<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

​'ટીબી મુક્ત ભારત અભિયાન' : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ભોજાબેડી ખાતે ટીબી અંગે જાગૃતિ શિબિર યોજાઈ;ગામના સરપંચ અને ઉપસરપંચ ‘નિક્ષય મિત્ર’ બન્યા

શિબિરમાં ​ભોજાબેડીના ગ્રામજનોને ટીબી રોગના ફેલાવા, લક્ષણો, નિદાન અને સરકારની વિવિધ સહાય યોજનાઓ અંગે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૯ :  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘ટીબી મુક્ત ભારત’ અભિયાનને વેગ આપવા માટે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શેઠવડાલા અંતર્ગત ભોજાબેડી ગામ ખાતે ટીબી જાગૃતિ અંગે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ગ્રામજનોને ટીબી રોગના ફેલાવા, લક્ષણો, નિદાન અને સરકારની વિવિધ સહાય યોજનાઓ અંગે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગામના સરપંચ પુંજાભાઈ વારસકીયા અને ઉપસરપંચ પુંજાભાઈ સરસીયાએ ટીબીના દર્દીઓને માનસિક અને સામાજિક ટેકો પૂરો પાડવા માટે ‘નિક્ષય મિત્ર’ તરીકે જોડાઈને સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

​મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપર પ્રસાદ, જિલ્લા ક્ષય અધિકારી ડો.પંકજકુમાર સિંઘ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. અલ્તાફ વસનાણીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ શિબિરમાં  બહોળી સંખ્યામાં ગ્રામજનો સહભાગી થયા હતા. મેડિકલ ઓફિસર ડો. પાર્થ મકાતી, જિલ્લા પી.પી.એમ. કોર્ડિનેટર ચિરાગ પરમાર, ટીબી સુપરવાઈઝર પ્રવીણભાઈ ચાવડા અને સી.એચ.ઓ. પ્રદીપભાઈ સાગઠીયાએ ઉપસ્થિત રહીને સરકાર દ્વારા અપાતી ‘નિ-ક્ષય પોષણ યોજના’ અને સારવારની પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે ટીબીની સારવાર ૬ મહિના કે તેથી વધુ સમય ચાલે છે, જે દરમિયાન દર્દીને પરિવાર અને સમાજના સહકારની (સાયકોલોજીકલ સપોર્ટ) ખાસ જરૂર હોય છે. આ જરૂરિયાતને સમજીને ગામના બંને મોભીઓએ નિક્ષય મિત્ર તરીકે જવાબદારી સ્વીકારી અન્ય લોકો માટે પ્રેરણા પૂરી પાડી હતી.

 

(2:40 PM IST)