News of Friday, 23rd January 2026
લવમેરેજનો લોહિયાળ અંજામ જામનગરમા નિલય કુંડલિયાને સાળાએ મિત્ર સાથે મળીને પતાવી દીધો
વંડાફળી વિસ્તારમાં આવેલ આદિનાથ રેસીડેન્સીમાં બનાવ બનતા અરેરાટી : લોહીથી લથબથ મૃતદેહ જોઇને સૌ કોઇ રડી પડયા

મારા ભાઇએ છરી મારી દીધી.... મૃતકની પત્નીનું હૈયાફાટ રૂદન : જામનગરઃ નિલય કુંડલીયાની હત્યા થતા હાહાકાર મચી ગયો છે અને મૃતકના લોહીથી લથબથ મૃતદેહ ઉપર માથુ રાખીને તેની પત્ની રડવા લાગી હતી અને કહયું કે મારા ભાઇએ છરી મારી દીધી છે. તસ્વીરમાં મૃતદેહ તથા મૃતકની પત્ની તથા પરિવારજનો નજરે પડે છે. (તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર) (૪.૧૪) મૃતકનો ફાઇલ ફોટો
(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૩
જામનગરમાં પંચેશ્વર ટાવર વંડા ફળી વિસ્તારમાં વસંત પંચમી જેવા પવિત્ર તહેવારના દિવસે ધોળે દહાડે એક યુવાનની હત્યા નીપજાવાતાં ભારે ચકચાર જાગી છે. જે હત્યામાં પ્રેમ પ્રકરણ કારણભુત હોવાનું અને મૃતકના સાળા સહિત તેના મીત્ર એ છરી ના ઘા જીકી દઇ હત્યા નીપજાવ્યાનો આક્ષેપ કરાયો છે. પોલીસ કાફ્લો ઘટના સ્થળે દોડી ગયો છે, અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ હિચકારા હત્યા ના બનાવની વિગત એવી છે કે, જામનગરમાં પંચેશ્વર ટાવર નજીક વંડાફળી વિસ્તારમાં આદિનાથ એપાર્ટમેન્ટના પાંચમા માળે 502માં રહેતા નિલય અશોકભાઈ કુંડલીયા નામના વાણિક યુવાન પર વસંત પંચમીના દિવસે સવારે સાડા દસથી પોણા 11ના અરસામાં નિલયના સાળા અને તેના મિત્રે આવીને છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી દેતાં નિલય કુંડલીયા લોહી લુહાણ થઈને ઢળી પડ્યો હતો.
આ વેળાએ ઘરમાં હાજર રહેલી તેની પત્નીએ ભારે ચિસાચીસ કરી મૂકી હતી, અને તેને બચાવવાના પ્રયત્નો કર્યા હતા. જેમાં પોતે પણ સંપૂર્ણપણે લોહીથી ખરડાઈ હતી. દેકરો થયા બાદ પાડોશીઓ એકત્ર થઈ ગયા હતા અને સૌપ્રથમ આ બનાવ અંગે ૧૦૮ ની ટીમને જાણ કરાતાં ૧૦૮ ની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને લોહી નીતરતી હાલતમાં વણિક યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયો હતો, પરંતુ ત્યાં માત્ર તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો, અને બનાવ હત્યામાં પલટાયો હતો.
આ ઘટનાની જાણ થવાથી આસપાસના લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા, જ્યારે સીટી એ. ડિવિઝનના પી.આઈ. એન.એ. ચાવડા અને તેઓનો સમગ્ર સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણના કારણે આ હત્યા નીપજવાઇ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મૃતક યુવાને થોડા સમય પહેલા પ્રેમ લગ્ન કરી લીધા હોવાથી પ્રેમિકાના પરિવારને પસંદ નહિ પડતાં પ્રેમિકાના ભાઈ સહિત તેના મિત્રો છરી લઈને ધસી આવ્યા હોવાનું અને આ હીંચકારો હુમલો કરી દીધો હોવાનો આક્ષેપ કરાઇ રહ્યો છે. સમગ્ર મામલામાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
