<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

ધ્રોલ લતીપુર કચરાના નિકાલ મુદ્દે પંચાયતને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ

ગામમાં નિયમિત સફાઈના અભાવે ગંદકીનું સામ્રાજ્ય વધ્યું : આગામી સમયમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ: મોટી સંખ્યામાં ગ્રામજનોએ પંચાયત કચેરી ખાતે એકત્ર થઈ સરપંચ અને તલાટી મંત્રીને લેખિતમાં રજૂઆત કરી

લતીપુર: ગામમાં સફાઈ અને સ્વચ્છતાની કથળતી જતી હાલતને સુધારવા માટે લતીપુર ગામના જાગૃત નાગરિકો દ્વારા ગ્રામ પંચાયતને એક આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે ગામમાં નિયમિત સફાઈના અભાવે ગંદકીનું સામ્રાજ્ય વધી રહ્યું છે, જેને પગલે આગામી સમયમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. આ ગંભીર મુદ્દે બપોરે મોટી સંખ્યામાં ગ્રામજનોએ પંચાયત કચેરી ખાતે એકત્ર થઈ સરપંચ અને તલાટી મંત્રીને લેખિતમાં રજૂઆત કરી હતી.
આ આવેદન પત્રમાં ગ્રામજનોએ મુખ્યત્વે ચાર માંગણીઓ પર ભાર મૂક્યો છે, જેમાં ગામના દરેક વિસ્તારમાં કાયમી અને નિયમિત સફાઈની વ્યવસ્થા કરવી, કચરો ઉપાડવા માટે ટ્રેક્ટર અથવા ગાડીની સુવિધા ઊભી કરવી, જાહેર સ્થળો પર ડસ્ટબીન મૂકવા અને ગંદકી દૂર કરી આરોગ્ય સુરક્ષા જાળવવા માટે યોગ્ય પગલાં ભરવાનો સમાવેશ થાય છે. ગ્રામજનોએ પંચાયત પાસે આ કામગીરી અંગેના આયોજનની લેખિતમાં જાણ કરવા પણ માંગ કરી છે.
 પંચાયતની આખી બોડી સમક્ષ રજૂઆત કરતા ગ્રામજનોએ જણાવ્યું હતું કે, આ રજૂઆત માત્ર ગામના વિકાસ અને લોકોની સુખાકારી માટે છે, જેમાં ગ્રામજનો પંચાયતને પૂરતો સહકાર આપવા તૈયાર છે. પંચાયત દ્વારા આ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી આશા ગ્રામજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.( સંજય ડાંગર ધ્રોલ) 

(11:36 PM IST)