તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 15th January 2026
ગોંડલ લેઉવા પટેલ સમાજ દ્વારા રમેશભાઈ ધડુકનાં સન્માન વેળા આમ આદમી પાર્ટીના નેતા જીગીષા પટેલની શાબ્દિક સટાસટી
તમારાં દિકરા પર છરીથી હુમલો થયો તમે અવાજ ઉઠાવી શકયા નથીઃ માફીયા બુટલેગરો અને હત્યારાઓને વીણીવીણીને ભાજપની બહાર કાઢજો ની ટકોર કરીઃ જીગીષા પટેલનાં ભાષણથી દેકારો બોલી ગયો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૧૫: ગોંડલ જેલ ચોક પટેલવાડી ખાતે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ તરીકે વરણી પામેલા પુર્વ સાંસદ રમેશભાઈ ધડુકનો લેઉવાપટેલ સમાજ દ્વારા સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આમ આદમી પાર્ટીના મહિલા નેતા જીગીષા પટેલ ઉપસ્થિત રહી શાબ્દિક સટાસટી બોલાવતાં સન્માન સમારોહ માં દેકારો બોલી ગયો હતો.જીગીષા પટેલે રમેશભાઈ ધડુક તથા ભાજપ ને સરાજાહેર આડેહાથ લઇ શબ્દોનાં તાતાતીર ચલાવતા ગરમાવો વ્યાપી ગયો હતો.
પટેલ વાડી ખાતે પટેલ સમાજનાં આગેવાનો દ્વારા રમેશભાઈ ધડુકનું સન્માન ચાલી રહ્યુ હતુ ત્યારે કોઇ આમંત્રણ વગર પટેલ સમાજની દિકરી તરીકે કાર્યક્રમ માં આવી પંહોચેલા જીગીષા પટેલે બે શબ્દ બોલવા માઇક માંગતા તેમને માઇક અપાયુ હતુ. ત્યારે જીગીષા પટેલે કટાક્ષ નો મારો ચલાવી કહ્યુ કે રમેશભાઈ આપે ગોંડલ ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં હોદ્દાઓથી લઈ ટિકિટ વહેંચણી સુધીની ઘણી ભૂમિકા ભજવી છે પરંતુ હવે પાર્ટી એ સંગઠનમાં ઉચ્ચ સ્થાન આપી કાયદેસર રીતે આપને જવાબદારી આપી હોય જેમને ધ્યાનમા રાખીને ગોંડલની જનતા ઉપર દબાણ કરતાં બુટલેગરો, જમીન માફિયાઓ, હત્યારાઓ અને એની આખી અસામાજિક તત્વોની ટોળીને વીણી વીણીને ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાંથી બરતરફ કરશો આવા લોકો માટે પાર્ટી પાસેથી ગયા વખતની જેમ ટીકીટો પણ નહીં લાવો, એવી મારી અને ગોંડલની જનતાની આશા છે ખાસ કરીને અહીંયા ઉપસ્થિત તમામ લેઉવા પાટીદાર સમાજની આપના પ્રત્યે આવી લાગણી છે .
જોકે તમે પહેલા પણ આવો પ્રયત્નો કર્યો છે પણ ત્યારે આપના દીકરા ઉપર જાન લેવા હુમલો કરી આપને દબાણ કરવામાં આવ્યું હતું અને થોડા સમય માટે તમારે ગોંડલ મૂકી સુરત રહેવા જવું પડ્યું હતું એવું સ્થાનિક લોકોના મુખે સાંભળેલું છે અને જો આ સાચું છે તો તમે તમારા દીકરા માટે અવાજ ઉઠાવી નથી શકયા એટલે ગોંડલની સામાન્ય જનતા માટે નહીં જ ઉઠાવી શકો એવી અમને ખાતરી પણ છે. પરંતુ તમે લોકો માટે ઘણા સારા કાર્ય કર્યા છે. વિનામૂલ્યે માતા બહેનોને તીર્થયાત્રાઓ કરાવી છે. કથાના રસ પાન કરાવ્યા છે. ખૂબ મોટા મોટા જમણવારો પણ કર્યા છે અને તમારી આજ સેવાકીય પ્રવળતિના લીધે આપના માટે માન પણ છે. પણ હવે ગોંડલ ની જનતા પ્રત્યેની તમારી ફરજ ચૂકતા નહીં આ વખતે તમારા દીકરા પર છરીના ઘા તો શું કોઈ આંગળી પણ ચીંધશે તો આ લેઉવા પાટીદાર ની દીકરી જિગીશા પટેલ આપની પડખે આપણી વ્હારે ઊભી હશે પણ આવા હત્યારાઓ માટે, અસામાજિક તત્વો માટે ટિકિટો લઈને ના આવતા.
જીગીષા પટેલનાં કટાક્ષોથી કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજ અગ્રણીઓ સ્તબ્ધ બની ગયા હતાં.અને સ્ટેજ પર દેકારો બોલી ગયો હતો. અલબત્ત તુરંત જીગીષા પટેલ પાસે થી માઇક લઇ લેવાયું હતું.
આમ રમેશભાઈ ધડુકનાં સન્માન કાર્યક્રમ માં અચાનક ઉપસ્થિત થયેલા જીગીષા પટેલે સચીન તેંડુલકરની માફક શબ્દોની સટાસટી બોલાવતાં આયોજકો મુંજવણ માં મુકાઇ ગયા હતાં.જોકે સમગ્ર ઘટનાં ગોંડલ માં ટોક ઓફ ટાઉન બનવા પામી છે
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
