<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

મોરબીઃ પોલીસવાન અકસ્‍માત મામલોઃ પોલીસકર્મીની ધરપકડની જગ્‍યાએ નોટિસ અપાઈ, બ્‍લડ સેમ્‍પલ લેવાયું

એકાદ મહિનાની અંદર એફએસએલમાંથી રિપોર્ટ આવશે ત્‍યારબાદ માલુમ પડશે નશો કર્યો હતો કે નહીઃ ઉપરી કક્ષાએથી શિક્ષાત્‍મક પગલાં પણ લેવા હવે રિપોર્ટ કરાશે

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૧૬:  ગત સોમવારે રાત્રીના મોરબીના ધરમપુર રોડ ઉપર પોલીસવાન લઈને જતા અજયભાઈ લાવડીયા નામના પોલીસકર્મીએ રીક્ષા સહિતના વાહનોને હડફેટે લઈ અકસ્‍માત સર્જ્‍યો હતા. આ પોલીસ કર્મી નશાની હાલતમાં હોવાનું ત્‍યાં એકત્ર થયેલા લોકોએ જણાવ્‍યું હતું. આ અકસ્‍માત મામલે રિક્ષાચાલક જગદીશભાઈ બાબુભાઈ અગેચણીયાએ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે માત્ર અકસ્‍માતનો ગુનો નોંધ્‍યો હતો.

આ બનાવની તપાસ તાલુકા પીઆઈ ચારેલને સોંપવામાં આવી છે. તેઓએ જણાવ્‍યું કે ૧૧૨ વાનના ચાલકને નોટિસ આપી છે. ૩ વર્ષથી ઓછી સજામાં અટકાયતની બદલે નોટિસ આપવાની હોય છે. વધુમાં તેઓએ જણાવ્‍યું કેબ્‍લડ સેમ્‍પલ લેવાય ગયું છે. એફએસએલમાં મોકલ્‍યું છે. અંદાજે ૧૫ દિવસથી ૧ મહિનામાં રિપોર્ટ આવતો હોય છે. ત્‍યારબાદ માલુમ પડશે કે નશો કર્યો હતો કે નહીં. વધુમાં તેઓએ ઉમેર્યું કે અમે રિપોર્ટ ઉપરી કક્ષાએ આપીશું. જ્‍યાંથી શિક્ષાત્‍મક કાર્યવાહી થશે.

આ સાથે  આ કેસમાં કાર્યવાહીથી અમુક સવાલો પણ ઉઠી રહ્યાં છે. જેમાં પોલીસવાન બેફિકરાઈથી ચલાવી અકસ્‍માતો સર્જનાર પોલીસ કર્મી સામે આટલા ગંભીર બનાવમાં અટકાયતના પગલાંની જગ્‍યાએ માત્ર નોટિસ જ કેમ અપાઈ? ઉપરાંત સામાન્‍ય વ્‍યક્‍તિ પીધેલી હાલતમાં પકડાઈ તો સિવિલમાં બ્‍લડ સેમ્‍પલ લઈ તેના રિપોર્ટના આધારે પ્રોહીબ્રિશનનો ગુનાહો નોંધાય છે તો આ કેસમાં કેમ બ્‍લડ સેમ્‍પલ એફએસસેલમાં મોકલવામાં આવ્‍યા ? તેમજ સામાન્‍ય બનાવમાં પણ પ્રસ કોન્‍ફરન્‍સ કરી વિગતો જાહેર કરતી પોલીસે આવા ગંભીર બનાવમાં કેમ કોઈ વિગતો જાહેર ન કરી ? આવા સવાલો સાથે લોકોમાં ચર્ચા ઉઠીયો છે શું આ કેસમાં તટસ્‍થ કાર્યવાહી થશે કે કેમ?

(11:40 AM IST)