<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

ધ્રોલમાં ર૭ લાખની ચોરી કરનારા ૩ ઝડપાયા

જામનગર એલસીબી ટીમે ‘‘તુલજાભવાની જવેલર્સ''માં થયેલ ચોરીનો ભેદ ઉકેલી નાખ્‍યો

જામનગર LCBએ ધ્રોલની ‘તુલજાભવાની જવેલર્સ'માં થયેલી મોટી ચોરીનો ભેદ ઉકેલી નાખ્‍યો છે. ગત ૧૪ જાન્‍યુઆરીએ દુકાનની પાછળની દીવાલમાં બાકોરું પાડી ૧૭૫ ગ્રામ સોનું અને ૧૧ કિલો ચાંદીની ચોરી થઈ હતી. પોલીસે બાતમીના આધારે મૂળ દાહોદના અને જોડીયામાં મજૂરી કરતા ત્રણ શખ્‍સો (હિમત, શૈલેષ અને ટીનુ મહેડા)ને રૂ. ૨૭.૯૬ લાખના મુદ્દામાલ, બાઈક અને મોબાઈલ સાથે ઝડપી પાડયા (તસ્‍વીર અહેવાલઃ સંજય ડાંગર(ધ્રોલ) મુંકુંદ બદિયાણી(જામનગર)

 ધ્રોલ-જામનગર : તા.૧૯, જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાં ગત મકરસંક્રાંતિની રાત્રે થયેલી મોટી ચોરીનો ભેદ ઉકેલવામાં લોકલ ક્રાઇમ બ્રાન્‍ચ (LCB) ને મોટી સફળતા મળી છે. ‘તુલજાભવાની જેવેલસ' નામની પેઢીને નિશાન બનાવી દીવાલમાં બાકોરું પાડી લાખોની મતા ચોરી જનાર મૂળ દાહોદના અને હાલ જોડિયા-પડધરી પંથકમાં ખેતમજૂરી કરતા ત્રણ શખ્‍સોને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.

આ ઘટનાની વિગત મુજબ, મૂળ હડીયાણા ગામના વતની પ્રકાશભાઇ હેમતલાલ સોનીની ધ્રોલ નગરપાલિકા સામે ‘તુલજાભવાની ઝવેલર્સ' નામની દુકાન આવેલી છે. ગત તા. ૧૪/૦૧/૨૦૨૬ ના રોજ રાત્રિના સમયે કોઈ અજાણ્‍યા તસ્‍કરોએ દુકાનની પાછળની દીવાલમાં લોખંડના સાધનો વડે બાકોરું પાડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્‍કરોએ દુકાનમાંથી સોનું અને ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.

આ ગંભીર ગુનાનો ભેદ ઉકેલવા રાજકોટ વિભાગના આઈ.જી. અશોકકુમાર તથા જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા એલ.સી.બી.ને સૂચના આપવામાં આવી હતી. એલ.સી.બી. પી.આઈ. વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમો ટેકનિકલ સેલ અને હ્યુમન રિસોર્સના ઉપયોગ દ્વારા તપાસ કરી રહી હતી. દરમિયાન એલ.સી.બી. સ્‍ટાફના દિલીપભાઇ તલાવડીયા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, કાસમભાઇ બ્‍લોચ, યુવરાજસિંહ ઝાલા, મયુરસિંહ પરમાર અને રૂષિરાજસિંહ વાળાને બાતમી મળી હતી કે આ ચોરીમાં ખેતમજૂરોની સંડોવણી છે અને તેઓ ચોરીના દાગીના સાથે મોટર સાયકલ પર જોડિયાથી ધ્રોલ તરફ આવી રહ્યા છે.

બાતમીના આધારે પોલીસે ધ્રોલના ચામુંડા પ્‍લોટ, પાણીના ટાંકા પાસે વોચ ગોઠવી હતી અને શંકાસ્‍પદ બાઈક સવારોને આંતર્યા હતા. પોલીસે હિમતભાઇ પાંગળાભાઇ મહેડા (રહે. કેશીયા, તા. જોડિયા), શૈલેષભાઇ નવલસીંગ મહેડા (રહે. લખતર, તા. જોડિયા) અને ટીનુભાઈ પાંગળાભાઈ મહેડા (રહે. રંગપુર, તા. પડધરી) ની ધરપકડ કરી હતી. આ ત્રણેય આરોપીઓ મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના મોટીમલુ ગામના વતની છે.

પોલીસે આરોપીઓ પાસેથી ૧૭૫ ગ્રામ સોનાના દાગીના (કિં. રૂ. ૧૭.૫૦ લાખ), ૧૧ કિલો ચાંદીના દાગીના (કિં. રૂ. ૯.૪૬ લાખ), ૪ મોબાઈલ ફોન, ૨ મોટર સાયકલ અને ચોરીમાં વપરાયેલ લોખંડનો સળિયો મળી કુલ રૂ. ૨૭,૯૬,૧૦૦/- નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

આ સફળ કામગીરી એલ.સી.બી.ના પી.આઈ. વી.એમ. લગારીયા, પી.એસ.આઈ. સી.એમ. કાંટેલીયા, એમ.વી. ભાટીયા તથા દિલીપભાઇ તલવાડીયા, હરપાલસિંહ સોઢા,ભરતભાઇ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર હિરેનભાઈ વરણવા,હિતેન્‍દ્રસિંહ જાડેજા, કાસમભાઇ બ્‍લોચ,યુવરાજસિંહ ઝાલા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ધનશ્‍યામભાઈ ડેરવાળીયા, ક્રિપાલસિંહ જાડેજા, મયુરસિંહ પરમાર, રૂષીરાજસિંહ વાળા, ધમેન્‍દ્રસિંહ એમ.જાડેજા,ભરતભાઇ ડાંગર, નિર્મળસિંહ જાડેજા,ધર્મેન્‍દ્રસિંહ એન જાડેજા, સુમીતભાઈ શીયાર, ભયપાલસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, અજયભાઇ વિરડા, બળવંતસિંહ પરમાર, દયારામ ત્રિવેદી, બીજલભાઈ બાલાસરા સુરેશભાઈ માલકિયા, ભારતીબેન ડાંગરે કરી હતી.

(1:47 PM IST)