<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th January 2026

કચ્છના રાપરના કીડીયાનગર પાસે માલગાડી પાટા પરથી ઉતર્યા, અનેક ટ્રેનો રદ અને ડાયવર્ટઃ રેલ્‍વે વિભાગની યુધ્‍ધના ધોરણે કાર્યવાહી

અનેક ટ્રેનો રદ અને ડાયવર્ટઃ રેલ્‍વે વિભાગની યુધ્‍ધના ધોરણે કાર્યવાહી

ભૂજઃ રણપ્રદેશ ગણાતા કચ્છ જિલ્લાના રાપર તાલુકામાંથી પસાર થતી માલગાડી સાથે મોટી દુર્ઘટના સર્જાઈ છે. રાપરના કીડીયાનગર પાસે એક માલગાડીના બે વેગન અચાનક પાટા પરથી નીચે ઉતરી જતાં અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતને કારણે પાલનપુર-સામખિયાળી રેલવે સેક્શનનો ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે, જેનાથી હજારો મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

 

મળતી માહિતી મુજબ, માલગાડી જ્યારે કીડીયાનગર પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક તેના બે ડબ્બા (વેગન) પાટા પરથી ઉતરી ગયા હતા. સદનસીબે આ માલગાડી હોવાથી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ રેલવેના પાટા અને ઓવરહેડ લાઈનને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતા જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને ટેકનિકલ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ છે.

 

આ અકસ્માત પાલનપુર-સામખિયાળી મેઈન લાઈન પર થયો હોવાથી રેલવે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ટ્રેનોના શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યા છે:

ગાંધીધામ–પાલનપુર–ગાંધીધામ (ટ્રેન નંબર 19406/19405) સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. બાંદ્રા ટર્મિનસ–ભુજ (12959) અને દિલ્હી સરાઈ રોહિલ્લા–ભુજ (20984) ટ્રેનને ભીલડી–મહેસાણા–વિરમગામ થઈને ડાયવર્ટ કરવામાં આવી છે.  ભગત કી કોઠી–ગાંધીધામ (22483) ટ્રેનને ભીલડી સ્ટેશન સુધી જ દોડાવવાનો નિર્ણય લેવાયો છે.

રેલવે તંત્ર દ્વારા ખોરવાયેલા વ્યવહારને ફરીથી પૂર્વવત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ક્રેન અને અન્ય આધુનિક મશીનરી દ્વારા પાટા પરથી ઉતરેલા વેગનને હટાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. રેલવે વિભાગના જણાવ્યા અનુસાર, ટૂંક સમયમાં જ આ રૂટ પર ટ્રેનોની અવરજવર સામાન્ય થઈ જશે.

(3:35 PM IST)