<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

ગોંડલના માંડણકુંડલા ગામ પાસે ‘હિટ એન્‍ડ રન' માં અજાણ્‍યા ટ્રેકટરે બાઇકને ઠોકર મારતા સગાભાઇનું મોત

પ્રૌઢ હટાણુ કરવા ગયા હતાઃ ખીસ્‍સામાંથી રૂા. ૧૯ હજાર ગાયબ

રાજકોટ તા. ૧૬ :.. ગોંડલના માંડણકુંડલા ગામ પાસે હિટ એન્‍ડ રનની ઘટનામાં અજાણ્‍યો ટ્રેકટરના ચાલકે બાઇકને ઠોકર મારતા માંડણકુંડલાના પ્રૌઢનું મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ માંડણકુંડલા ગામ પાસે જેન્‍તીભાઇની વાડીમાં રહેતા અને મૂળ એમપીના વતની સગાભાઇ ગોખરીયાભાઇ બારૈયા (ઉ.વ.પપ) ગઇકાલે પોતાનું મોટર સાયકલ લઇને હટાણુ કરવા માટે જતા હતાં. ત્‍યારે શ્રીનાથગઢ અને માંડણકુંડલા ગામ વચ્‍ચે અજાણ્‍યા ટ્રેકટરના ચાલકે પુરઝડપે આવી મોટર સાયકલને હડફેટે લેતા પ્રૌઢ ફંગોળાઇ જતા તેને માથા તથા શરીરે ઇજા થઇ હતી. અકસ્‍માત સર્જી ચાલક ટ્રેકટર લઇને નાસી ગયો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતાં. બાદ પ્રૌઢને સારવાર માટે રાજકોટની સીવીલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું. મૃતક ત્રણ ભાઇ અને ચાર બહેનમાં મોટા હતાં. પ્રૌઢના ખીસ્‍સામાં રૂા. ૧૯૯ર૦ રોકડા હતાં. તેને દાખલ કર્યા બાદ આ રકમ ગાયબ થઇ ગયા હોવાનો તેના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. એક પુત્ર અને ત્રણ પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે. આ બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

(1:14 PM IST)