<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th January 2026

બગદાણા નવનીત બાલધીયા કેસઃ SITએ બંને PIની 9 કલાક સુધી પૂછપરછ કરી

ડી.વી. ડાંગર અને કે.એચ. પટેલ રેન્‍જ આઇજી ઓફીસ ખાતે હાજર થતા વિસ્‍તૃત પ્રશ્‍નો પુછાયા

ભાવનગરઃ બગદાણા નવનીત બાલધીયા કેસમાં તપાસ વધુ તેજ બનતી નજરે પડી રહી છે. કેસની ગંભીરતા ધ્યાને લઈ રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા બંને  PIની 9 કલાક સુધી તપાસ કરવામાં આવી. SITના સમન્સ અનુસાર પીઆઈ ડી.વી. ડાંગર અને પીઆઈ કે.એચ. પટેલ રેન્જ આઈજી કચેરી ખાતે હાજર રહ્યા હતા, જ્યાં તેમની સતત લગભગ 9 કલાક સુધી વિસ્તૃત પૂછપરછ કરવામાં આવી હતી.

ફરિયાદીના આક્ષેપ મુજબ બંને પીઆઈએ આરોપીને છાવરવા અને કેસને નબળો પાડવાનો પ્રયાસ કર્યો હોવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. આ આક્ષેપોને ધ્યાનમાં રાખી SIT દ્વારા સમગ્ર ઘટનાક્રમ અંગે બંને અધિકારીઓ પાસે ઝીણવટભરી માહિતી લેવામાં આવી હતી. કેસની શરૂઆતથી લઈને તપાસ દરમિયાન લેવામાં આવેલા નિર્ણયો, આરોપી સામે કરેલી કાર્યવાહી અને પુરાવાઓ અંગે વિગતવાર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

SIT દ્વારા બંને પીઆઈના લેખિત તેમજ મૌખિક નિવેદનો નોંધવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન તપાસમાં થયેલી ખામીઓ અને વિલંબ અંગે પણ સ્પષ્ટતા માંગવામાં આવી હતી. SIT હવે આ નિવેદનો અને ઉપલબ્ધ પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેશે. ઉલ્લેખનીય છે કે બગદાણા નવનીત બાલધીયા કેસને લઈને શરૂઆતથી જ વિવાદ સર્જાયો હતો અને ન્યાયની માંગ સાથે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. 

(12:46 PM IST)