<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ : રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા અને હેમંતભાઈ ખવા દ્વારા રજૂ કરાયેલા લોકપ્રશ્નોની આયોજનબદ્ધ કામગીરી કરવા સૂચના

જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલ લોકપ્રશ્નોનો સમયમર્યાદામાં સકારાત્મક ઉકેલ લાવવા કલેક્ટરશ્રીની અધિકારીઓને સૂચના : ​વિવિધ વિભાગોના પડતર પ્રશ્નો અને વિકાસલક્ષી કામો અંગે ધારાસભ્યો સાથે વિસ્તૃત ચર્ચા

​(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.19 :  જામનગર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા અને હેમંતભાઈ ખવા દ્વારા રજૂ કરાયેલા લોકપ્રશ્નો અને રજૂઆતોને ગંભીરતાથી ધ્યાને લઈ કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને આયોજનબદ્ધ કામગીરી કરવા સૂચના આપી હતી. બેઠકમાં ધારાસભ્યોના અગાઉના પડતર પ્રશ્નો ઉપરાંત વિવિધ વિભાગોને લગતા નવા પ્રશ્નો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે આરોગ્ય કેન્દ્ર તથા આંગણવાડીના કામો, સનદના પ્રશ્નો, કોઝવે અને નવા પુલ બનાવવા, ઘરથાળના પ્લોટ ફાળવવા, અન્ડર ગ્રાઉન્ડ બ્રિજ નીચે રસ્તો ખુલ્લો કરવા, પી.એચ.સી. સેન્ટરમાં એમ્બ્યુલન્સ ફાળવણી સહિતના પ્રશ્નો અંગે ચર્ચા થઈ હતી.

​વિશેષમાં, ખેડૂતો અને ગ્રામ્ય પ્રજાને સ્પર્શતા વીજ પ્રશ્નો જેવા કે ગામતળથી દૂર વિજ લાઇન નાખવી, ટી.સી. બદલવા, નવા સબ સ્ટેશન બનાવવા,  પવનચક્કી તથા વીજ લાઇનના પ્રશ્નો, વીજ પાવર નિયમિત કરવો અને ઔદ્યોગિક ઝોન તથા જે.જી.વાય. ફીડર અલગ કરવા બાબતે વિસ્તૃત સમીક્ષા કરાઈ હતી. જમીન સંપાદનનું વળતર, ગૌચર અને સરકારી ખરાબામાંથી દબાણો દૂર કરવા, ફોરેસ્ટ જમીન માપણી, પ્રોપર્ટી કાર્ડ અને પ્રમોલગેશન બાદની ક્ષતિઓ સુધારવા જેવી મહેસૂલી બાબતો પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

​આ ઉપરાંત બેઠકમાં પીવાના પાણીની નવી પાઇપલાઇન નાખવી, ચેકડેમ અને કેનાલના ગેઇટનું રિપેરિંગ અને જાડા (JADA) હેઠળના નવા ગામોમાં વિકાસ કામો તથા ટી.પી. સ્કીમના પ્લોટની હરાજી જેવા મુદ્દાઓ અંગે ચર્ચા કરાઈ હતી.

કલેક્ટરશ્રીએ સંકલન સમિતિના સભ્યોને સૂચના આપતા જણાવ્યું હતું કે જનપ્રતિનિધિઓ તરફથી આવેલી રજૂઆતોને અગ્રતા આપી તેનો હકારાત્મક ઉકેલ લાવવો અત્યંત જરૂરી છે. તેમણે તમામ કામો ઝડપથી અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા ભાર મૂક્યો હતો.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક  ડો.રવિકુમાર સૈની સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

(3:09 PM IST)