<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

સ્‍કૂલો પાસે નશાકારક વસ્‍તુઓ વેચનાર સામે કડક પગલા ભરોઃ ઉપલેટામાં મેડીકલ સ્‍ટોર ઝપટે

દુકાનોમાં પણ દરોડાઃ ગોંડલ પંથકમાં ૧ર લાખનો ગાંજો જપ્‍ત

રાજકોટઃ તા.૨ર જાન્‍યુઆરી - રાજકોટ જિલ્લા કલેક્‍ટરશ્રી ડો. ઓમ પ્રકાશના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા કક્ષાની નાર્કો કો-ઓર્ડિનેશન સેન્‍ટર (NCORD)ની બેઠક યોજવામાં આવી હતી. જેમાં કલેક્‍ટરે વિવિધ વિભાગો દ્વારા ડ્રગ્‍સનું દૂષણ રોકવા માટે કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી. આ સાથે શૈક્ષણિક સંકુલો આસપાસ ડ્રગ્‍સ, નશીલી દવાઓ, તમાકુ સહિતની વસ્‍તુઓ વેચનારાઓ સામે કડક હાથે કામ લેવા સૂચના આપી હતી.

જિલ્લા કલેક્‍ટરશ્રી ડો. ઓમ પ્રકાશે બેઠકમાં જણાવ્‍યું હતું કે, શાળા-કોલેજ નજીક તમાકુ, સિગારેટ જેવા નશાકારક પદાર્થોનું વેચાણ ન જ થવું જોઈએ. તેમણે આવા વિતરકો પર દરોડા વધારી કડક કાર્યવાહી કરવા અને નશાની વસ્‍તુઓ જપ્ત કરી લેવા સૂચના આપી હતી.

 બેઠકમાં જણાવાયું હતું કે, ગોંડલ તાલુકામાંથી ગાંજાના બે કેસ શોધી કાઢવામાં આવ્‍યા છે. જેમાં આશરે રૂ. ૧૨ લાખની કિંમતનો ૨૪ કિલોથી વધુ ગાંજો જપ્ત કરીને એન.ડી.પી.એસ. (NDPS) એક્‍ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરાંત, નશીલી દવાઓનું વેચાણ રોકવા ૧૧ પેઢી-દુકાનોમાં તપાસ કરાઈ હતી. જેમાં ઉપલેટામાં એક મેડિકલ સ્‍ટોરમાં બિલ વિના ગેરકાયદે દવા વેચાતી હોવાનું ધ્‍યાને આવતાં નોટિસ આપવામાં આવી છે.

(1:43 PM IST)