<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

સાવરકુંડલા નાગરિક સહકારી બેંક સાથે બનાવટી ચેક આધારે રૂા. ૩૦,૦૦૦ની છેતરપિંડી કરી ૨૭ વર્ષથી નાસતા ફરતા લીસ્‍ટેડ આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્‍કવોર્ડ અમરેલી

આરોપી ૭૮ વર્ષના વાંકાનેરના નિવૃત્ત મેનેજર કિશોર મહેતા પાલીતાણા રહેવા ચાલ્‍યા ગયેલ : બીજા આરોપી તેમના પત્‍નિ બે વર્ષ પહેલા મૃત્‍યુ પામેલ છે : પોલીસે મહેનત કરી ભેદ ઉકેલ્‍યો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૨૩ : સને ૧૯૯૦ મા સાવરકુંડલા નાગરીક સહકારી બેંકમા  કિશોરભાઈ દેવજીભાઈ મહેતા રહે મુળ ગામ વાંકાનેર, દાણાપીઠ વાળા બેંક મેનેજર તરીકે ફરજ પર હતા દરમ્‍યાન પોતાની બેંકની ચેક બુક પોતાના હવાલામાં હોય જે ચેકબુકમાંથી બે ચેક પોતાની પત્‍ની શ્રીમતિ મીનાક્ષીબેન કિશોરભાઇ મહેતા ના નામના પોતાની બેંક મેનેજર તરીકેની સહી અને એકાઉન્‍ટન્‍ટ (ફરીયાદી) અશ્વીનકુમાર દવેની બનાવટી સહી કરી છળકપટથી મેળવી લીધેલ અને સને ૧૯૯૦ મા જ બેંકમાંથી રાજીનામુ આપી નીકળી ગયેલ ત્‍યારબાદ આરોપી કિશોરભાઇ મહેતા તથા તેમના પત્‍ની મીનાક્ષીબેન બંનેએ સાવરકુંડલા નાગરીક સહકારી બેંકના રૂ.૩૦,૦૦૦ ની કિંમતના ચેકો વિજય કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક રાજકોટ ખાતે મીનાક્ષીબેનના બેંક એકાઉન્‍ટમાં જમા કરાવરાવી રૂ.૩૦,૦૦૦ની ઉચાપત કરેલ હોય જે બાબતેની હકીકત સાવરકુંડલા નાગરીક સહકારી બેંકના મેનેજર અશ્વીનકુમાર દવે ને સને ૧૯૯૮ મા ધ્‍યાન ઉપર આવતા તેઓએ નામદાર સાવરકુંડલા કોર્ટમાં આરોપીઓ વિરૂદ્ધ આઇપીસી ક. ૪૨૦, ૪૦૯, ૪૬૭, ૪૬૮, ૪૭૧ મુજબની ફરીયાદ આપતા જે સાવરકુંડલા ટાઉન પો.સ્‍ટે. એમ કેસ નં. ૦૯/૧૯૯૮ થી ગુન્‍હો રજી. કરવામાં આવેલ.

સદરહું કેસના બંને આરોપી ગુન્‍હો કર્યા બાદ પોતાની ધરપકડ ટાળવા સારૂ નાસતા ફરતા હોય અને અલગ અલગ શહેરોમાં નાસતા ભાગતા હોય જેઓને શોધી કાઢવા સારૂ અત્રેના જિલ્લાની એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્‍કોડની અલગ અલગ ટીમો બનાવી મજકુર બંને આરોપીઓ બાબતે છેલ્લા બે માસથી વાંકાનેર, બોટાદ, અમદાવાદ, સાણંદ તથા પાલીતાણા શહેરો ખાતે આરોપીઓના સગા-સંબંધીઓની તપાસ તજવીજ કરેલ અને બંને આરોપીઓ બાબતે હકીકત મેળવવામાં આવેલ બંને આરોપીઓ પાલીતાણા ખાતે અલગ-અલગ જૈન ધર્મશાળાઓમાં રહેતા હોવાની સચોટ માહિતી મળતા ગઈ કાલ પેરોલ ટીમ દ્વારા પાલીતાણા ખાતે જઇ અલગ અલગ જૈન ધર્મશાળાઓમાં તપાસ તજવીજ કરી આરોપી કિશોરભાઈ દેવજીભાઇ મહેતા ઉવ-૭૮ રહે.મુળ ગામ વાંકાનેર, દાણાપીઠ રહે હાલ- પાલીતાણા, તળેટી વિસ્‍તાર, સાંઇબાબા મંદિર પાસે અંજનાબેન વા/ઓ ખાટાભાઇ મકવાણાના મકાનમાં ભાડેથી રહેતા હોય જ્‍યાંથી શોધી કાઢી તેમજ આરોપી નં(૨) મીનાક્ષીબેન બાબતે પુછપરછ કરતા તપાસ કરતા મીનાક્ષીબેન સને ૨૦૨૩ મા પાલીતાણા ખાતે જ મરણ ગયેલ હોવાનુ જણાઇ આવેલ જેનુ મરણ પ્રમાણપત્ર મેળવવામાં આવેલ છે અને બંને આરોપીની ઓળખ માટે જરૂરી આધાર પુરાવાની નકલો મેળવેલ છે આમ જિલ્લાની એલ.સી.બી. તથા પેરોલ ફર્લો ટીમ દ્વારા જિલ્લામા પાત્રીસ (૩૫) વર્ષ પહેલા ખોટા દસ્‍તાવેજી પુરાવા ઉભા કરી બેંક સાથે છેતરપીંડી કરેલ આરોપીઓ જે ગુજ્‍હો રજી. થયા બાદ છેલ્લા ૨૭ વર્ષથી નાસતા ફરતા લીસ્‍ટેડ આરોપીને પકડી પાડેલ છે.

 આ કામગીરીમાં સંજય ખરાત પોલીસ અધિક્ષક અમરેલીની સુચના અન્‍વયે એ.ડી.ચાવડા પો.ઇન્‍સ. એલ.સી.બી. નાઓના માર્ગદર્શન હેઠળ એન.જી.સાપરા પો.સબ ઇન્‍સ. પેરોલ ફર્લો સ્‍કવોર્ડ, અમરેલી તથા અના. એ.એસ.આઇ. અજયભાઇ સોલંકી, કૌશિકભાઇ બેરા તથા હેડ કોન્‍સ. ગોવિંદભાઈ નગવાડિયા, પરેશભાઇ સોંદરવા, સતારશા શેખ તથા વુ.હેડ કોન્‍સ. ભાવનાબેન ચૌહાણ, વુ.પો.કોન્‍સ. ધરતીબેન લીંબાસીયા એ રીતેનાં જોડાયેલ હતા.

(12:06 PM IST)