હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હણોલ ગામે 'આત્મનિર્ભર હણોલ મહોત્સવ'ની શાનદાર ઉજવણી: કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ અને મનસુખભાઈ માંડવિયાએ લીધી ગરબાની મજા
નિમુબેન બાંભણિયા અને જીતુભાઈ વાઘાણી પણ જોડાયા: ગ્રામજનો સાથે નેતાઓએ દેશી ઢોલના તાલે જમાવટ કરી

ભાવનગર જિલ્લાનું નાનકડું હણોલ ગામ આજે રાષ્ટ્રીય ફલક પર ચમકી ઉઠ્યું હતું. ગામમાં આયોજિત 'આત્મનિર્ભર હણોલ મહોત્સવ'નિમિત્તે દિલ્હીથી કેન્દ્રીય મંત્રીઓના કાફલાએ ગામની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે માત્ર વિકાસની વાતો જ નહીં, પરંતુ લોકઉત્સવનો અનોખો નજારો જોવા મળ્યો હતો, જેમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને શ્રમ મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ગ્રામજનો સાથે પરંપરાગત ગરબાની રમઝટ બોલાવી હતી
આત્મનિર્ભર હણોલ મહોત્સવના ભાગરૂપે ગામમાં ભવ્ય જુવારા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના ચોકમાંથી નીકળેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો, મહિલાઓ અને યુવાનો જોડાયા હતા. ઢોલ-નગારાના તાલે નીકળેલી આ યાત્રાએ સમગ્ર ગામમાં ભક્તિમય અને ઉત્સવનું વાતાવરણ સર્જી દીધું હતું. હણોલ ગામ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા દત્તક લેવાયેલું 'સાંસદ આદર્શ ગામ' હોવાથી અહીં વિકાસ અને સંસ્કૃતિનો સમન્વય જોવા મળ્યો હતો.
કાર્યક્રમની સૌથી આકર્ષક પળ ત્યારે સર્જાઈ જ્યારે મંચ પર અને યાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રીઓ પોતાને રોકી શક્યા નહીં. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ ગુજરાતના રંગમાં રંગાઈ ગયા હતા. તેમણે મનસુખભાઈ માંડવિયા સાથે મળીને તાળીઓના તાલે દેશી ગરબાની મજા માણી હતી. સામાન્ય રીતે ગંભીર મુદ્રામાં જોવા મળતા નેતાઓને આ રીતે મુક્ત મને ઝૂમતા જોઈને ગ્રામજનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે માત્ર બે કેન્દ્રીય મંત્રીઓ જ નહીં, પરંતુ રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા અને પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ જુવારા યાત્રામાં ભાગ લીધો હતો અને ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો. આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અર્થતંત્રને આત્મનિર્ભર બનાવવાનો અને ગામડાના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાનો છે. શિવરાજસિંહ ચૌહાણે આ તકે હણોલ ગામના વિકાસ મોડેલની પ્રશંસા પણ કરી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
