૨૦૨૬માં ૧,૭૦૦થી વધુ સાયકલિસ્ટોની સહભાગીદારી સાથે સફળતાપૂર્વક સંપન્ન થઈ. આ ઇવેન્ટને કારણે જામનગર શહેર ઉર્જા અને ઉત્સાહના કેન્દ્રમાં ફેરવાઈ ગયું હતું. જામનગર અને આસપાસના વિસ્તારોમાંથી આવેલા સાયકલિસ્ટોએ પાંચ વિવિધ શ્રેણીઓમાં ભાગ લીધો હતો-૦૫ કિમી, ૧૦ કિમી, ૨૫ કિમી, ૫૦ કિમી અને ૧૦૦ કિમી. આ આયોજન શહેરની અત્યાર સુધીની સૌથી મોટી સામુદાયિક સાયકલિંગ ઇવેન્ટ્સમાંની એક બની રહી.
આ કાર્યક્રમમાં પરિવારો, વિદ્યાર્થીઓ, ફિટનેસ પ્રેમીઓ અને પ્રોફેશનલ સાયકલિસ્ટોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો, જે જામનગરના નાગરિકોમાં સ્વાસ્થ્ય અને પર્યાવરણ પ્રત્યે વધતી જતી જાગળતિ દર્શાવે છે. સુવ્યવસ્થિત રૂટ્સ, વોલેન્ટિયર્સનું સંકલન અને સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થાને કારણે સમગ્ર કાર્યક્રમ નિર્વિઘ્ન પૂર્ણ થયો હતો.
પોતાનો અનુભવ વહેંચતા એક સહભાગીએ જણાવ્યું કે, સાયક્લોફન ૨૦૨૬નું આયોજન ખૂબ જ પ્રેરણાદાયી હતું. આટલી મોર્ટી સંખ્યામાં લોકો સાથે સાયકલ ચલાવવી એ સાબિત કરે છે કે ફિટનેસના માધ્યમથી સમાજને કેવી રીતે એક કરી શકાય છે.
આ ભવ્ય આયોજનમાં સ્પોન્સર, તેમજ જામનગર સાયકલિંગ ક્લબ અને જામનગર પોલીસનો સક્રિય ટેકો સાંપડયો હતો. જનતાના અભૂતપૂર્વ પ્રતિસાદ સાથે સાયક્લોફન ૨૦૨૬ એ જામનગરમાં સાયકલિંગ ઇવેન્ટ્સ માટે એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
