News of Friday, 23rd January 2026
પોરબંદર શ્રી હરિ મંદિર પાટોત્સવમાં ‘પૂ. ભાઇશ્રી'ની અધ્યક્ષતામાં અન્નકૂટ - સુવર્ણ શિખર સ્થાપના
પૂ. રમેશભાઇ ઓઝાની આગેવાનીમાં ૨૦માં પાટોત્સવ અંતર્ગત વેદ પારાયણ ભાગવત ચિંતન શિબીર સહિતના કાર્યક્રમોમાં ભાવિકોની ઉપસ્થિતિ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨૩ : પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની અધ્યક્ષતામાં શ્રી હરિ મંદિરના ૨૦મા પાટોત્સવ અંતર્ગત ચાલી રહેલા મહામહોત્સવમાં બીજા દિવસે અખંડ શ્રીહરિ નામ સંકીર્તનની સાથે સાથે સહસ્રકુંભાભિષેક યજ્ઞશાળામાં સુવર્ણશિખર પૂજન અભિષેક, શ્રીહરિમંદિરમાં વેદ પારાયણ તથા ભાગવત ચિંતન શિબિરમાં પ્રવચનો સંપન્ન થયા.
સુવર્ણશિખર પૂજન અને અભિષેકવિધિ
શ્રીહરિ મંદિર મહામહોત્સવના બીજા દિવસના પ્રારંભે શ્રી હરિ મંદિર ઉદ્યાનમાં નિર્મિત ભવ્ય સહ્વકુંભાભિષેક યજ્ઞશાળામાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પૂજન કરવામાં આવ્યું હતું. કાશી અને દક્ષિણભારતથી આવેલા વેદજ્ઞ પંડિતો દ્વારા વેદોક્ત શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજય ભાઈશ્રીના અનુજ શ્રી ગૌતમભાઈ ઓઝા તથા વિદ્વાન બ્રાહ્મણ કરકમલો દ્વારા શ્રી હરિ મંદિરના સુવર્ણશિખરના પૂજનવિધિ તથા દિવ્યાભિષેક વિધિ સંપન્ન થઈ હતી. દેશ-વિદેશથી પધારેલા અતિથિઓએ સુવર્ણકલશ અભિષેક-પૂજન વિધિના દર્શન કરીને મંત્રમુગ્ધ બન્યા હતા.
શ્રીહરિ મંદિરમાં વેદ પારાયણ
શ્રીહરિ મંદિરના ૨૦મા પાટોત્સવ નિમિત્તે મહામહોત્સવમાં કાશી અને દક્ષિણ ભારતથી આવેલા વેદપાઠી પંડિતો દ્વારા વેદોક્ત સૂક્તનું પારાયણ કરવામાં આવ્યુ હતું.
ભારતવર્ષમાં ચારેય વેદોની શાખાઓ કે જેના સુક્તોના પાઠ કરનારા જાણકાર વિદ્વાન પંડિતો વર્તમાન સમયમાં ખુબ જ દુર્લભ છે એવા ઋગ્વેદની શાકલ શાખા, યજુર્વેદની તૈત્તિરીય તથા મૈત્રાયણી શાખા, સામવેદની કૌથુમીય તથા રાણાયનીય શાખા તથા અથર્વવેદની પૈપ્પલાદ શાખાના પ્રાચીન ગુરુપરંપરાગતરીતે વૈદિક સૂક્તોનો અભ્યાસ કરનારા પંડિતો દ્વારા વિવિધ વૈદિક સૂકતોના સસ્વર પારાયણ સંપન્ન કરવામાં આવ્યા હતા. જેનાથી સમગ્ર વાતાવરણમાં દિવ્ય ઊર્જાનો સંચાર થયો હતો.
૧૦૮ કુંડી અતિમહાવિષ્ણુયાગ
શ્રીહરિ મંદિરના ૨૦મા પાટોત્સવના ઉપલક્ષ્યમાં શ્રીહરિ મંદિરના સમીપ નિર્મિત વિશાળ યજ્ઞશાળામાં ચાલી રહેલા ૧૦૮ કુંડી અતિમહાવિષ્ણુયાગમાં ઉપસ્થિત રહ્યા હતા.
પરંપરાગત રીતે નિર્માણ કરવામાં આવેલી દિવ્ય અને વિશાળ યજ્ઞશાળામાં યજ્ઞસેનાના વિદ્વાન બ્રાહ્મણો અને ઋષિકુમારો દ્વારા ૧૦૮ કુંડી અતિમહાવિષ્ણુયાગની પૂજા વિધિ અને યજ્ઞવિધિમાં પૂજય ભાઈશ્રી જોડાયા હતા અને યજ્ઞશાળાની પરિક્રમા કરી હતી.
ભાગવત ચિંતન શિબિર
શ્રી હરિ મંદિરના ૨૦મા પાટોત્સવ મહામહોત્સવના નિમિત્તે બીજા દિવસે બપોરપછીના સત્રમાં પૂજય ભાઈશ્રીના પાવન સાન્નિધ્યમાં આયોજિત ભાગવત ચિંતન શિબિર જ્ઞાનયજ્ઞમાં ભાગવતજ્ઞ વિદ્વાનોએ પ્રવચન આપ્યુ હતુ.
ભાગવત ચિંતન શિબિર જ્ઞાનયજ્ઞના બીજા દિવસે જામનગરના ડો. અનિલભાઈ દ્વિવેદીએ શ્રીમદ્ ભાગવત મહાપુરાણના ત્રીજા સ્કંધના ૧૧મા અધ્યાય પર, મુંબઈથી આવેલા વિદ્વાન વક્તાઓ પૂજય આચાર્ય શ્રી રાજેશભાઇ જોષી દ્વારા શ્રીમદ્ ભાગવત મહાપુરાણના છઠ્ઠા સ્કન્ધના ૧૪ અને ૧૫ અધ્યાય પર કે જેમાં અંગિરા ઋષિ અને દેવર્ષિ નારદ દ્વારા ચિત્રકેતુને ઉપદેશ વિષય પર તથા ગુજરાતના ખુબ જાણીતા વિદ્વાન એવા પૂજય ઈશ્વચંદ્ર વ્યાસજી દ્વારા ભાગવતજીના એકાદશ સ્કંધમાં વર્ણિત સાંખ્ય, વેદાંત એવં યોગસમન્વિત ગીતા તથા હંસગીતાની પૃષ્ઠભૂમિ આવા ઉત્તમ વિષયોને લઈને વિવિધ પ્રસંગો દ્વારા ગહન ચિંતનાત્મક પ્રવચનો પ્રસ્તુત થયા હતા. સત્રના અંતે પૂજય ભાઈશ્રી દ્વારા સર્વે વક્તાઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ. પ્રવચનસત્રમાં પૂજય ભાઈશ્રીના પાવન સાન્નિધ્યમાં અનેક શ્રોતાઓ જોડાયા હતા.
રાસલીલાનો પ્રારંભ
શ્રીહરિ મંદિરના ૨૦મા પાટોત્સવ અંતર્ગત મહામહોત્સવના બીજા દિવસે શ્રીહરિ મંદિરની સાયં આરતી બાદ સાંદીપનિ સભાગૃહમાં વૃંદાવનથી આવેલ વિશેષ મંડળી દ્વારા રાસલીલાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વ્રજની ભૂમિમાં ભગવાનશ્રી કૃષ્ણ અને રાધાજીના તથા અન્ય ગોપીઓ સાથેની રાસલીલાઓના વિવિધ પ્રસંગોને લઈને સંવાદ અને અભિનય દ્વારા રાસલીલા પ્રસ્તુત કરવામાં આવી હતી.
પૂજય ભાઈશ્રીની ઉપસ્થિતિમાં પાટોત્સવમાં આવેલા અતિથિઓ અને પોરબંદરના શહેરજનોએ રાસલીલા માણવાનો લ્હાવો લીધો હતો.
અન્નકૂટ મનોરથ તથા
સુવર્ણ શિખર સ્થાપના
શ્રીહરિ મંદિરના પાટોત્સવ ત્રીજા દિવસે તા. ૨૩-૦૧-૨૬, શુક્રવાર, વસંતપંચમી પાવન દિવસે પૂજય ભાઈશ્રી અને મનોરથી પરિવાર દ્વારા સરસ્વતી મહાપૂજા તથા ગોવર્ધનપૂજા સંપન્ન થશે તથા શ્રીહરિ મંદિરમાં સર્વે વિગ્રહોને અન્નકૂટ અર્પણ કરાવવામાં આવશે. જેના દર્શનનો લાભ સવારે ૮ થી બપોરે ૧ તથા સાંજે ૪ થી ૮ સર્વે દર્શનાર્થીઓ લઈ શકશે.
સુવર્ણ શિખર સ્થાપના
શ્રીહરિ મંદિરના ૨૦મા પાટોત્સવ અંતર્ગત મહામહોત્સવમાં વસંતપંચમીના વિશેષ દિવસે. પૂજય ભાઈશ્રીની ઉપસ્થિતિમાં કાશી અને દક્ષિણ ભારતથી આવેલા પંડિતોના મંત્રોચ્ચાર અને વિધિ સાથે શ્રીહરિ મંદિરમાં શિખર પર બપોરના ૧.૩૦ વાગ્યે સુવર્ણ શિખરની સ્થાપના કરવામાં આવી હતી. શ્રી હરિ મંદિર પાટોત્સવ નિમિત્તે આયોજિત મહામહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સંકીર્તન, યજ્ઞના દર્શન, પ્રવચન શ્રવણ તેમજ મહાપ્રસાદનો લાભ લઈ રહ્યા છે. (તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
