News of Saturday, 17th January 2026
ઉના દેલવાડા-જુનાગઢની હેરીટેજ મીટર ગેજ ટ્રેન રદ કરાતા રોષઃ રેલ રોકો આંદોલનની ચીમકી
રેલ્વે સ્ટેશન સામે વિરોધ પ્રદર્શનઃ આવેદનપત્ર પાઠવ્યું: બ્રોડગ્રેજની વાત એક બાજુએ મીટર ગેજની સીધી ટ્રેન કેન્સલ કરીને અન્યાય

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૧૭ :.. મીટર ગેજ હેરીટેજ દેલવાડા-જુનાગઢથી સીધી ટ્રેન રદ કરવામાં આવતા આ ટ્રેન પુનઃ શરૂ કરવાની માગણી આગેવાનોએ કરીને ધ્યાન નહીં અપાય તો રેલ રોકો આંદોલનની ચીમકી આપતું આવેદન રેલ્વે સ્ટેશન મેનેજરને આપ્યું છે.
ઉના તાલુકાના દેલવાડા થી રાજાશાહી વખત થી ચાલતી મીટર ગેજ ટ્રેન ના ટાઈમ માં અણઘડત ફેરફાર કરી જૂનાગઢ ની ડાયરેક્ટ ટ્રેન રદ કરવાનો તેમજ દેલવાડા વેરાવળ ટ્રેન નો સમય સવારે ૮ કલાક ના બદલે બપોરે ૧ વાગ્યા નું કરવાનું પરિપત્ર રોજ રજૂ થતાં દેલવાડા રેલવે સ્ટેશન ખાતે આગેવાનો દ્વારા વિરોધ કરાયો છે.
આ બે મુખ્ય ટ્રેનો જેમાંથી પ્રથમ દેલવાડા વેરાવળ ટ્રેન નં.૫૨૯૫૦ નો ટાઈમ સવાર ના ૮ કલાક ના બદલે બપોરે ૧ વાગ્યા નું કરવામાં આવેલ છે. તેમજ બીજી ટ્રેન દેલવાડા જૂનાગઢ ટ્રેન નં.૫૨૯૫૧ જે વર્ષો થી ડાયરેક્ટ જુનાગઢ સુધી ચાલતી હતી તે ટ્રેન ને દેલવાડા થી રદ કરી તાલાલા વેરાવળ જુનાગઢ ક્રોસિંગ આપી ને રેલવે તંત્રએ અણઘડત નિર્ણય કરેલ છે.
ઉના તાલુકા દેલવાડા સહિત આસપાસ ના ૨૫ થી વધુ ગામોના યાત્રિકો અને જિલ્લા મથક વેરાવળ ખાતે સવારે સરકારી કામો માટે જતા લોકો અને આવા મોંઘવારી ના દિવસો માં બસ મારફતે વેરાવળ જવું હોય તો રૂપિયા ૧૩૫ થી ૧૬૦ ખર્ચી ને હોસ્પિટલમાં જતા ગરીબ મધ્યમ વર્ગના દર્દીઓને ખુબજ અગવડતા અને મુશ્કેલીઓ ઊભી થશે.
ઉના ગીર ગઢડા ખાતે અભ્યાસ અર્થે જતા વિધાર્થીઓ કે જે સવાર ની ટ્રેન માં જઈ ત્યાંથી રિટર્ન સાંજ ની ટ્રેન માં પરત ફરતા હતા તેઓને પણ અભ્યાસ કરવા જવા માટે જવું હેરાનગતિ થશે તેવું સાફ દેખાઈ રહ્યું છે.
દેલવાડાની વિવિધ સંસ્થા જેમ કે ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખની સાથે વેપારી મંડળ, દેલવાડા મુસ્લિમ સમાજ ના પ્રમુખ - ઉપપ્રમુખ ની સાથે આગેવાનો, ઉના તાલુકા પંચાયત ના સદસ્ય દેવશીભાઈ મકવાણા, પૂર્વ પ્રદેશ યુવા મંત્રી વિજયભાઈ બાંભણિયા તેમજ દેલવાડા ગ્રામ પંચાયતે રેલવે મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવને સૂચિત દેલવાડા રેલવે સ્ટેશન માસ્તર ને લેખિત આવેદન પત્ર આપી વિરોધ નોંધાયેલ જેમાં જણાવ્યા મુજબ જો આ બંને ટ્રેનો ને રાબેતામુજબ ચલાવવામાં નહીં આવે તો નવા પરિપત્ર મુજબ પ્રથમ રવાના થતી દેલવાડા વેરાવળ ટ્રેન ને દેલવાડા સહિત આસપાસ ના યાત્રીઓ રેલ રોકો આંદોલન કરશે તેવી ગંભીર ચીમકી આવેદનમાં ઉચ્ચારવામાં આવેલ છે.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
