<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

ધ્રોલના મોટા ઈટાળામાં તસ્‍કરોનો તરખાટઃ એક જ રાતમાં ત્રણ મંદિરોમાં હાથફેરો કરી ૩૮ હજારની મતા ચોરી અજાણ્‍યા શખ્‍સો ફરારઃ સીસીટીવી કેમેરામાં કેદ

 

(સંજય ડાંગર દ્વારા) તા, ૧૯: ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા ગામે તસ્‍કરોએ તરખાટ એક જ રાતમાં ગામના ત્રણ અલગ-અલગ મંદિરોમાં તાળા તોડી અંદાજે ૩૮ હજાર રૂપિયાની કિંમતના ચાંદીના છતર અને છરીની ચોરી કરી તસ્‍કરો પલાયન થઈ ગયા છે. આ બનાવ અંગે ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બનાવની વિગત મુજબ ગત ૦૯/૦૧/૨૦૨૬ ના રાત્રિના એકાદ વાગ્‍યાથી વહેલી સવારના છ વાગ્‍યાના સમયગાળા દરમિયાન મોટા ઈટાળા ગામે કોઈ અજાણ્‍યા ચોર ઈસમો ત્રાટકયા હતા. તસ્‍કરોએ ગામમાં આવેલ મેલડી માતાજીના મંદિરના દરવાજા તોડી મંદિરમાં પ્રવેશ કર્યો હતો અને ત્‍યાંથી ચાંદીના બે છતર જેની કિંમત આશરે રૂ.૩૦૦૦ તથા બે ચાંદીની નાની છરી જેની કિંમત આશરે રૂ. ૩૨,૦૦૦ ની ચોરી કરી હતી. તસ્‍કરો આટલેથી જ ન અટકતા બાજુમાં આવેલ રામ મંદિરનું તાળું તોડી ત્‍યાંથી રૂ.૧૫૦૦ની કિંમતનું એક ચાંદીનું છતર અને સુરાપુરા દાદાના મંદિરમાંથી પણ રૂ. ૧૫૦૦ની કિંમતનું એક ચાંદીનું છતર ચોરી કરી ગયા હતા. આમ, ત્રણેય મંદિરોમાંથી કુલ રૂ. ૩૮,૦૦૦ ના ચાંદીના દાગીનાઓની ચોરી થઈ હતી.

આ બનાવ અંગે મોટા ઈટાળા ગામના વિજયભાઇ બાબુભાઇ ભંડેરીએ ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે અજાણ્‍યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ધ્રોલ પોલીસ સ્‍ટેશનના હેડ કોન્‍સ્‍ટેબલ ડી.પી. વઘોરા અને આર.ડી. જાડેજાએ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

(1:55 PM IST)