News of Tuesday, 20th January 2026
બગદાણા હુમલા કેસમાં બાલધીયાએ SIT સમક્ષ નોંધાવ્યું નિવેદન: આરોપી જયરાજ આહીર વિરુદ્ધ કુલ 15 પુરાવા રજૂ કર્યાનો દાવો
જો આરોપીઓ સામે યોગ્ય અને કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી

બગદાણાના ચર્ચિત હુમલા પ્રકરણમાં નવનીત બાલધીયાએ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) સમક્ષ હાજર થઈને પોતાનું નિવેદન નોંધાવ્યું છે. અંદાજે ત્રણ કલાક સુધી ચાલેલી આ પૂછપરછ દરમિયાન બાલધીયાએ તપાસ અધિકારીઓને અત્યંત મહત્વપૂર્ણ 15 મુદ્દાઓ અને લેખિત પુરાવાઓ સુપરત કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે જો આ મુદ્દાઓ પર યોગ્ય તપાસ કરવામાં આવે તો મુખ્ય આરોપી સુધી પહોંચી શકાશે.
SIT સમક્ષ નિવેદન આપ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા નવનીત બાલધીયાએ જણાવ્યું હતું કે, તેમણે તપાસ સમિતિને તમામ જરૂરી સાયન્ટિફિક અને લેખિત પુરાવા આપ્યા છે. જોકે, SIT દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નો કે રજૂ કરેલા પુરાવા જાહેર કરવાનો તેમણે ઇનકાર કર્યો હતો. આ અંગે કારણ આપતા તેમણે કહ્યું હતું કે, જો અત્યારે વિગતો જાહેર કરવામાં આવે તો આરોપીઓને બચવાની તક મળી શકે છે અથવા તેઓ પુરાવા સાથે ચેડાં કરી શકે છે, તેથી તપાસના હિતમાં હું મૌન સેવી રહ્યો છું.
બાલધીયાએ તપાસમાં એક ગંભીર ઘટસ્ફોટ પણ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે જ્યાં આરોપીઓએ રોકાણ કર્યું હતું અને કાવતરું ઘડ્યું હતું, તે સ્થળના પુરાવા નાશ કરવામાં આવ્યા છે. તેમને મળેલી જાણકારી મુજબ, તે સ્થળના CCTV ફૂટેજ ગાયબ કરવામાં આવ્યા છે અથવા તો આખી હાર્ડડિસ્ક જ બદલી નાખવામાં આવી છે. જયરાજભાઈ આહીર પરના આક્ષેપો અંગે તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે તેઓ પોતાની વાત પર મક્કમ છે અને યોગ્ય સમયે તમામ બાબતો ખૂલીને સામે આવશે.
આ કેસમાં સમાધાન માટે દબાણ આવી રહ્યું હોવાના સવાલ પર નવનીત બાલધીયાએ સ્પષ્ટપણે ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે તેમને આજે કે ભવિષ્યમાં કોઈ સમાધાન કરવું નથી. પોતાના સમાજ અને આગેવાનો સાથેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં, તેમણે કહ્યું કે તેમના આગેવાનો દ્વારા SITની રચના થઈ છે અને તેમને વિશ્વાસ છે કે તપાસ યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. જો તપાસ આ જ ગતિથી ચાલશે તો મૂળ આરોપી સુધી પહોંચી શકાશે તેવી તેમને આશા છે.
લગભગ 20 દિવસ વીતી ગયા હોવા છતાં SIT કોઈ નિષ્કર્ષ પર ન પહોંચી હોવાના સવાલ પર બાળધિયાએ સ્પષ્ટતા કરી હતી કે આ તપાસનો વિષય છે અને ટેકનિકલ પુરાવા એકત્રિત કરવામાં સમય લાગે છે. તેમણે જણાવ્યું કે FSL રિપોર્ટ્સ અને મોબાઇલ ડેટા એનાલિસિસ જેવી બાબતોને કારણે વિલંબ થઈ રહ્યો છે.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
