હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પેરાસેલિંગ તાલીમથી NCC કેડેટ્સમાં નેતૃત્વ, નિર્ણય, નિર્ભયતાના ગુણો સાથે જીવન કૌશલ્યનો વિકાસ: બ્રિગેડિયર પી. શશી : જુઓ વિડિયો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે કે, ભારતનું યુવાધન જવાબદાર, ઉમદા અને સાહસિક નાગરિક બને, NCC કેડેટ્સ સાહસિક પ્રવૃત્તિઓની તાલીમ લઈ વડાપ્રધાનનું સપનું સાકાર કરી રહ્યા છે, જામનગર ગ્રુપ હેડક્વાર્ટર અંતર્ગત કચ્છના માંડવીમાં આર્મી તથા નેવીના ૫૯૪ કેડેટ્સને તાલીમ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૧ : એનસીસી ગ્રુપ જામનગરના આર્મી તથા નેવીના 594 કેડેટ્સ 14 થી 23 જાન્યુઆરી 2026 દરમિયાન માંડવી (કચ્છ) ખાતે યોજાયેલા રાજયકક્ષાના સંયુક્ત વાર્ષિક કેમ્પમાં 36 ગુજરાત બટાલિયન એનસીસી ભુજ દ્વારા આયોજિત પેરાસેલિંગ તાલીમમાં ભાગ લઈ રહ્યા છે. કેડેટ્સમાં નેતૃત્વ, ટીમવર્ક, શારીરિક તંદુરસ્તી અને માનસિક સ્થિતિસ્થાપકતાને પ્રોત્સાહન આપવાના ભાગ રૂપે આ સાહસિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રમાણિત ટ્રેનર્સની નિષ્ણાત દેખરેખ હેઠળ, કેડેટ્સને પેરાસેલિંગના મૂળભૂત સિદ્ધાંતોનો પરિચય કરાવવામાં આવી રહ્યો છે. જેમાં સલામતીના પગલાં, પેરાસેલિંગના સાધનોનું સંચાલન અને હવાઈ નેવિગેશનનો સમાવેશ થાય છે. આ સાહસિક અનુભવે કેડેટ્સને ડરને દૂર કરવા , તેમની મર્યાદાઓનું પરીક્ષણ કરવા અને માંડવીના દરિયાકિનારા ઉપર ઉડાન ભરી આત્મવિશ્વાસ વધારવાની અમૂલ્ય તકો આપી છે.
પેરાસેલિંગ તાલીમ એક રોમાંચક અને લાભદાયી અનુભવ સાબિત થઈ રહ્યો છે. જેનાથી કેડેટ્સના આત્મવિશ્વાસ, હિંમત અને અનુકૂલનક્ષમતા નોંધપાત્ર વધી છે.આવી સાહસિક પ્રવૃત્તિઓ એનસીસી તાલીમનો એક અભિન્ન ભાગ છે, જેનો ઉદ્દેશ્ય લશ્કરી અને નાગરિક જીવન બંને માટે જરૂરી આત્મનિર્ભરતા, શિસ્ત અને નેતૃત્વના ગુણોને પ્રોત્સાહન આપવાનો છે.
જામનગર એનસીસી ગ્રુપ હેડ ક્વાર્ટર્સના ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર પી. શશીએ કેડેટ્સના પ્રદર્શન અને ઉત્સાહ પર ગર્વ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "આ યુવા કેડેટ્સે અસાધારણ હિંમત અને શિસ્તનું પ્રદર્શન કર્યું છે. પેરાસેલિંગ એ માત્ર એક સાહસિક રમત નથી પરંતુ નેતૃત્વ, નિર્ણય લેવાની ક્ષમતા અને ભયને દૂર કરવા જેવા મહત્વપૂર્ણ જીવન કૌશલ્યો વિકસાવવા માટેનું એક પ્લેટફોર્મ છે. કેડેટ્સના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવા માટે એનસીસી આવી રોમાંચક તકો ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે.”
બ્રિગેડિયર પી શશીએ કેમ્પમાં પરેડ નિરીક્ષણ કરી ગાર્ડ ઓફ ઓનરની સલામી જીલી હતી અને વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવનાર કેડેટ્સને મેડલ્સથી સન્માનિત કર્યા હતા. પેરાસેલિંગમાં ૩૦ વર્ષનો બહોળો અનુભવ ધરાવનાર ભારતીય વાયુસેનાના વરિષ્ઠ અધિકારી ગ્રુપ કેપ્ટન એન એસ શોકીન ( સેવાનિવૃત ) ના નિષ્ણાત માર્ગદર્શન હેઠળ કેમ્પમાં કેડેટ્સ પેરાસેલિંગની રોમાંચક તાલીમ લઈ રહ્યા છે.
પેરાસેલિંગ પ્રવૃત્તિનું સફળ સમાપન એનસીસી ગ્રુપ જામનગર માટે વધુ એક સીમાચિહ્નરૂપ છે, જે NCC ના સૂત્ર, 'એકતા અને શિસ્ત' અનુસાર જવાબદાર, આત્મવિશ્વાસુ અને સક્ષમ નાગરિકત્વને પ્રેરિત કરી, રાષ્ટ્રીય સેવાના મિશનને સાર્થક કરી રહ્યું છે.
આ કેમ્પમાં યુદ્ધ દરમિયાન માહિતીનું આદાનપ્રદાન, ડ્રોનનુ લોકેશન સ્પોટિંગ - ઓપેરેટિંગ, દેશની સુરક્ષા જાળવવા સચેત નાગરિક તરીકેની ફરજો , નાગરિક સંરક્ષણ, પ્રાથમિક સારવાર વગેરેની ખૂબ ઉપયોગી તાલીમ પણ કેડેટ્સને આપવામાં આવી રહી છે.
36 ગુજરાત બટાલિયન એનસીસી ભુજના કમાન્ડિંગ ઓફિસર કર્નલ વિકાસ પ્રભાકરના માર્ગદર્શન હેઠળ એસોસિએટ એનસીસી ઓફિસર્સ તથા પીઆઈ સ્ટાફની જહેમત સાથે આ વાર્ષિક તાલીમ કેમ્પ સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
