<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

રાણાવાવ ગેરકાયદે બાયો ડીઝલમાં મોટા માથાઓના નામ ખૂલે તેવી સંભાવના

હાલ ફરાર મુખ્‍ય આરોપી ભરત મુળુભાઇ મોઢવાડિયા પકડાયા બાદ રાજકીય ઉથલપાથલના એંધાણ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. રરઃ ચકચાર જગાવનાર રાણાવાવના ઝડપાયેલ ગેરકાયદે બાયો ડીઝલના મોટા જથ્‍થામાં મુખ્‍ય આરોપી અને સપ્‍લાયર ભરત મુળુભાઇ મોઢવાડિયાનું નામ ખુલ્‍યું છે.

ભરત મુળુભાઇ હાલ ફરાર છે. ભરત મુળુભાઇ પકડાયા બાદ ગેરકાયદે બાયો ડીઝલમાં ચોકાવનારા મોટા માથાઓના નામ ખુલે તેવી સંભાવના છે. આ મોટા માથાના નામ ખુલે તો રાજકીય ઉથલપાથલ થઇ શકે તેવી ચર્ચા છે.

પોરબંદર ના બંદર વિસ્‍તાર સહિત અન્‍ય વિસ્‍તારો માં બેફામ બાયો ડીઝલ નું વેચાણ થતું હોવાનો અહેવાલ ‘અકિલા' એ પ્રસિદ્ધ કર્યો હતો. ત્‍યારે સ્‍થાનિક તંત્ર ને ઊંઘતું રાખીને સ્‍ટેટ મોનીટરીંગ સેલે પોરબંદર ના રાણાવાવમાંથી બાયો ડીઝલ નું વેચાણ કરનારા ૫ આરોપીઓ ને ઝડપી લીધા છે જ્‍યારે એક રાજકીય વગ ધરાવનાર આરોપી ફરાર થઈ ગયેલ હોવાનું જાણવા મળે છે, આ આરોપી પકડાયા બાદ તેની પૂછપરછ માં વધુ સાથીદારોના નામ ખુલે તો ચોંકાવનારી અને રાજકીય આલમ માં ચકચાર મચાવે તેવી બાબતો બહાર આવે તેવી શકયતાઓ છે. આ સમગ્ર બાયો ડીઝલ ના ગેરકાયદે વેચાણ માં ભાજપ અગ્રણી સક્રિય રીતે સામેલ છે ત્‍યારે જો તટસ્‍થ તપાસ થશે તો પોરબંદર માં ટૂંક સમય માં નવા કડાકા ભડાકા થાય તેમ છે.

ગેરકાયદે બાયો ડીઝલમાં કરશનભાઇ એભાભાઈ  ઓડેદરા, અરશીભાઈ ભીમાભાઈ ઓડેદરા, કાંધલભાઈ રામદેવભાઈ કડછા, આશિષભાઈ રામજીભાઈ વરવાડીયા, મશરીભાઈ નાગાભાઈ ઓડેદરા પકડાયા છે. જયારે મુખ્‍ય આરોપી ભરતભાઈ મુળુભાઈ મોઢવાડીયા ફરાર થઈ ગયેલ છે.

પોરબંદરના બંદર માં ચર્ચા મુજબ બેફામ બાયોડિઝલ નું વેચાણ થઈ રહ્યું છે, બાયોડીઝલ ખાસ કરીને માછીમારી કરવા જતી બોટોના માલીકો વધુ માત્રામાં ખરીદે છે. આ જથ્‍થો એક ખાસ ટેમ્‍પો મારફતે વાહનચાલકો અને બોટો સુધી પહોંચાડવામાં આવે છે, પોરબંદરના જીલ્લાના ટોચના નેતાના કૌટુંબિક અને રાજકીય રીતે મોટી વગ ધરાવનાર ભરત મુરૂભા મોઢવાડિયા (જે હાલ ની રેડ માં ફરાર છે) તેની ગાડી બંદર વિસ્‍તારમાં જયાં ફીશીંગ બોટો પાર્ક કરવામાં આવે છે ત્‍યાં તેમજ બોખીરા સહિત અન્‍ય નિર્ધારીત સ્‍થળોએ વાહનચાલકોને ડીલેવરી કરવા આવે છે અને પેમેન્‍ટ લેવડ-દેવડ પણ કરવામાં આવે છે.

નામચીન લોકો કે જે ભૂતકાળમાં પાલિકાના પ્રમુખ રહી ચુકયા છે તે તેમજ અન્‍ય એક ભાજપ આગેવાન કે જે હાલ એક સારા હોદા ઉપર છે તેના દ્વારા બાયોડીઝલ વેચવાનું સમગ્ર કૌંભાડ કરવામાં આવી રહયું છે. આ બન્ને વર્ષોથી પોરબંદર ભાજપમાં સક્રિય છે અને મોટી વગ ધરાવે છે.  તેવુ ચર્ચાઇ છે.

ગેરકાયદે બાયોડીઝલનું વેચાણ કરી રહેલા આ શખ્‍સો મોટી વગ ધરાવતા હોવાથી અને ઉચ્‍ચ હોદા ઉપર હોવાથી કોઈ પણ જાતનો ડર રાખ્‍યા વગર આ ગેરકાયદેસર બાયોડીઝલ વેચાણ તેમનાની નિગરાની હેઠળ કરાવી રહયા છે. બાયોડીઝલનો સંપુર્ણ ધંધો રાજકીય વગ ધરાવતા લોકો કરે છે. બાયોડીઝલ વેચનાર લોકો સરકારને ખુબ જ મોટું નુકશાન પહોંચાડી રહયા છે, ડીઝલમાં અંદાજીત ર૨ ટકા વેટ છે જે આ ગોરખધંધાને કારણે સરકારની તિજોરીને સીધું નુકશાન પહોંચે છે. આમ છતાં પોરબંદરનું વહીવટીતંત્ર, કલેકટર, પોલીસ, મામલતદાર કે લાગતા વળગતા અધિકારીઓ એ આજદિન સુધી કોઈ ઠોસ પગલા ભરેલ નથી અને આ ગેરકાયદેસર વેપલો બેફામપણે ચાલી રહયો છે.

બાયો ડીઝલના નામે ઉપયોગ થતા ફફયુલના નમુના લઈ તટસ્‍થ રીતે પળથકકરણમાં મોકલવા જોઈએ અને આકરા પગલા ભરવા જોઈએ અને મિશ્રિત ફયુલ રેગ્‍યુલર ડીઝલ કરતા ૧૦ થી ૧૫ રૂપિયા જેટલું સસ્‍તુ મળવાને કારણે ટ્રક, બસ, ટ્રેકટર ઉપરાંત પોરબંદરના બોટ માલિકો મોટા પ્રમાણમાં આ બાયોડીઝલની ખરીદી કરે છે અને બોટમાં નાખે છે. તેવું બહાર આવ્‍યું છે.

 

(1:45 PM IST)