News of Thursday, 15th January 2026
ગોંડલમાં પતંગનો પેચ કાપવાના ડખ્ખામાં સુનિલ મકવાણાએ ભાઇ, પિતા સાથે મળી પાડોશી અનિલભાઇને પતાવી દીધા
સંક્રાંતિ પર્વ લોહીયાળ બન્યું: પાડોશીઓ વચ્ચે છરી-ઇંટો-પાઇપ-પથ્થરથી જીવલેણ અથડામણ : સુનિલ મકવાણાએ પાડોશી અનિલભાઇ લુણશીયાનો પેચ કાપી નાંખતાં બોલાચાલી બાદ ગાળાગાળી થઇઃ અગાસીએથી ઉતરી બધા શેરીમાં આવ્યા અને એક બીજા પર તૂટી પડયાઃ સુનિલ, તેના ભાઇ સાગર અને પિતા કાંતિભાઇ છરી-પાઇપથી તૂટી પડતાં અનિલભાઇને ગંભીર ઇજા થતાં રાજકોટમાં દમ તોડયોઃ વળતા હુમલામાં સુનિલ, તેના પિતા, ભાઇને પણ ઇજાઃ રાજકોટ સારવારમાં : હત્યાનો ભોગ બનનાર ૩૮ વર્ષિય અનિલભાઇ લુણશીયા કડીયા કામ કરતાં હતાં: બે ભાઇ અને બે બહેનમાં નાના હતાં: ૪ વર્ષના પુત્રએ પિતાનું છત્ર ગુમાવ્યું :સવારે સસરાના વાછરડા રોડેથી સસરાના ઘરેથી ભગવતપરામાં પોતાના ઘરે આવી પતંગ ચગાવવા અગાસીએ ગયા અને ઝઘડો થતાં લોથ ઢળી

ઘાયલોને ગોંડલ સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં જ્યાં પોલીસ કાફલો દોડી ગયો હતો (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ) : હત્યાનો ભોગ બનનાર અનિલભાઇ પુંજાભાઇ લુણશીયા (ઉ.વ.૩૮)નો નિષ્પ્રાણ દેહ, તેમનો ફાઇલ ફોટો અને નીચેની તસ્વીરમાં હુમલો કરનારા અને વળતા હુમલામાં ઘવાયેલા સુનિલ મકવાણા, તેના પિતા કાંતિભાઇ મકવાણા અને ભાઇ સાગર મકવાણા જોઇ શકાય છે
રાજકોટ તા. ૧૫: પતંગનું પર્વ ઉતરાયણ ગોંડલમાં લોહીયાળ અને જીવલેણ બની ગયું હતું. ભગવતપરામાં એક જ સમાજ-જ્ઞાતિના બે પરિવારો કે જે પડોશીઓ છે તેમની વચ્ચે પતંગનો પેચ કાપવા જેવી વાતે બોલાચાલી બાદ ગાળાગાળી થતાં એક બીજા પર છરી, પાઇપથી તૂટી પડયા હતાં. જેમાં એક કડીયા કામ કરી ગુજરાન ચલાવતાં ૩૮ વર્ષના યુવાન પર પડોશી યુવાન, તેના ભાઇ અને પિતાએ હુમલો કરતાં ગંભીર ઇજા થઇ હતી. વળતા હુમલામાં આ ત્રણેય બાપ-દિકરાઓને પણ ઇજાઓ થતાં ચારેયને ગોડલ હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલ તથા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ ૩૮ વર્ષના યુવાનનું મોત થઇ જતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. ગોંડલ પોલીસે સામ-સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરી હતી.
જાણવા મળ્યા મુજબ ગોંડલ ભગવતપરા શેરી નં. ૨૫/૧૬ના ખુણે રહેતાં અનિલભાઇ પુંજાભાઇ લુણશીયા (ઉ.વ.૩૮) નામના યુવાન પર સંક્રાંતીની બપોરે બારેક વાગ્યે પાડોશમાં જ રહેતાં સુનિલ મકવાણા, તેના ભાઇ સાગર મકવાણા અને પિતા કાંતિભાઇ મકવાણા સહિતે છરી-ઇંટથી હુમલો કરતાં અનિલભાઇને ગંભીર ઇજા પહોંચી હતી.
મારામારી થતાં અનિલભાઇને બચાવવા માટે વચ્ચે પડેલી તેમની ભાણેજ નીશાબેન સોંદરવાને પણ ઇજા પહોંચી હતી. અનિલભાઇને માથા, શરીરે ગંભીર ઇજાઓ સાથે ગોંડલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. સામા પક્ષે સુનિલ કાંતિભાઇ મકવાણા (ઉ.વ.૨૬), સાગર કાંતિભાઇ મકવાણા (ઉ.વ.૨૨) અને બંનેના પિતા કાંતિભાઇ ઉકાભાઇ મકવાણા (ઉ.વ.૪૯) પણ ઇજાગ્રસ્ત હાલતમાં ગોંડલ હોસ્પિટલમાં પહોંચતા સારવાર અપાઇ હતી.
ઘટનાની જાણ થતાં ગોંડલ પોલીસનો કાફલો ગોંડલ હોસ્પિટલે દોડી ગયો હતો.
અનિલભાઇ અને સામા પક્ષના પિતા-બે પુત્રો એમ ચારેયને વધુ સારવાર માટે ગોંડલથી રાજકોટ ખસેડાયા હતાં. જેમાં અનિલભાઇને ખાનગી હોસ્પિટલમાં અને સામેના પક્ષના ત્રણેયને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જો કે સારવાર દરમિયાન અનિલભાઇએ દમ તોડી દેતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો.
વધુ માહિતી મુજબ હત્યાનો ભોગ બનેલા અનિલભાઇ લુણશીયા કડીયા કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. તે બે ભાઇ અને બે બહેનમાં નાના હતાં. અન્ય ભાઇ, બહેનના નામ જશીબેન, મીનાબેન અને વિનોદભાઇ લુણશીયા છે. જેમાં મોટા ભાઇ વિનોદભાઇ લુણશીયા એડવોકેટ છે.
પરિવારજનોએ જણાવ્યું હતું કે અનિલભાઇને સંતાનમાં ૪ વર્ષનો દિકરો ક્રિયાંશ છે. તેમના પત્નિનું નામ નીરૂબેન છે. પિતા હયાત નથી, માતાનું નામ પ્રભાબેન છે. અનિલભાઇ સંક્રાંતિની સવારે પત્નિ, પુત્ર સાથે નજીકના વાછરડા રોડ પર રહેતાં સાસુ-સસરાના ઘરે ગયા હતાં. ત્યાંથી દસેક વાગ્યા બાદ પોતાના ઘરે આવ્યા હતાં અને બપોરે અગાસીએ પતંગ ચડાવવા ગયા ત્યારે પાડોશી સુનિલ મકવાણા સાથે પેચ કાપવા મામલે બોલાચાલી બાદ સુનિલ, તેના ભાઇ, પિતાએ ઇંટ, છરીથી હુમલો કર્યો હતો. જેના કારણે અનિલભાઇનું મોત થયું હતું.
વળતા હુમલામાં ઘાયલ સુનિલ, સાગર અને કાંતિભાઇને રાજકોટ દાખલ કરાયા હોઇ તેના પર પોલીસ પહેરો મુકી દેવાયો હતો. સાગરે કહ્યું હતું કે-મારા ભાઇ સુનિલે પાડોશી અનિલભાઇનો પેચ કાપી નાંખતા બંને વચ્ચે બોલાચાલી બાદ ગાળાગાળી થઇ હતી. સુનિલે ગાળો બોલવાની ના પાડતાં છરીથી હુમલો કરાયો હતો. બાદમાં એક બીજા પર હુમલો થયો હતો. ગોંડલ એ-ડિવીઝન પોલીસે સામ-સામી ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી. પતંગના પર્વમાં હત્યાની ઘટનાને પગલે ગોંડલમાં ચકચાર મચી ગઇ હતી. (૧૪.૯)
પોલીસે સામ-સામે ફરિયાદ દાખલ કરીઃ સાગરે અનિલભાઇની છરી ઝુંટવી તેને જ ઘા મારી દીધા
હત્યાનો ભોગ બનનારના ભાણેજ નીશાબેનની સોંદરવાની ફરિયાદ પરથી સુનિલ મકવાણા, સાગર મકવાણા અને બંનેના પિતા કાંતિભાઇ વિરૂધ્ધ ગુનોઃ સાગરની ફરિયાદ પરથી મૃતક અનિલભાઇ, તેના બહેન, ભાણેજ વિરૂધ્ધ ગુનો
રાજકોટઃ ગોંડલ સીટી પોલીસે હત્યાનો ભોગ બનનાર અનિલભાઇ લુણશીયાની ભાણેજ નીશાબેન વિનોદભાઇ સોંદરવા (ઉ.વ.૨૩)ની ફરિયાદ પરથી પાડોશી સુનિલ મકવાણા, તેના ભાઇ સાગર મકવાણા અને પિતા કાંતિભાઇ ઉકાભાઇ મકવાણા વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે.
તેણીએ જણાવ્યું હતું કે મારા મામા અનિલભાઇ તેમજ હું તથા મારા માતા મીનાબેન, નાની પ્રભાબેન સહિતના અગાસીએ પતંગ ઉડાવતાં હતાં. બારેક વાગ્યા પછી મામા અનિલભાઇને અમારા ઘરથી એક ઘર પછી રહેતાં સુનિલ મકવાણા સાથે પતંગ ઉડાડવા બાબતે બોલાચાલી થઇ હતી. આ પછી સુનિલના પિતા કાંતિભાઇએ ઇંટોના છુટા ઘા કર્યા હતાં. બાદમાં બધા નીચે ઉતરી ગયા હતાં અને શેરીમાં માથાકુટ થઇ હતી. જેમાં સુનિલ, તેના ભાઇ, પિતાએ મારા મામા અનિલભાઇ પર લાકડી, છરીથી હુમલો કર્યો હતો. મામાને છાતીમાં, પેટમાં, માથે ઇજાઓ થઇ હતી. તે ભાગવા જતાં થોડે આગળ જઇ પડી ગયા હતાં. હું વચ્ચે પડતાં મને પણ ઇજા પહોંચી હતી. મામાને ગોંડલ બાદ રાજકોટ સારવાર માટે ખસેડયા હતાં. અહિ તેમનું મોત થયું હતું.
સામા પક્ષે સાગર કાંતિભાઇ મકવાણા (ઉ.વ.૨૧)ની ફરિયાદ પરથી હત્યાનો ભોગ બનેલા અનિલભાઇ પુંજાભાઇ લુણશીયા, તેની ભાણેજ નીશાબેન અને બહેન મીનાબેન વિરૂધ્ધ ગુનો નોંધાયો છે. સાગરના કહેવા મુજબ હું, મારો ભાઇ સુનિલ, તેના પત્નિ સંધ્યાબેન, પુત્ર, હું, મારા પિતા સહિતના પતંગ ઉડાવતા હતાં. આ વખતે મારા ભાઇ સુનિલે પાડોશી અનિલભાઇની પતંગ સાથે પેચ લગાવી તેની પતંગ કાપી નાંખતા બંને વચ્ચે બોલચાલી અને ગાળાગળી થઇ હતી. એ પછી તેણે અમારી મેડી તરફ પથ્થરના ઘા કર્યા હતાં. મારા ભાભી સંધ્યાબેને આ લોકોને માથાકુટ કરવાની ના પાડી હતી. આ પછી બધા શેરીમાં ભેગા થઇ ગયા હતાં. ગાળગાળી બાદ અમારા પર અનિલભાઇ સહિતે છરીથી હુમલો કરતાં મને, મારા ભાઇને અને મારા પિતાને ઇજાઓ થઇ હતી. મને ગુસ્સો આવતાં અનિલભાઇ પાસે રહેલી છરી ઝુંટવીને તેને જ ઘા મારી દીધા હતાં. અનીલભાઇના બહેન મીનાબેનના હાથમાં લાકડાનું પાટીયુ હતું જે મને વાંસા, હાથમાં માર્યુ હતું. મારા પિતાને પણ પાટીયાથી ઇજા થઇ હતી. મને વધુ ગુસ્સો આવતાં મેં નજીકમાં પડેલી ઇંટ લઇ અનિલભાઇને માથામાં મારી દીધી હતી. મારામારીમાં મને, મારા ભાઇ સાગર અને પિતા કાંતિભાઇને ઇજાઓ થઇ હોઇ ગોંડલ સારવાર અપાવી રાજકોટ ખસેડાયા હતાં.
મારા ભાઇ સુનિલ મકવાણાએ અનિલભાઇ લુણશીયાની પતંગ સાથે પેચ લગાવી તેની પતંગ કાપી નાંખી હોઇ જેના કારણે આ માથાકુટ થઇ હતી. તેમ વધુમાં સાગરે જણાવ્યું હતું. પીઆઇ એલ. આર. ગોહિલ, એએસઆઇ બી. એચ. પરમારે બંને ફરિયાદો દાખલ કરી હતી. (૧૪.૧૦)
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
