News of Wednesday, 21st January 2026
મુળીના સરા ગામે બાળકના દફતરમાં પુસ્તક નહિ પણ દારૂની કોથળીઓ મળી આવી!
વારંવાર રજુઆત છતાં પણ કાર્યવાહી ન કરાતા જનતા રેડઃ ગામમાં દારૂ બંધ કરાવા લોકો સરા ચેકપોસ્ટ બહાર ઉપવાસ પર ઉતર્યાઃ પોલીસના આશ્વાસન બાદ મામલો શાંત પડ્યો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ર૧ :.. સુરેન્દ્રનગરના ગ્રામીણ વિસ્તારોમાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે જેની ફરિયાદો પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસે દરોડા પાડે અને બુટલેગરને જામીન ઉપર મુક્ત કરે અને ફરી પકડાયેલો બુટલેગર દેશી દારૂ વેચાણ કરવા લાગે છે તે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ પામી છે પરંતુ હવે હદ એ થઈ ગઈ કે બુટલેગરો દ્વારા દેશી દારૂ વેચાણ માટે શાળાએ જતા વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે સરા ગામે જનતા રેડ કરવામાં આવી છે જેમાં શાળાએ જતા બાળકનું દફતર તપાસ કરવામાં આવતા તેમાંથી પુસ્તક નહીં દેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે જેને લઇ ગ્રામજનો પણ ચોકી ઉઠ્યા છે.
બુટલેગરો હવે અભ્યાસ માટે જતા બાળકોને પણ દારૂ હોમ ડીલેવરી સુધી ઉપયોગ કરવાનું ન ચુકતા હોવાનો ઘાટ સર્જાય જવા પામ્યો છે અને દારૂ વેચાણ માટે જે વિદ્યાર્થીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેને ઝડપી લઇ અને લાઈવ વિડિયો બનાવવામાં આવ્યો છે.
દફતરમાં પુસ્તકો હોવા જોઈએ તેના સ્થાને સરા ગામે દફતરમાં દેશી દારૂની ભરેલી થેલીઓ મળી છે શિક્ષણ વિભાગને લાંછન લાગે તે પ્રકારની ઘટના સામે આવી છે.
જનતા રેડ દરમિયાન શાળાએ જતા વિદ્યાર્થીના બેગમાંથી દેશી દારૂની ભરેલી થેલીઓ મળી આવી છે એટલે બુટલેગરો દ્વારા વિદ્યાર્થીઓનો ઉપયોગ ઘેર ઘેર દારૂ પહોંચાડવા માટે કરવામાં આવતા હોવાનું ગ્રામજનોને જાણવા મળ્યું હતું જેને આધારે વિદ્યાર્થીના બેગમાંથી દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે આ સમગ્ર ઘટનાને લઇ ગ્રામજનો દ્વારા સરા આઉટ પોસ્ટ પોલીસ ચોકી ખાતે ઉપવાસ ઉપર ઉતરી ગયા હતા જોકે પીઆઇ સહિતના અધિકારીઓ દોડી જઈ અને ગ્રામજનોને સમજાવતા મામલો શાંત પડ્યો હતો અને ગામમાં દારૂ વેચાણ સદંતર બંધ કરવાની ખાતરી પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવી હતી. (પ-૧૧)
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
