જામનગર જિલ્લા પંચાયત ખાતે જામનગર જિલ્લાની મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત PC & PNDT એક્ટ–1994 અંગે જાગૃતિ સેમિનાર યોજાયો
તમામ મેડિકલ ઓફિસરોને દીકરીના અસ્તિત્વને બચાવવાનો સંકલ્પ મજબૂત કરવા તથા લિંગ સમાનતાનો સંદેશ ફેલાવવાની અપીલ : કાયદાકીય સુધારા અને તેની અમલવારી અંગે વિગતવાર માહિતી અપાઈ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૯ : જામનગર જિલ્લાની મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમોના ભાગરૂપે PC & PNDT એક્ટ–1994 અંગે જાગૃતિ સેમિનારનું આયોજન જિલ્લા પંચાયત જામનગર ખાતે શ્રી એ.એમ. શુક્લ (સચિવ – એડિશનલ સિવિલ જજ અને એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ), જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જામનગરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
તેઓએ ઉપસ્થિત તમામ મેડિકલ ઓફિસરોને દીકરીના અસ્તિત્વને બચાવવાનો સંકલ્પ મજબૂત કરવા તથા લિંગ સમાનતાનો સંદેશ ફેલાવવાની અપીલ કરી હતી. સાથે જ PC & PNDT એક્ટ–1994 હેઠળ કરવામાં આવેલા કાયદાકીય સુધારા અને તેની અમલવારી અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.કાર્યક્રમમાં મેડિકલ ઓફિસરોને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ડો. શ્રીનૂપુર પ્રસાદ (CDHO), ડો. શ્રી પંકજકુમાર સિંઘ (DTO), ડો. શ્રી રાજેશ ગુપ્તા (ADHO), ડો. શ્રી જયેશ પટેલ (EMO), શ્રી નીરજ મોદી (DIECO), શ્રી યજ્ઞેશ ખારેચા (DPC), તમામ મેડિકલ ઓફિસરો, શ્રી બંસી ખોડિયાર (DMC, DHEW), OSC સ્ટાફ વગેરે હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે PC & PNDT એક્ટ–1994નો મુખ્ય ઉદ્દેશ લિંગ પસંદગી આધારિત ગર્ભપાતને રોકવો તથા ગર્ભમાં જ દીકરીની હત્યા થતી અટકાવવાનો છે. ટેકનોલોજીનો ઉપયોગ માનવ કલ્યાણ માટે થવો જોઈએ અને જ્યારે તેનો દુરુપયોગ સમાજ માટે ઘાતક બને, ત્યારે આવા કડક કાયદાઓ જરૂરી બની જાય છે—આ એક્ટ એ દિશામાં એક મજબૂત પગલું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
