News of Thursday, 15th January 2026
ટંકારા પાસે ૯૨ લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો
છતર જીઆઇડીસીના ગોડાઉનમાં ટંકારા પોલીસનો દરોડોઃ બે વાહન સહિત ૧.૧૭ લાખના મુદામાલ સાથે ત્રણની ધરપકડઃ પાંચના નામ ખુલ્યા

તસ્વીરમાં પકડાયેલ ત્રણેય શખ્સો (નીચે બેઠેલ) દારૂનો જથ્થો તથા પોલીસ સ્ટાફ નજરે પડે છે. (તસ્વીરઃ જયેશ ભટાસણા, ટંકારા)
(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા.૧૫: ટંકારા પોલીસે છતર જીઆઇડીસીના ગોડાઉનમાં દરોડો પાડી ૯૨ લાખના વિદેશી દારૂનો જથ્થા સહિત ૧.૧૭ લાખના મુદામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા જયારે પાંચ શખ્સોની શોધખોળ હાથધરી છે.
અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ મકરસંક્રાંતીના તહેવાર અનુસંધાને રાજકોટ રેન્જમાં ઇંગ્લીશ દારૂ, જુગારના કેશો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય. જે અન્વયે મુકેશ પટેલ પોલીસ અધિક્ષક મોરબી જીલ્લાના માર્ગદર્શન હેઠળ સમીર સારડા નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર, વાંકાનેર તથા કે.એમ.છાસીયા પોલીસ ઇન્સ્પેકટર તથા એસ.એન.સગારકા પો.સબ.ઇન્સ. ટંકારા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે નાઇટ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સર્વલન્સ સ્ટાફને મળેલ ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, છતર જી.આઇ.ડી.સી.માં આવેલ જલારામ પ્લાસ્ટીક નામના ગોડાઉનની બાજુમાં આવેલ નામ વગરનુ ગોડાઉન પ્રિન્સ વિરેન્દ્રભાઇ ઝાલરીયા રહે. મોરબી વાળાએ ભાડેથી રાખી તે ગોડાઉનમાં ચોરી છુપીથી અલગ અલગ વાહનોમાં પરપ્રાંતમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવી તેનો સંગ્રહ કરી ચોરીછુપીથી તેનુ વેચાણ કરે છે. અને હાલમાં તે ગોડાઉનમાં વાહનો, માણસોની શંકાસ્પદ પ્રવળતિ ચાલુ હોવાની હકિકત આધારે રેઇડ કરતા નામ વગરના ગોડાઉનમાં (૧) ટ્રક કન્ટેનર ટ્રેઇલર નંબર-આરજે-૦૧-જીબી-૫૦૧૯ (૨) બોલેરો પીકઅપ વાહન નંબર-જીજે-૩૬-વી-૩૪૦૧ તથા ગોડાઉનમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૪૯૫૬ કી.રૂ.૬૪,૪૨,૮૦૦/- તથા પ્લાસ્ટીકના ચપલા નંગ-૨૭,૬૦૦ કી.રૂ.૨૭,૬૦,૦૦૦/- અન્ય મુદામાલ મળી ફુલ કી.રૂ.૧,૧૭,૨૨,૮૦૦/- ના મુદામાલ સાથે ત્રણ ઇસમોને પકડી પાડી કુલ-૮ ઇસમો વિરૂધ્ધ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
ટંકારા પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે આરોપી (૧) કમલેશ સ/ઓ બાપુલાલ વડેરા રહે. જોલાવટ ગામ તા.કલીનજરા જી.બાસવાડા (રાજસ્થાન) (૨) જીતમલ સ/ઓ કાલીયા કટારા રહે. રતનપુરા નોગામા તા.બાગીદોરા જી.બાસવાડા (રાજસ્થાન) (૩) નાનીલાલ સ/ઓ વાલીયા સીંગાડા રહે. જાંબુડી ગામ તા.કલીનજરા જી.બાસવાડા (રાજસ્થાન)ને ઝડપી લીધા હતા જયારે (૧) કેહરારામ સ/ઓ હરખારામ રહે. સેવરો કા બાસ લુણાડા, બાડમેર (રાજસ્થાન) (૨) પ્રિન્સ વિરેન્દ્રભાઇ ઝાલરીયા રહે. મોરબી (૩) માણસુરભાઇ દેવદાનભાઇ ડાંગર રહે. મોરબી (૪) બોલેરો પીકઅપ વાહન નંબર-જીજે-૩૬-વી-૩૪૦૧ નો ચાલક રાજુરામ રહે. રાજસ્થાન (૫) ટ્રક ટ્રેઇલર નંબર-આરજે-૦૧-જીબી-૫૦૧૯ માં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી મોકલનારની પોલીસે શોધખોળ હાથધરી છે
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
