<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

રાઘવજીભાઈ સહિતનાને સોશ્‍યલ મિડીયામાં બદનામ કરનાર વિશાલ કણસાગરાની પૂછપરછ

પૂર્વ કળષિ મંત્રી, બિલ્‍ડરોને બદનામ કરવા બદલ સાયબર પોલીસે કાર્યવાહી કરી

 

 

જામનગર-ધ્રોલ, તા.૧૭: જામનગર સાયબર પોલીસે પૂર્વ કળષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને અગ્રણી બિલ્‍ડરોને સોશિયલ મીડિયા પર બદનામ કરવાના કેસના મુખ્‍ય સૂત્રધાર વિશાલ કણસાગરાની ધરપકડ કરી છે. વિશાલ કણસાગરા નેપાળથી આ નેટવર્ક ચલાવતો હતો અને ભારતમાં આવ્‍યા બાદ ઝડપાઈ ગયો હતો. તેને આઠ દિવસના રિમાન્‍ડ પર લેવામાં આવ્‍યો છે.

આ કેસમાં જામનગરના બિલ્‍ડર જમનભાઈ ફળદુ અને તેમના પુત્રને સોશિયલ મીડિયા પર બદનામ કરવા બદલ બે આઈડી ધારકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

ત્‍યારબાદ, પૂર્વ કળષિ મંત્રી અને જામનગર ગ્રામ્‍યના ધારાસભ્‍ય રાઘવજીભાઈ પટેલે પણ ફેસબુક અને ઇન્‍સ્‍ટાગ્રામ આઈડી દ્વારા બદનામ કરવા બદલ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આ ઉપરાંત, જામનગરના અન્‍ય એક બિલ્‍ડર સ્‍મિત પરમારે પણ વિશાલ કણસાગરા નામની આઈડીના ધારક સામે ખંડણી માંગવા અને સોશિયલ મીડિયા પર બદનામ કરવા અંગે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ કેસમાં અગાઉ સાયબર ક્રાઈમ પોલીસે હેમતલાલ કણસાગરા અને પરસોત્તમ પરમાર નામના બે આરોપીઓની ધરપકડ કરી હતી. તેમને રિમાન્‍ડ પર લીધા બાદ હાલ જેલ હવાલે કરવામાં આવ્‍યા છે. આ પ્રકરણનો મુખ્‍ય સૂત્રધાર વિશાલ કણસાગરા, જે હેમતલાલ કણસાગરાનો પુત્ર છે, તે ફરાર હતો. પોલીસને માહિતી મળી હતી કે તે જ સોશિયલ મીડિયા પર પોસ્‍ટ મૂકી રહ્યો છે.

વિશાલ કણસાગરા તેના પિતા હેમતલાલ કણસાગરાને જામીન પર છોડાવવા માટે નેપાળથી ભારત આવ્‍યો હતો. તે નેપાળમાં રહીને સોશિયલ મીડિયા દ્વારા બિલ્‍ડરોને બદનામ કરીને પૈસા પડાવતો હતો. જામનગર પહોંચતા જ સાયબર પોલીસે તેનું લોકેશન શોધીને તેને ઝડપી લીધો હતો અને અદાલત સમક્ષ રજૂ કરી આઠ દિવસના રિમાન્‍ડ મેળવ્‍યા હતા.

પોલીસે વિશાલ કણસાગરાનો મોબાઈલ ફોન કબજે કર્યો છે. જોકે, તેણે તમામ પોસ્‍ટ ડિલીટ કરી નાખી હતી. સાયબર સેલની ટીમે તમામ ડેટા રિકવર કરવામાં સફળતા મેળવી છે. તે જે આઈડી દ્વારા લોકોને બદનામ કરવાનું ષડયંત્ર ચલાવતો હતો, તે સંબંધિત ડેટા પણ કબજે કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આ પ્રકરણમાં અન્‍ય કોઈ વ્‍યક્‍તિઓ સામેલ છે કે કેમ, તે અંગેની વધુ તપાસ ચાલુ છે. (મુકુંદ બદિયાણી, સંજય ડાંગર, કિંજલ કારસરીયા-જામનગર-ધ્રોલ)

(10:48 AM IST)