News of Monday, 19th January 2026
ગોંડલનાં નવાગામમાં રૂા.૬૦ લાખનાં વિકાસ કાર્યોનું ડો.મનસુખભાઇ માંડવીયાના હસ્તે લોકાર્પણ તથા ખાતમુહૂર્ત

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૯: ગોંડલ તાલુકાના નવાગામ ખાતે વિકાસને નવી ગતિ મળી છે. પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં ગામમાં અંદાજે ૬૦ લાખ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગામમાં સુવિધાઓ વધારવાના હેતુથી અવેડો, પેવર બ્લોક રોડ, ભૂગર્ભ ગટર તેમજ ચેકડેમ જેવા મહત્વપૂર્ણ વિકાસ કામો હાથ ધરવામાં આવ્યા છે, જેનાથી ગ્રામજનોને દૈનિક જીવનમાં મોટી રાહત મળશે.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે માત્ર રોડ, પાણી અને લાઈટ આપવી એ જ વિકાસ નથી, પરંતુ ખેડૂતો અને વેપારીઓને શાંતિ અને સલામતીનો અહેસાસ કરાવવો એ સાચો વિકાસ છે. સુરક્ષિત વાતાવરણના કારણે આજના સમયમાં જમીનના ભાવ વધ્યા છે અને ઉદ્યોગો પણ વિસ્તાર તરફ આકર્ષાઈ રહ્યા છે.
કાર્યક્રમ દરમિયાન તાલુકા પંચાયત પ્રતિનિધિ ભરત ઢોલરીયાએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં નવાગામમાં વિવિધ યોજનાઓ અંતર્ગત કુલ એક કરોડ એકાવન લાખથી વધુ રૂપિયાના વિકાસ કામો કરવામાં આવ્યા છે. સાથે જ, બંધ થયેલા રેશનીંગ કાર્ડ ફરી શરૂ કરવામાં આવતા જનતાને મોટી રાહત મળી છે.
કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, જિલ્લા ઉપાધ્યક્ષ પ્રફુલભાઈ ટોણીયા, SDM રાહુલ ગમારા, TDO મિલન ઉકાવાલા, સરપંચ હસાબેન કાકડીયા સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
