હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનના આંગણે ભક્તિસભર વાતાવરણમાં ધાર્મિક યજ્ઞ-અનુષ્ઠાન, જ્ઞાનયજ્ઞ તથા સેવાકીય યજ્ઞ : "પ.પૂ.ભાઈશ્રી" રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં શ્રી હરિ મંદિરના ૨૦મા પાટોત્સવ અંતર્ગત મહામહોત્સવ’નો શુભારંભ
સંકીર્તનના પ્રારંભે રાજ્યસભાના સાંસદ રામમાઈ મોકરીયા ઉપસ્થિત : પાંચ દિવસ સુધી 'શ્રી હરિ...' ના મધુર નામ સ્મરણ સાથે ૨૪ કલાક આયોજિત આ સંકીર્તનમાં દેશ-વિદેશથી આવેલા ભક્તો તથા નગરજનોમા ઉત્સાહ : હનુમાનજીની વિશેષ આરાધનાના ભાગરૂપે હનુમંત યજ્ઞનો સાંદીપનિ યજ્ઞશાળામાં મંગલ પ્રારંભ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૨ : પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનના આંગણે પરમ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં શ્રી હરિ મંદિરના ૨૦મા પાટોત્સવ અંતર્ગત મહામહોત્સવ’નો ખુબ જ મંગલમય અને ભક્તિસભર વાતાવરણમાં ધાર્મિક યજ્ઞ-અનુષ્ઠાન, જ્ઞાનયજ્ઞ તથા સેવાકીય યજ્ઞ સાથે પ્રારંભ થયો. પાંચ દિવસ સુધી ચાલનારા આ મહોત્સવના પ્રથમ દિવસે વિવિધ ધાર્મિક વિધિઓ અને સંકીર્તન સાથે સમગ્ર વાતાવરણને હરિભક્તિમાં તરબોળ કરી દીધું હતું.
અખંડ હરિનામ સંકીર્તન
શ્રી હરિ મંદિરના ૨૦મા પાટોત્સવ અંતર્ગત મહામહોત્સમાં શ્રીહરિ મંદિર પરિસરમાં સ્થિત શ્રીહરિની બગીચીમાં વહેલી સવારે પૂજ્ય ભાઈશ્રી શ્રી રમેશભાઈ ઓઝા તથા અન્ય સંતોની પાવન ઉપસ્થિતિમાં અખંડ હરિનામ સંકીર્તનનો પ્રારંભ કરવામાં આવ્યો. સંકીર્તનના પ્રારંભે રાજ્ય સભાના સાંસદ શ્રી રામમાઈ મોકરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આગામી પાંચ દિવસ સુધી 'શ્રી હરિ...' ના મધુર નામ સ્મરણ સાથે ૨૪ કલાક ચાલનારા આ સંકીર્તનમાં દેશ-વિદેશથી આવેલા ભક્તો તથા નગરજનો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે. જેનાથી સમગ્ર વિદ્યાનિકેતન પરિસર વૈકુંઠધામ જેવું ભાસી રહ્યું છે.
સહસ્રકુંભાભિષેક મુખ્ય સંકલ્પ એવં પૂજન
શ્રી હરિ મંદિરના ૨૦મા પાટોત્સવ અંતર્ગત મહામહોત્સના મુખ્ય આકર્ષણ સમાન સહસ્રકુંભાભિષેક માટેનો મુખ્ય સંકલ્પ પૂજ્ય ભાઈશ્રી અને મુખ્ય યજમાન પરિવાર દ્વારા શ્રીહરિમંદિરમાં લેવામાં આવ્યો હતો તેમજ સાથે-સાથે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજાવિધિ પણ સંપન્ન કરવામાં આવી હતી. કાશી અને દક્ષિણ ભારતથી આવેલા વિદ્વાન પંડિતો તથા યજ્ઞસેના દ્વારા આ વિધિ કરાવવામાં આવી હતી.
૧૦૮ કુંડી અતિ મહાવિષ્ણુયાગનો પ્રારંભ
શ્રી હરિ મંદિરના ૨૦મા પાટોત્સવ અંતર્ગત મહામહોત્સમાં શ્રીહરિ મંદિરની બાજુના વિશાળ પરિસરમાં વાસથી નિર્મિત વિરાટ યજ્ઞશાળામાં ૧૦૮ કુંડી અતિ મહાવિષ્ણુયાગનો પણ પ્રારંભ થયો હતો. પાંચ દિવસ સુધી ચાલનાર આ યજ્ઞમાં પહેલા દિવસે યજ્ઞસેનાના ઋષિકુમારો તથા શાસ્ત્રજ્ઞ કાશી અને દક્ષિણ ભારતના વિદ્વાનો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે મુખ્ય સંકલ્પ પૂજન વિધિ સંપન્ન કરવામાં આવી હતી, જેમાં વિશ્વ શાંતિ અને કલ્યાણની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.
હનુમંત યજ્ઞનો પ્રારંભ
શ્રી હરિ મંદિરના ૨૦મા પાટોત્સવ અંતર્ગત મહામહોત્સમાં ભગવાન હનુમાનજીની વિશેષ આરાધનાના ભાગરૂપે હનુમંત યજ્ઞનો સાંદીપનિ યજ્ઞશાળામાં મંગલ પ્રારંભ થયો છે. ભગવાન હનુમાનજીની ઉપાસના અને હવન દ્વારા વાતાવરણમાં દિવ્ય ઊર્જાનો સંચાર થયો હતો. આ યજ્ઞ આગામી ત્રણ દિવસ સુધી અવિરત ચાલશે.
ધાર્મિક યજ્ઞ સાથે જ્ઞાનયજ્ઞનો પ્રારંભ
શ્રીહરિ મંદિરમાં ૨૦મા પાટોત્સવ અંતર્ગત મહામહોત્સવના પહેલા દિવસના બપોર પછીના સત્રમાં ધાર્મિક યજ્ઞ-અનુષ્ઠાનની સાથે 'ભાગવત ચિંતર શિબિર જ્ઞાનયજ્ઞનો પણ આજથી આરંભ થયો છે. પૂજ્ય ભાઈશ્રીના પાવન સાન્નિધ્યમાં આયોજિત ચિંતન શિબિરના પ્રારંભે સાંદીપનિના ઋષિ તથા ભાગવત કથાકાર શ્રી શ્યામભાઈ ઠાકર દ્વારા સર્વે વિદ્વાન વક્તાઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું તેમજ 'ભાગવત ચિંતર શિબિર' ની ભૂમિકા પણ તેમના દ્વારા પ્રસ્તુત કરવામાં આવી.
ભાગવત ચિંતન શિબિરના પહેલા દિવસે સોલા ભાગવત વિદ્યાપીઠ-અમદાવાદના પૂજ્ય ભાગવત ઋષિ દ્વારા, શ્રી સોમનાથ સંસ્કૃત યુનીવર્સીટીની કોલેજના પ્રિન્સીપાલ ડો.નરેન્દ્ર પંડ્યાજી તેમજ સોમનાથ સંસ્કૃત યુનીવર્સીટીના પ્રાધ્યાપક ડો.પંકજભાઈ રાવલ દ્વારા શ્રીમદ્ભાગવાત મહાપુરાણના વિષયોને લઈને સુંદર પ્રવચન દ્વારા સૌને શાસ્ત્રીય જ્ઞાનનું રસપાન કરાવવામાં આવ્યું હતું.
નગર જલ યાત્રા
શ્રીહરિ મંદિરમાં ૨૦મા પાટોત્સવ અંતર્ગત મહામહોત્સવના બપોર પછીના સત્રમાં ભવ્ય ‘નગર જલ યાત્રા’ (કળશ યાત્રા) સંપન્ન કરવામાં આવી હતી. મંગલ વાદ્યોના નાદ અને હરિનામ સંકીર્તન સાથે નીકળેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
સેવાયજ્ઞ દંતચિકિત્સા કેમ્પ પ્રારંભ
શ્રીહરિ મંદિરમાં ૨૦મા પાટોત્સવ અંતર્ગત મહામહોત્સવના પ્રથમ દિવસે માનવસેવા રૂપે આયોજિત પંચ દિવસીય દંતયજ્ઞ કેમ્પનો પ્રારંભ ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોથી તથા મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટ્ય પૂર્વક કરવામાં આવ્યો હતો.
આ દંત ચિકિત્સા કેમ્પમાં ગવરીદળ, રાજકોટના જાલંધરબંધ યોગ પદ્ધતિના સુવિખ્યાત દંતવૈદ્ય ડો.હર્ષદભાઈ જોશી, ડૉ. સરોજબેન જોશી અને ટીમ દ્વારા સારવાર આપવામાં આવશે. આ આ દંતચિકિત્સા કેમ્પ તા.૨૧-૦૧-૨૬ થી તા.૨૫-૦૧-૨૬ સુધી પ્રતિદિન સવારે ૯:૦૦થી ૧:૦૦ સુધી ચાલુ રહેશે.
ગુરુવારથી રાસલીલાનો પ્રારંભ
શ્રીહરિ મંદિરમાં ૨૦મા પાટોત્સવ અંતર્ગત મહામહોત્સવમાં આજે તા.૨૨-૦૧-૨૦૨૬થી સાંદીપનિના સભાગૃહમાં વૃંદાવનથી આવેલા વિશેષ રાસ-મંડળી દ્વારા રાસલીલા પ્રસ્તુત થશે. તા. ૨૨-૦૧-૨૬ થી તા. ૨૪-૦૧-૨૬ એમ ત્રણ દિવસ સુધી સાંજે ૭:૩૦ થી ૧૦:૩૦ સુધી રાસલીલા રજુ થશે. જેનો લાભ લેવા માટે સૌને હાર્દિક નિમંત્રણ છે.
સાંદીપનિ વિદ્યાનિકેતનમાં શ્રીહરિ મંદિરમાં ૨૦મા પાટોત્સવ અંતર્ગત પ્રારંભ થયેલા મંગલ મહામહોત્સવમાં પહેલા દિવસથી જ અનેક શ્રદ્ધાળુઓએ વિવિધ મનોરથોના દર્શનમાં જોડાયા હતા. પાંચ દિવસ સુધી ચાલનારા આ દિવ્ય મહામહોત્સવમાં આવનારા દર્શનાર્થીઓ માટે બપોરે અને સાંજે બંને સમય મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.(તસવીર :મુકેશ વાધેલા-જુનાગઢ)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
