News of Wednesday, 21st January 2026
કમોસમી વરસાદની આગાહીને પગલે આંબા પાકના સંરક્ષણ માટે ખેડૂતો માટે ઉપયોગી માર્ગદર્શન

જૂનાગઢઃ હવામાન ખાતાની આગાહી અનુસાર રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તા.૨૧-૦૧-૨૦૨૬ થી ૨૫-૦૧-૨૦૨૬ દરમ્યાન વાદળછાયું વાતાવરણ રહેવાની તેમજ કયાંક કયાંક હળવા કમોસમી વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. હાલ આંબા પાકમાં મોર આવવાનો તબક્કો ચાલી રહ્યો હોવાથી આ પરિસ્થિતિને કારણે ખેડૂતોને નુકશાન થવાની શકયતા રહેલી છે.
આંબાના મોરનો સમયગાળો અત્યંત સંવેદનશીલ હોય છે. આ દરમિયાન વધુ ભેજ તથા વરસાદ થવાથી ફળબંધાણમાં ઘટાડો થવાની સાથે ફૂગજન્ય રોગોનું પ્રમાણ વધવાની શકયતા રહે છે. કમોસમી વરસાદથી મોર લાંબા સમય સુધી ભીનો રહેતા ફૂલ અને નાની કણીઓ ઝડી જવી, પરાગનયન પ્રક્રિયામાં અડચણ ઊભી થવી તેમજ પાઉડરી મિલ્ડ્યુ (ભૂકી છારો) અને એન્થ્રાક્રોઝ (કાળવણ) જેવા રોગો ઝડપથી ફેલાવાની સંભાવના વધી જાય છે, જેના કારણે કેરી બેસાણ ઉપર નકારાત્મક અસર પડી શકે છે.
આ સંજોગોમાં ખેડૂતો માટે સલાહભર્યું રહેશે કે, વરસાદ આવતાં પહેલાં અથવા વરસાદ બંધ થયા બાદ ૨૪ કલાકની અંદર યોગ્ય ફૂગનાશક દવાનો છંટકાવ કરવો. આ માટે કાર્બેંડેઝિમ ૧ ગ્રામ પ્રતિ લીટર અથવા હેક્સાકોનાઝોલ ૧ મીલી પ્રતિ લીટર અથવા વેટેબલ સલ્ફર ૨ ગ્રામ પ્રતિ લીટર મુજબ દવાનો છંટકાવ કરવાથી રોગોનું અસરકારક નિયંત્રણ શકય બને છે. દવા સાથે સ્ટિકર ભેળવવાથી વધુ સારો પરિણામ મળે છે.
વરસાદ પહેલાં મોર નબળો ન પડે અથવા ફૂલ ખરી ન જાય તે માટે બોરોન ૦.૨ ટકા અને ઝીંક ૦.૫ ટકા જેવા સૂક્ષ્મ પોષક તત્વોના ફોલિયર સ્પ્રે કરવાથી મોર મજબૂત બને છે.
ખેતરમાં પાણીનો ભરાવો ન થાય તે માટે યોગ્ય પાણી નિકાલ વ્યવસ્થા કરવી પણ અત્યંત આવશ્યક છે. બાગાયત વિભાગની ખેડૂતોને અપીલ છે કે બપોરની તીવ્ર ગરમી દરમિયાન દવાનો છંટકાવ ટાળવો, હવામાનની આગાહી અનુસાર પૂર્વ આયોજન કરવું તથા દવાનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવો. સમયસર યોગ્ય પગલાં લેવામાં આવે તો કમોસમી વરસાદથી થતું નુકશાન ઘણી હદ સુધી અટકાવી શકાય છે.
વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, લઘુ કળષિભવન, નીલમ બાગ, બહુમાળી ભવનની સામે, જૂનાગઢ ખાતે અથવા ફોન નં. ૦૨૮૫-૨૬૩૫૦૧૯ પર સંપર્ક કરવો. તેમ નાયબ બાગાયત નિયામકશ્રી, જૂનાગઢની યાદીમાં જણાવાયું છે.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
