<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

કચ્‍છ-મહેસાણામાં વરસાદી ઝાપટાઃ સૌરાષ્‍ટ્રમાં ઠંડીમાં ઘટાડો

લઘુતમ તાપમાનમાં એકાએક વધારોઃ જુનાગઢમાં વાદળછાંયુ વાતાવરણ

રાજકોટ, તા., ૨૩ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રભરમાં વાતાવરણમાં પલ્‍ટા સાથે ઠંડીમાં ઘટાડો થયો છે. જયારે કચ્‍છ અને મહેસાણામાં હવામાનમાં પલ્‍ટો આવતા વરસાદી ઝાપટા પડયા છે. જયારે લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.

કચ્‍છ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ : કચ્‍છના નારાયણસરોવર અને પાનધ્રો વર્માનગર વચ્‍ચે ગઇકાલે એકાએક કમોસમી માવઠુ વરસ્‍યુ હતું. જો કે આ વરસાદ છુટો છવાયો હતો. વરસાદનું કારણ પાકિસ્‍તાનના કોલ્‍ડ ફ્રન્‍ટની અસર હોવાનું અનુમાન છે. કમોસમી વરસાદને કારણે આ વિસ્‍તારમાં પાકને નુકશાનની ભીતી છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :  આજે સવારે જુનાગઢ સહિત સોરઠના હવામાનમાં પલટો આવતા આકાશમાં વાદળો છવાઈ ગયા હતા અને તે સાથે લઘુતમ તાપમાનમાં ૨ ડિગ્રીનો વધારો થતા ઠંડી ગાયબ થઈ ગઈ હતી.

છેલ્લા ત્રણ દિવસથી સવારના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્‍યારે આજે સવારે જુનાગઢ સહિતના વિસ્‍તારોના હવામાનમાં પલટો આવ્‍યો હતો અને તે સાથે આકાશમાં વાદળો છવાઈ જતા કમોસમી વરસાદની શકયતા બળવતર બની હતી. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો સહિતના લોકોના જીવ ઉચ્‍ચક થઈ ગયા છે.

આ દરમિયાન આજે સવારે ગિરનાર પર લઘુતમ તાપમાન વધુ ૨ ડિગ્રી વધીને ૧૧ ડીગ્રી થઈ જતા ઠંડીમાં ધરખમ ઘટાડો થયો હતો જેને લઈને ગિરનારની યાત્રાએ આવેલા ભાવિકો સહિતના લોકોએ રાહત અનુભવી હતી.

ગિરનારની સાથે સાથે જુનાગઢ શહેરનું સવારનું તાપમાન બે ડિગ્રી વધીને ૧૦૦ ડીગ્રી નોંધાયું હતું પરંતુ સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૬ ટકા રહેતા ઝાકળ વર્ષા થઈ હતી સવારથી પવનની પ્રતિ કલાકની ઝડપ ૪ કિલોમીટરની રહી હતી.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગતો જોઇએ તો લઘુતમ તાપમાન ૧૪.૬, મહતમ તાપમાન ર૮.પ, ભેજનું પ્રમાણ પપ ટકા, પવનની ગતી પ.૩ કી.મી. રહી છે. 

(1:45 PM IST)