હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જગતગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજીના અપમાન મુદ્દે ‘વર્લ્ડ બ્રાહ્મણ એસોસિએશન’ આક્રમક: નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખી ન્યાયની માંગ કરી
ગૌ-માતાને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવાની માંગ કરતા જગતગુરુને કેદીની જેમ નજરકેદ રાખવા અને નિઃશસ્ત્ર સંતો પર લાઠીઓ વરસાવવી એ ભાજપ સરકારના શાસનમાં લોકશાહીની હત્યા સમાન છે, સનાતન ધર્મની ‘લક્ષ્મણ રેખા’ ઓળંગનાર પ્રયાગરાજના કલેક્ટર અને એડિશનલ સીપી તાત્કાલિક બરતરફ કરવામાં આવે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૦ : પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાના પવિત્ર પર્વ પર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી સાથે કરવામાં આવેલા અત્યંત અશોભનીય વર્તન અને નિઃશસ્ત્ર સાધુ-સંતો પર થયેલા પોલીસ દમન સામે વર્લ્ડ બ્રાહ્મણ એસોસિએશન (WBO) દ્વારા પ્રચંડ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ મામલે સંગઠનના પ્રમુખ શ્રી હેમાંગ રાવલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને કડક શબ્દોમાં એક પત્ર લખીને સરકારને આત્મમંથન કરવા ચેતવણી આપી છે. શ્રી હેમાંગ રાવલે પત્રમાં સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે જે સરકાર સનાતન સંસ્કૃતિના રક્ષણ અને ગૌ-રક્ષાના નારા લગાવીને કરોડો હિન્દુઓના મતો મેળવીને સત્તાના સિંહાસન પર બિરાજી છે, તે જ સરકારના શાસનમાં સનાતનના સર્વોચ્ચ ધર્મગુરુને પોતાના જ દેશમાં પવિત્ર સંગમ સ્નાન કરતા રોકીને સનાતન પરંપરાનું ઘોર અપમાન કરવામાં આવ્યું છે.
પ્રેસને સંબોધતા શ્રી હેમાંગ રાવલે વધુમાં જણાવ્યું હતું કે જગતગુરુ શંકરાચાર્યજી ગૌ-હત્યા બંધ થાય અને ગૌ-માતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો મળે તેવા અત્યંત પવિત્ર અને શાંતિપૂર્ણ સંકલ્પ સાથે પદયાત્રા કરી રહ્યા હતા, પરંતુ પ્રયાગરાજના જિલ્લા કલેક્ટર અને એડિશનલ પોલીસ કમિશનર જેવા અધિકારીઓએ સત્તાના નશામાં શંકરાચાર્યજીને રોકીને અને નિઃશસ્ત્ર સાધુ-સંતો પર નિર્દયતાપૂર્વક લાઠીચાર્જ કરાવીને સનાતન ધર્મની ‘લક્ષ્મણ રેખા’ ઓળંગી છે. ધર્મનગરી પ્રયાગરાજમાં સંતોનું લોહી વહે તે ઘટના ભાજપ સરકારના શાસનમાં અકલ્પનીય અને શરમજનક છે. જે સરકારે સનાતનના નામે જનસમર્થન મેળવ્યું છે તે જ સરકારના અધિકારીઓ આજે સનાતનના સ્તંભ સમાન શંકરાચાર્યજીને કેદી સમાન સ્થિતિમાં મૂકી રહ્યા છે, જે બતાવે છે કે સત્તામાં બેઠેલા લોકો મૂળ આસ્થાને ભૂલી રહ્યા છે.
વર્લ્ડ બ્રાહ્મણ એસોસિએશને વડાપ્રધાનને પત્ર દ્વારા સખત માંગણી કરી છે કે આ સમગ્ર ઘટનાની તાત્કાલિક ઉચ્ચસ્તરીય તપાસ કરાવી જવાબદાર જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિકારીઓને પદભ્રષ્ટ કરવામાં આવે. સનાતન ધર્મના સર્વોચ્ચ પદનું અપમાન કરનાર પ્રશાસને જાહેરમાં માફી માંગવી જોઈએ અને સંતો પર અત્યાચાર કરનાર પોલીસ વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ. શ્રી હેમાંગ રાવલે અંતમાં કડક ચેતવણી ઉચ્ચારી છે કે જો સનાતનના રક્ષકોનું સન્માન જળવાશે નહીં, તો સમગ્ર દેશનો બ્રાહ્મણ સમાજ અને સનાતન અનુયાયીઓ ચૂપ નહીં રહે અને આ અન્યાય સામે દેશવ્યાપી લોકતાંત્રિક આંદોલન છેડવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી વર્તમાન સરકારની રહેશે.










છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
