<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

ગોંડલના વોરા કોટડા ગામના ખેડૂતની એપલ બોર ખેતી બની સફળતાની મીઠી કહાની

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.ર૧:  હાલ ખેતીમાં અનેક પ્રયોગો થઇ રહયા છે. ત્‍યારે ખેડૂતો નવીન ખેતી તરફ વળે તો આવક કેવી રીતે વધી શકે તેનો ઉત્તમ ઉદાહરણ ગોંડલ તાલુકાના વોરા કોટડા ગામમાં જોવા મળી રહ્યો છે.

વોરા કોટડા ગામના ખેડૂત કાંતિભાઈ છગનભાઈ સખીયાએ પરંપરાગત ખેતીથી અલગ જઈને ૧૦ વીઘા જમીનમાંથી માત્ર ૩ વીઘામાં એપલ બોરની ખેતી કરી છે. આ નવીન પ્રયાસથી ખેડૂતને વર્ષે ત્રણથી ચાર લાખ રૂપિયાની આવક થઈ રહી છે.

આ એપલ બોરની ખાસિયત તેની મીઠાશ છે, જેના કારણે ગોંડલથી લઈને સુરત સુધીથી ઓર્ડરો આવી રહ્યા છે. સૌથી મોટી વાત એ છે કે ખેડૂતને પોતાનું ઉત્‍પાદન માર્કેટિંગ યાર્ડમાં વેચવા જવું પણ પડતું નથી. ગ્રાહકો અને વેપારીઓ સીધા ખેડૂતની વાડીએ આવીને એપલ બોર ખરીદી જાય છે.

વાડીએથી જ લઈ જવામાં આવે તો એપલ બોરનો ભાવ ૮૦ રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યો છે, જે ખેડૂત માટે ખૂબ જ લાભદાયક સાબિત થયો છે.

વોરા કોટડા ગામના આ ખેડૂતની સફળતા અન્‍ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની છે કે નવીન ખેતી અપનાવીએ તો ખેતી પણ સમળદ્ધિનો માર્ગ બની શકે છે

(11:44 AM IST)